Tag: કૃપ મ્યુઝિક

કૃપ મ્યુઝિક

કૃપ મ્યુઝિકની સ્થાપના ૨૦૧૫ માં પ્રખ્યાત ગાયક-ગીતકાર ડૉ. કૃપેશ ઠક્કર દ્વારા કરવામાં આવી હતી, જે એક પ્રતિષ્ઠિત ભારતીય મ્યુઝિક રેકોર્ડ લેબલ કંપની છે. કૃપ મ્યુઝિક મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં ઉભરતી પ્રતિભાઓને શોધવા અને પોષવા માટે સમર્પિત છે. કલાકારોને જરૂરી સાધનો અને સમર્થન પ્રદાન કરીને, તેમને તેમની સંગીત કારકિર્દીને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવા માટે કાર્ય કરે છે.

  • ‘મધર્સ ડે’ ને સનાતન સંસ્કારો સાથે ઊજવતા ‘મા પર્વ 2024’ નો થયો આરંભ

    ‘મધર્સ ડે’ ને સનાતન સંસ્કારો સાથે ઊજવતા ‘મા પર્વ 2024’ નો થયો આરંભ

    હાલમાં ગિવ વાચા ફાઉન્ડેશન, કૃપ મ્યુઝિક અને ઇઝી આઈડી ના સંયુક્ત ઉપક્રમે અંજારના ગૂંજે ગીતા કેન્દ્ર ખાતે મધર્સ ડે ને સનાતન સંસ્કારો સાથે ઉજવતા ત્રીસ દિવસીય ઉત્સવ ‘મા પર્વ’ નો શુભારંભ થયો. જેમાં બાળકોએ ‘માતૃ પૂજા’ કરી અને ભારતીય પરંપરા ની મહેક ફેલાવી. છેલ્લા દસ વર્ષથી ઉજવાતા આ ઉત્સવના દ્રષ્ટા ગીતકાર, સંગીતકાર અને લેખક ડૉ. કૃપેશ ઠક્કર એ ‘ચલો રામ બને’ કાર્યશાળામાં બાળકોને ભગવાન શ્રી રામની દ્રષ્ટિએ માતાનું મહત્વ શીખવ્યું. તો આયુર્વેદ તબીબ અને મ્યુઝિક થેરાપિસ્ટ ડૉ. પૂજા ઠક્કર ના નેતૃત્વ હેઠળ બાળકોએ શ્લોક, રામ કથા, રમત-ગમ્મત અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ ની મજા માણી.

    MAA PARV 2024

    લેખક ડૉ. કૃપેશ ઠક્કરના પુસ્તક ‘અર્જુન ઉવાચ: મા પર્વ’ ની પ્રેરણા થઈ સાકાર

    માતાના અગિયાર સ્વરૂપોની વંદના કરતું આ ઉત્સવ ડૉ. કૃપેશ ના પુસ્તક ‘અર્જુન ઉવાચ: મા પર્વ’ થી પ્રેરિત છે. જેમાં ‘મધર્સ ડે, સનાતન વે’ ના સૂત્ર સાથે માતા, ગીતા માતા, ગૌ માતા, તુલસી માતા, માતૃભાષા, ગુરુ માતા, માતૃભૂમિ, ભારત માતા, લોક માતા, ધરતી માતા અને દેવી એમ અગિયાર સ્વરૂપોની વંદના કરતાં ગુજરાતના વિવિધ શહેરોમાં કાર્યક્રમોનું આયોજન થાય છે.

    ભારતીય સંસ્કારોની શક્તિનો પરિચય

    આ પર્વમાં સૌ લોકો પોતાની માતાના નામ સાથે ‘ગિફ્ટ ઓફ ટાઈમ એમ્બેસેડર’ તરીકે જોડાય છે. તો વૈશ્વિક એમ્બેસેડર બાળ કલાકારો પર્વ ઠક્કર અને વાચા ઠક્કર ના ગીતો ‘લવ યુ મા’, ‘તું છે ઓ મા’ અને ‘યત્ર નાર્યસ્તુ પૂજયન્તે’ થીમ સોંગ તરીકે ભારે લોકચાહના સાથે સૌના આકર્ષણનું કેન્દ્ર રહે છે.

