ગુજરાતી મિજાજ

આપણો મિજાજ, ગુજરાતી મિજાજ

Story

વેલેન્ટાઇન પર્વ ૨૦૨૦ ની વિશ્વ કક્ષાએ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ગીવ વાચા દ્વારા ઉજવણી

આ વર્ષે ગીવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિક “વેલેન્ટાઇન પર્વ” ના 7 વર્ષની ઉજવણી વિશ્વ સ્તરે કરી રહ્યા છે. સાલ 2014 થી 7 – 14 ફેબ્રુઆરી દરમ્યાન “વસુધૈવ કુટુમ્બકમ” ના સંદેશ સાથે પાશ્ચાત્ય સંસ્કૃતિના તહેવારમાં  ભારતીય સંસ્કૃતિની સુગંધ મેળવી ઉજવવાની શરૂઆત ડો. કૃપેશ ઠક્કરએ કોલેજના યુવાનો સાથે મળીને કરી. આ રીતે તેમણે “ગિવ વાચા ફાઉન્ડેશન” ની શરૂઆત કરી. સંસ્થાનો મુળ હેતુ પાશ્ચાત્ય સંસ્કૃતિના તહેવારોને ભારતીય સંસ્કૃતિના સમાંતર સંદેશ સાથે ઉજવી, આજની યુવા પેઢીને અમૂલ્ય ભારતીય સાંસ્કૃતિક વારસા સાથે પરિચિત કરવાનો હતો. આ હેતુથી આ તહેવાર દરમ્યાન “બધા ને પ્રેમ કરો” ના સંદેશ સાથે વિવિધ સામાજિક પ્રવૃતિ કરવામાં આવે છે.

જેમાં ટ્રસ્ટી ડો. કૃપેશ ઠક્કરને ગુજરાતના યુવાનો અને કોલેજના સહકારથી અદભૂત સફળતા મળી. દર વર્ષે વધુ ને વધુ લોકો આ સંસ્થા સાથે જોડાતા ગયા. આ વર્ષે આ તહેવાર વિશ્વક સ્તરે ઉજવવાનુ સ્વપ્ન ડો. કૃપેશ જોઈ  રહ્યા છે ત્યારે અત્યાર સુધી “વેલેન્ટાઇન પર્વ 2020” માં વિશ્વના 7 દેશોના લોકો જોડાઈ ગયા છે. જેમાં ફિલ્મના કલાકારો, શાળા અને કોલેજના પ્રાધ્યાપકો, ડોક્ટરો, કવિઓ, સંગીતકારો, ગાયકો, વિદ્યાર્થીઓ તેમજ ગૃહિણીઓનો સમાવેશ થાય છે.

આ વર્ષની થીમ “લવ યુ માં” માતૃદેવો ભવઃ પરથી લેવામાં આવી છે. જેમાં આ વર્ષે માતા અને પુત્ર/પુત્રી  એ સાથે મળી “વસુધૈવ કુટુમ્બકમ” ની ભાવના સાથે આ ઉજવણીમાં જોડાવાનું છે.   “નો ડોનેશન NGO” ના નિયમ સાથે ચાલતી આ સંસ્થામાં બધા લોકો “ગીફ્ટ ઓફ ટાઇમ” આપી જોડાતા હોય છે. ત્યારે આ વર્ષે હર એક શહેરમાં “ગીફ્ટ ઓફ ટાઇમ એમ્બેસેડર” તરીકે માતા-પુત્ર તેમજ માતા-પુત્રી ને સંસ્થા દ્વારા નીમવામાં આવશે. આ એમ્બેસેડર દુનિયાના જે તે શહેરમાં આ અનોખી ઉજવણીમાં જોડાઈ ખરા અર્થમાં “વસુધૈવ કુટુમ્બકમ” ના ભારતીય સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરશે. આ ઉપરાંત માતા પ્રત્યે પોતાના પ્રેમને લઈ આ એમ્બેસેડર 1 ફેબ્રુઆરી થી 10 મે 100 દિવસ સુધી આ સંસ્થાના કાર્યોમાં માતાના નામથી ઓળખાશે. આ 100 દિવસ દરમિયાન વેલેન્ટાઇન ઉપરાંત “મહિલા દિવસ પર્વ” તેમજ અંતે “માતૃ દિવસ પર્વ” 10 મે પર પૂર્ણ થશે.

ડો. કૃપેશ નયનાબેન ઠક્કર દ્વારા “વેલેન્ટાઇન પર્વ 2020” માટે ગુજરાતી અને હિન્દીમાં માતા માટે થીમ ગીત તૈયાર કરેલ છે જેમાં “ગીફ્ટ ઓફ ટાઇમ” ના ભારતીય એમ્બેસેડર પર્વ પૂજાબેન ઠક્કર એ મુખ્ય કલાકાર તરીકે તેમજ અમેરિકા ની એમ્બેસેડર વાચા પૂજાબેન ઠક્કર એ ગાયક તરીકે પોતાની કલાનું યોગદાન આપ્યું છે. આ ઉજવણીના અંતે વિશ્વક એમ્બેસેડર તરીકે ડો. કૃપેશ નયનાબેન ઠક્કર “વસુધૈવ કુટુમ્બકમ” ના સંદેશ સાથે વિશ્વના 7 દેશોના પ્રતિનિધિઓ ને મળવા તેમજ વધુ લોકો સુધી ભારતીય સાંસ્કૃતિક વારસાને લઈ જવા પ્રવાસ કરશે.

કચ્છ ખાતે તોલાણી આર્ટ્સ અને સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડો. સુશિલ વિમલાબેન ધર્માણી, માનવ રચના એકેડેમીના ટ્રસ્ટી અલ્પા કંચનબેન ખખ્ખર, દૂન પબ્લિક સ્કુલના ચેર પર્સન નેહા પુષ્પાબેન ઠક્કર, દિપેશ  હંસાબેન ઠક્કર, યુવા પ્રતિનિધિ ગૌરી યામિનીબેન ઠક્કર, હિતિકા મનીષાબેન ધૂઆ અને હિના મનીષાબેન ધૂઆ, હિના મંજુલાબેન દવે, ચિરંતન જયશ્રીબેન દવે, ગિવ વાચાના ટ્રસ્ટીઓ ડો. શશીકાંત દેવકાબેન ઠક્કર અને નયના દિવાળીબેન ઠક્કર તેમજ કૃપ મ્યુઝિક ના પૂજા પ્રવિણાબેન ઠક્કર એ આ કાર્યમાં જોડાવાની પહેલ કરી છે. જેના બાદ પાંચ જ દિવસમાં ભારત અને વિશ્વ ભરમાં હજાર થી વધારે લોકો જોડાઈ ગયા છે અને હજુ આ સંખ્યા ઘણી વધારે થવાની શક્યતા છે.