    ARJUN UVACHA: MAA PARV BOOK
    DR. KRUPESH NAYNA SHASHIKANT – GLOBAL GIFT OF TIME AMBASSADOR

    ‘મા પર્વ’ નો ઇતિહાસ, વર્તમાન અને ભવિષ્ય

    ‘મા પર્વ’ વિષે વાત કરતાં ડૉ. કૃપેશ એ જણાવ્યું કે “દસ વર્ષ પહેલા માતાના નામ સાથે ઓળખ આપી ‘માતૃ દેવો ભવઃ’ ની સનાતન પરંપરા સાર્થક કરવા ‘કૃપેશ નયના શશીકાંત’ તરીકે એક વ્યક્તિથી શરૂ થયેલ આ કાર્ય સાત દેશોમાં વસતા લાખો લોકો સુધી પહોંચ્યું એ ઘટના જ ભારતીય સંસ્કારોની શક્તિનો પરિચય આપે છે.” તો ડૉ. પૂજા એ ઉમેર્યું કે “પુસ્તકમાં વર્ણવેલા માતાના અગિયાર રૂપ પર આધારિત વિવિધ પ્રવૃત્તિઓ સાથે અમારું પર્વ ફ્યૂઝન બેન્ડ આ માસ દરમિયાન વિવિધ શહેરોમાં ઉજવણી કરશે. તેમજ અન્ય દેશોમાં સ્વયંસેવકો આ કાર્યને વેગ આપશે.” આ પ્રસંગે ગિવ વાચાના ટ્રસ્ટી શ્રીમતી નયનાબેન ઠક્કર એ કહ્યું કે “માતાના નામ સાથે સંતાનની ઓળખની આપણી ભારતીય પરંપરા આજના યુગમાં ભુલાઈ ગઈ છે, ત્યારે આ પહેલમાં અન્ય લોકો પણ જોડાઈને આપણા મૂલ્યો તરફ પાછા ફર્યા છે; એ જોઈ ખૂબ ગર્વ થાય છે.” આ માસ દરમિયાન થતી માતાના વિવિધ રૂપોની વંદનામાં ગૂંજે ગીતા, વ્હાલ વૃદ્ધત્વને, ગૌ શાલા મેં ગૂંજે ગીતા, શબ્દવંદના, ગુરુ પૂજા અને ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ જેવી પ્રવૃત્તિઓ લોકપ્રિય બની છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પર્વમાં માતા પર આધારિત ડૉ. કૃપેશના કચ્છી પુસ્તક ‘અર્જુન ઉવાચ: મા જા અગિયાર રૂપ’ નું કૃપ પબ્લિશિંગ દ્વારા લોકાર્પણ થશે.

  • શહીદ દિવસે પર્વ ફ્યૂઝન બેન્ડ એ શહીદોને સમર્પિત કર્યું ‘હૈ નમન, શહીદો કો સલામ’ ગીત

    શહીદ દિવસે પર્વ ફ્યૂઝન બેન્ડ એ શહીદોને સમર્પિત કર્યું ‘હૈ નમન, શહીદો કો સલામ’ ગીત

    અંજાર-કચ્છના ડૉ. કૃપેશ ઠક્કર અને બાળ કલાકારો વાચા ઠક્કર અને પર્વ ઠક્કર એ માતૃભૂમિ માટે કુરબાન થયેલા શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ ને સ્વરાંજલી આપતા ‘હૈ નમન, શહીદો કો સલામ’ ગીતનું નિર્માણ કર્યું. જે ગિવ વાચા ફાઉન્ડેશનના હેરિટેજ પર્વ અંતર્ગત કૃપ મ્યુઝિક દ્વારા વૈશ્વિક સ્તરે લોન્ચ થયું.

    શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરતાં પર્વ ફ્યૂઝન બેન્ડના આ ગીતમાં ડૉ. કૃપેશના હ્રદયસ્પર્શી શબ્દો, મોર્ડન સંગીત અને દિગ્દર્શન સાથે વાચાનો મધુર અવાજ અને બંને બાળકોનો શ્રેષ્ઠ અભિનય જોવા મળે છે. આ ગીતનું ફિલ્માંકન કચ્છની ધરોહર એવા ભૂજિયા ડુંગર પર થયેલું છે. ઉપરાંત આદિપુરની તોલાણી કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ પણ શ્રદ્ધાંજલિ આપી ભાગ લીધો હતો. આ ગીત માટે આ પરિવારને ગુજરાત અને ભારતની નામાંકિત સંસ્થાઓએ પુરસ્કાર અને પ્રોત્સાહન પણ આપ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ગીતને યુટ્યુબ પર પંદર લાખથી વધુ લોકો નિહાળી ચૂક્યા છે. તો વિવિધ મ્યુઝિક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર દસ લાખથી વધુ લોકોએ માણ્યું છે. કચ્છી કલાકારોના આ ગીતને વ્યાપક પ્રમાણમાં લોકચાહના મળતા, તેનું ગુજરાતી ગીત ‘શહીદો ને સલામ’ પણ વિશ્વસ્તરે લોન્ચ કરવામાં આવ્યું.

    ગીત વિષે વાત કરતા ડૉ. કૃપેશ એ જણાવ્યું કે “આવનારી પેઢી આઝાદી માટે શહીદોએ આપેલ બલિદાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું ના ચૂકે એ હેતુથી અમે આ ગીત વિશ્વભરમાં વસતા ભારતીયો સુધી લઈ જવા પ્રયત્ન કર્યો છે”.

  • નારીઓની ઉન્નતિ માટે કાર્યરત કચ્છની મહિલાલક્ષી સંસ્થાઓને મળ્યા ‘વુમન્સ પર્વ પુરસ્કાર’

    નારીઓની ઉન્નતિ માટે કાર્યરત કચ્છની મહિલાલક્ષી સંસ્થાઓને મળ્યા ‘વુમન્સ પર્વ પુરસ્કાર’

    સમાજમાં નારીઓના સર્વાંગી વિકાસ અને ઉન્નતિ માટે સમર્પિત તથા શિક્ષણ, સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિના સંવર્ધન માટે મહિલાઓના નેતૃત્વ હેઠળ સતત કાર્યરત એવી કચ્છની નામાંકિત સંસ્થાઓ ‘ગૂંજે ગીતા કેન્દ્ર’, ‘કાવ્ય નિર્ઝરી’,’વાર્તા વિહાર’ અને ‘માતૃછાયા કન્યા વિદ્યા મંદિર’ ને ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિક તરફથી મહિલા દિન નિમિતે ‘ગિવ વાચા ઍવોર્ડ ૨૦૨૪’ અંતર્ગત ‘વુમન્સ પર્વ પુરસ્કાર’ એનાયત કરવામાં આવ્યું.

    સંસ્થાના મેનેજિંગ ડાયરેક્ટર ડૉ. કૃપેશ નયના શશીકાંત એ પુરસ્કૃત સંસ્થાઓનું અભિવાદન કરતાં કહ્યું કે “સમાજમાં દીકરીઓ અને મહિલાઓના સર્વાંગી વિકાસ અને ઉન્નતિ માટે આપે જે કર્મયોગ કર્યો છે તે સૌ માટે પ્રેરણારૂપ બન્યું છે. વુમન્સ પર્વ નિમિતે આપના યોગદાનને સરાહવાનો અમને આનંદ અને ગૌરવ છે.”

    આ પ્રસંગે ‘ગૂંજે ગીતા કેન્દ્ર’ વિષે પરિચય આપતાં ડૉ. પૂજા ઠક્કર એ કહ્યું કે “આ કેન્દ્ર સનાતન સંસ્કૃતિના સંવર્ધન માટે સમર્પિત છે. જેમાં મહિલાઓ બધાંને ભગવદ્ ગીતા શિખવવાની નિઃશુલ્ક તાલીમ આપે છે. તથા ઘર-ઘર સુધી ગીતાનું સંદેશ પહોંચાડે છે. આ પહેલ અંતર્ગત પાંચસોથી પણ વધુ બાળકો અને સોથી પણ વધુ પરિવારો ગૂંજે ગીતાનો લાભ લઈ ચૂક્યા છે.” સાહિત્ય ક્ષેત્રે સક્રિય સંસ્થા ‘કાવ્ય નિર્ઝરી’ અને ‘વાર્તા વિહાર’ વતી પ્રમુખ રમીલાબેન મહેતા અને પુષ્પાબેન વૈદ્યએ કહ્યું કે “છેલ્લા પંદર વર્ષથી અમારી સંસ્થાઓ લેખિકા અને કવિયત્રીઓને પ્રોત્સાહન આપી અનેકવિધ પ્રવૃતિઓ કરતી આવી છે. અમારી બહેનોના કુલ ૩૦ જેટલા પુસ્તકો તથા સંસ્થાના પાંચ સંગ્રહો પ્રકાશિત થયા છે.” તો માતૃછાયા કન્યા વિદ્યામંદિરના આચાર્યા શ્રીમતી સુહાસબેન તન્ના એ કહ્યું કે “શાળાની પચાસથી પણ વધુ દીકરીઓએ વિવિધ ક્ષેત્રમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ સફળતા મેળવી શાળાનું અને કચ્છનું નામ રોશન કર્યું છે. ત્યારે આ પુરસ્કાર સૌ વિદ્યાર્થીનીઓને પ્રેરણા આપશે.” આ ઉપરાંત ગિવ વાચાના ટ્રસ્ટી શ્રીમતી નયનાબેન શશીકાંત ઠક્કર એ સંસ્થા દ્વારા ઊજવતાં આગામી ઉત્સવો દરમિયાન કર્મયોગ કરતી વિભિન્ન સંસ્થાઓને તથા વ્યક્તિવિશેષને પુરસ્કારો પણ એનાયત કરવાની જાહેરાત કરી હતી.

  • કચ્છના આંગણે યોજાયું ‘ગુજરાત ચિલ્ડ્રન્સ લિટરેચર ફેસ્ટિવલ’

    કચ્છના આંગણે યોજાયું ‘ગુજરાત ચિલ્ડ્રન્સ લિટરેચર ફેસ્ટિવલ’

    વૈશ્વિક સાહિત્ય પર્વ રૂપે જ્યારે કૃપ લીટરેચર ફેસ્ટિવલ કચ્છના શહેરોમાં ઉજવાઇ રહ્યું છે, ત્યારે હાલમાં ગિવ વાચા સેન્ટર અંજાર ખાતે આ પર્વ અંતર્ગત ‘ગુજરાત ચિલ્ડ્રન્સ લીટરેચર ફેસ્ટિવલ’નું ભવ્ય આયોજન થયું. જેમાં વિવિધ શાળાઓના આચાર્યો અને સંસ્થાઓના અગ્રણીઓ હાજર રહ્યા. આ ઉત્સવમાં બસો થી પણ વધુ બાળકો વાલીઓ સહિત જોડાયા અને ‘શબ્દવંદના’ સાથે સાત ભાષાઓની ગાયન, વાદન અને નૃત્યના મધ્યમથી વંદના કરી.

    કાર્યક્રમની શરૂઆતમાં ગૂંજે ગીતા કેન્દ્ર, શાળા નંબર ૧૪ તથા ૧૭, અને શ્રી સહયોગ સરસ્વતી વિદ્યામંદિરના બાળકો તેમજ અહલ્યા કન્યા છાત્રાલય અને શાખાની બાળાઓ એ ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત ભાષાની પ્રાર્થના, દેશભક્તિ ગીત અને ગૂંજે ગીતા ની રજૂઆત કરી તો નાટ્યાલય સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સ ગાંધીધામ અને અંજારની કન્યાઓએ સાંસ્કૃતિક નૃત્ય રજૂ કર્યા. આ કાર્યક્રમમાં સાહિત્ય ક્ષેત્રે પદાર્પણ કરતાં બાળ લેખકો ૬ વર્ષીય પર્વ ઠક્કર ના ‘સનાતન એક્ટિવિટી બુક પાર્ટ ૧’ પુસ્તક તો ૧૧ વર્ષીય વાચા ઠક્કરના ‘ગીતા વર્ડ સર્ચ – ઇંડિયન કલ્ચર ફોર કિડ્સ’ પુસ્તકનું આમંત્રિત મહાનુભાવોને હસ્તે લોકાર્પણ થયું. ત્યાર બાદ સૌ બાળકો માટે બાળ લેખિકા વાચા ઠક્કર ના ‘સનાતન વર્ડ સર્ચ’ પુસ્તક આધારિત કોયડાઓની પરીક્ષા યોજાઇ હતી.

    આ પ્રસંગે જાણીતા સાહિત્યકાર મદનકુમાર અંજારિયા એ કહ્યું કે “આ ગુજરાત બાળ સાહિત્ય પર્વ જ્યારે કચ્છના આંગણે ઉજવાઇ રહ્યું છે તે સમગ્ર કચ્છ માટે ગર્વની વાત છે, અને આ બંને બાળ સાહિત્યકારો એ લખેલા પુસ્તકો અન્ય બાળકોને બાળ સાહિત્ય તરફ વાળવામાં મહત્વનો યોગદાન આપશે. આ પુસ્તકો પર વિવિધ શાળાઓમાં પરીક્ષાઓ યોજવી જોઈએ.” આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી ડૉ. કૃપેશ નયના શશીકાંત એ કહ્યું કે “કચ્છમાં સૌ પ્રથમ વખત બાળ સાહિત્ય પર્વનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે વિવિધ શાળાઓ અને સંસ્થાઓએ ઉત્સાહભેર જોડાઈને બાળકોને ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના જતન માટે પ્રેરિત કરવાનું જે કર્તવ્ય પૂરું પાળ્યું છે તે સરાહનીય છે.”

    તો ફેસ્ટિવલ ડાયરેકટર ડૉ. પૂજા ઠક્કર એ ઉમેર્યું કે “આ ઉત્સવ કચ્છથી શરૂ થઈ હવે ગુજરાતના અન્ય શહેરોમાં પણ ૭ ભાષાઓની મહેક ફેલાવશે અને સાહિત્ય થકી બાળકોના સર્વાંગી વિકાસ માટે સૌ સાથે મળીને આગેકૂચ કરીશું.” અત્રે ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં આયોજક સંસ્થાઓ ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિકના અગ્રણીઓએ કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકો અને સમ્મિલિત શાળાઓ અને સંસ્થાઓને પ્રમાણપત્ર આપી સન્માન કર્યું હતું. આ પ્રસંગે ગોવિંદભાઈ દનીચા, વિરાજબેન દેસાઇ, તરલિકાબેન દેસાઇ, એન કે ધોરિયા, જિગ્નેશભાઈ અબોટી, સુમા મોહન, સંગીતાબેન ચાવડા, બાગેશ્રી ચંદે, તથા અમૃતભાઈ સ્પંદન એ ઉપસ્થિત રહી સૌ બાળકોને પ્રોત્સાહિત કર્યા. કાર્યક્રમની વ્યવસ્થા મેહુલભાઈ, કલરવભાઈ, વૈશાલીબેન, અંજલીબેન, કૈલાશબેન તથા રશ્મિબેનએ સંભાળી હતી.

  • ‘વસુધૈવ કુટુંબકમ’ ના ભાવથી ઉજવાતા ‘વેલેન્ટાઇન્સ પર્વ’ ની દસમી વર્ષગાંઠ કચ્છમાં ઉજવાઇ

    ‘વસુધૈવ કુટુંબકમ’ ના ભાવથી ઉજવાતા ‘વેલેન્ટાઇન્સ પર્વ’ ની દસમી વર્ષગાંઠ કચ્છમાં ઉજવાઇ

    હાલમાં, અંજારની સંસ્થા ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિકના અગ્રણીઓ, સ્વયંસેવકો, સાહિત્યકારો અને બાળકો માવતરો સાથે ‘વેલેન્ટાઇન્સ પર્વ’ની દસમી વર્ષગાંઠ ઉજવવા માધાપર ખાતે શ્રી હરિ શાંતિનિકેતન વૃદ્ધાશ્રમમાં પહોંચ્યા.

    દસ વર્ષ પહેલાં અમેરિકાથી પરત થયેલા રિસર્ચ સાયન્ટિસ્ટ ડૉ. કૃપેશ ઠક્કર એ વર્ષ ૨૦૧૪માં સૌ પ્રથમ આ પાશ્ચાત્ય દિવસને ‘વસુધૈવ કુટુંબકમ’ ના ભાવ સાથે વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમમાં ૭ થી ૧૪ ફેબ્રુઆરી દરમિયાન ‘વેલેન્ટાઇન્સ પર્વ’ રૂપે ઉજવી યુવાવર્ગને સનાતન સંસ્કૃતિ તરફ વળવાની પહેલ કરી હતી. જેમાં તેમણે ‘ક્યાં છે કાનો’ આલ્બમ લોન્ચ કરી સીતા-રામ અને રાધા-શ્યામને પ્રેમના આદર્શ પ્રતિક ગણાવ્યા હતાં.

    સમયાંતરે આ ઉત્સવ ગુજરાતનાં વિવિધ શહેરોમાં તથા અમેરિકા, કેનેડા સહિત વિશ્વના સાત દેશોમાં થઈને કચ્છ સુધી પહોંચ્યો. આ દસમી વર્ષગાંઠની ઉજવણી ‘કૃપ લીટરેચર ફેસ્ટિવલ’ અંતર્ગત ભાષા અને સાહિત્ય સાથે થઈ, જેમાં વૃદ્ધાશ્રમના વડીલોએ પ્રાર્થના, ગૂંજે ગીતા અને કવિ સંમેલનની મજા માણી. ત્યાર બાદ વડીલ માતા-પિતાના વરદ હસ્તે ડૉ. કૃપેશના ‘વેલેન્ટાઇન્સ પર્વ’ અને ‘અર્જુન ઉવાચ: અધ્યાત્મિક જાત્રા’ પુસ્તકોનું વિમોચન થયું. કોઈ લેખકે વૃદ્ધાશ્રમમાં માવતરો સાથે પુસ્તકોનું લોકાર્પણ કર્યું હોય એવું આ પ્રથમ ઉદાહરણ અન્ય સર્જકો માટે પણ પ્રેરણાત્મક બની રહેશે.

    આ પ્રસંગે દસ વર્ષની યાત્રાને યાદ કરતાં ડૉ. કૃપેશ એ કહ્યું કે ‘સૌને પ્રેમ કરવાની ભાવના સાથે ૨૦૧૪માં ‘વેલેન્ટાઇન્સ પર્વ’ને ‘હેલ્પીંગ હેન્ડમાં કાનો’, ‘સેલ્ફલેસ એક્ટમાં કાનો’, ‘એટીટ્યુડમાં કાનો’ અને ‘ગ્રેટિટ્યૂડમાં કાનો’ એમ ચાર સૂત્ર સાથે શરૂ કર્યું. આ વર્ષો દરમિયાન કોલેજોના હજારો યુવાનો આ કાર્યમાં જોડાયા. જેમણે અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ, હોસ્પિટલોમાં સેવા કરીને તથા શાળા-કોલેજોમાં સનાતન સંસ્કૃતિની પ્રવૃતિઓ કરીને તો તબીબોએ નિઃશુલ્ક નિદાન કેમ્પ તેમજ રકતદાન શિબિર સાથે આ અનેરું પર્વ ઉજવ્યું. આમ કર્મયોગ સાથે એક શહેરથી શરૂ થયેલું આ વિચાર સાત દેશો સુધી પહોંચ્યું હતું અને ફિલ્મજગતના કલાકારો પણ તેના સહભાગી થયા હતાં.”

    વધુમાં ડૉ. પૂજાએ કહ્યું કે “વ્હાલ વૃદ્ધત્વ અંતર્ગત હવે કચ્છના આ વૃદ્ધાશ્રમમાં પણ સેવા કાર્યો થશે.” ત્યાર બાદ વૃદ્ધ માવતરોના સ્વાસ્થ્ય માટે તબીબોએ મ્યુઝિક થેરાપીની નિઃશુલ્ક તાલીમ આપી. તો સ્વયંસેવકો અને બાળકોએ વાર્તાલાપ અને અલ્પાહાર સાથે વડીલોની સેવા કરી. અત્રે ઉલ્લેખનીય છે કે સૌ વડીલો આ નવતર પ્રયોગથી ભાવવિભોર થયા હતાં.

  • વિશ્વભરમાં ધૂમ મચાવી રહ્યું છે કચ્છની આ બાળ કલાકારાનું રાષ્ટ્રગીત

    વિશ્વભરમાં ધૂમ મચાવી રહ્યું છે કચ્છની આ બાળ કલાકારાનું રાષ્ટ્રગીત

    હાલમાં પ્રજાસત્તાક પર્વ પર જ્યાં દેશના દરેક ખૂણે રાષ્ટ્રગાન ગવાયું ત્યારે અંજારની અગિયાર વર્ષીય ગાયિકા વાચા ઠક્કરના ‘જન ગન મન’ ને વિશ્વભરમાં ચાહકોએ ઉત્સાહભેર વધાવ્યો. આ ગીતમાં અંજારના બગીચાની જલક હોતા તેના વિડીયો સાથે અંજાર અને કચ્છ વિશ્વસ્તરે રોશન થયું છે જે સૌ કચ્છીઓ માટે ગૌરવની વાત છે. આ ગીતને યુટ્યુબ પર ત્રણ કરોડથી વધુ લોકોએ નિહાળ્યું, ૧ લાખથી પણ વધુ લોકોએ લાઇક્સ વરસાવ્યા ઉપરાંત સાડા સાત હજાર લોકોએ શોર્ટ્સ બનાવ્યા. એ સિવાય જીઓ સાવન પર નવ લાખથી વધુ લોકોએ આ ગીત માણ્યું તથા ત્યાં ટ્રેન્ડિંગ રહેતાં આ ગીતને જીઓ સાવને ‘બૉલીવુડ ડેકેડ 2010’ ની યાદીમાં પ્રથમ સ્થાન પણ આપ્યું હતું. ઇન્સ્ટાગ્રામ પર વાચાના આ ગીત પર દસ હજાર જેટલી રિલ બનતા છવીસમી જાન્યુઆરીથી તે હજુ પણ ટ્રેન્ડિંગમાં છે.

    યુટ્યુબ પર ટ્રેન્ડીંગ
    જીઓસાવન પર ૯ લાખ થી વધારે પ્લેય્સ
    ઇન્સ્ટાગ્રામ પર ટ્રેન્ડીંગ
    બોલીવુડ ડેકેડ 2010s માં સમાવેશ

    ગાયિકાએ ફક્ત સાત વર્ષની વયે આ ગીતને સ્વર આપ્યું જેમાં સંગીત અને દિગ્દર્શન જાણીતા ગીતકાર-સંગીતકાર ડૉ. કૃપેશ દ્વારા કરવામાં આવ્યું. આ ગીત કૃપ મ્યુઝિક દ્વારા વિશ્વસ્તરે લોન્ચ થયું જેથી નાની ઉમર, દેશભક્તિ અને મધુર અવાજ સાથે આ ગાયિકા લોકોનો હ્રદયમાં છવાઈ ગઈ. આ ગીતનું સંકલન ‘લવ યુ ભારત’ આલ્બમમાં થયું જેને હોમ મિનિસ્ટર શ્રી હર્ષભાઈ સંઘવી લોકાર્પિત કરી આશીર્વાદ આપ્યા હતાં.

    જન ગણ મન વાચા ઠક્કર દ્વારા
    જન ગણ મન નોટેશન વર્સન
    હોમ મિનિસ્ટર શ્રી હર્ષભાઈ સંઘવી ના હસ્તે ‘લવ યુ ભારત’ આલ્બમનું લોકાર્પણ
    • YouTube Shorts – 8k+ Short Videos Created on YouTube
    • JioSaavn – 9,00,000 + Plays on JioSaavn
    • Instagram Reels – Trending on Instagram with 10k+ Reels

    OTHER JANA GANA MANA VERSIONS

  • વિશ્વના સૌથી મોટા કચ્છી લિટરેચર એન્ડ મ્યુઝિક ફેસ્ટિવલ ‘કચ્છી મિજાજ’ની થઈ જાહેરાત

    વિશ્વના સૌથી મોટા કચ્છી લિટરેચર એન્ડ મ્યુઝિક ફેસ્ટિવલ ‘કચ્છી મિજાજ’ની થઈ જાહેરાત

    ‘પાંજો મિજાજ, કચ્છી મિજાજ’ ના ભાવ સાથે કચ્છના વરિષ્ઠ સાહિત્યકારો જોડાયા.

    ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝીક દ્વારા સંચાલિત ગ્લોબલ લીટરેચર એન્ડ કલ્ચરલ ક્લબએ કચ્છના સૌથી મોટા કચ્છી લીટરેચર એન્ડ મ્યુઝિક ફેસ્ટીવલ ‘કચ્છી મિજાજ: કચ્છી સાહિત્ય પર્વ’ ના આયોજન કરવાની જાહેરાત કરી. જેમાં કચ્છના જાણીતા સાહિત્યકારો, કલાકારો અને યુવા સર્જકો તેમજ વિવિધ સંસ્થાઓ જોડાઈ કચ્છની ધરા અને કચ્છી મિજાજને સાહિત્ય અને કલા થકી વૈશ્વીક સ્તરે ઉજાગર કરશે.

    હાલમાં જ્યારે આ સંસ્થાઓએ કચ્છી સાહિત્યને વિશ્વફલક પર રોશન કરવાનો સંકલ્પ લીધો છે ત્યારે આ ભવ્ય કાર્યક્રમના આયોજન માટેની પ્રથમ બેઠકનું ભુજ ખાતે આયોજન થયું જેમાં કચ્છના વરિષ્ઠ સાહિત્યકારો હાજર રહ્યા અને ફેસ્ટીવલ ડાયરેક્ટર ડૉ. કૃપેશ ઠક્કર એ આ પર્વ માટે આપેલા ‘પાંજો મિજાજ, કચ્છી મિજાજ’ સૂત્રને હ્રદયસ્થ કરી સાહિત્ય, સંગીત, કલા અને શિક્ષણ થકી પોતાનું યોગદાન આપવા ઉત્સાહ દાખવ્યો. ડો. કૃપેશ અને ડૉ. પૂજા ઠક્કરના આ અભિયાનને કચ્છ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ ડો. કાંતિ ગોર, વરિષ્ઠ સાહિત્યકાર શ્રી મદનકુમાર અંજારિયા, જાણીતા સાહિત્યકાર શ્રી કૃષ્ણકાંત ભાટિયા અને ડૉ. રમેશ ભટ્ટ તથા સાહિત્યક્ષેત્રે સક્રિય કચ્છના નારીરત્નો એવા શ્રીમતી રમિલાબેન મહેતા, પુષ્પાબેન વૈદ્ય અને અરુણાબેન ઠક્કર એ ઉષ્માભેર આવકાર્યું.

    આ પ્રસંગે ડૉ. કૃપેશ એ કહ્યું કે “આ લીટરેચરએન્ડ મ્યુઝિક ફેસ્ટીવલમાં સાહિત્યકારો અને કલાકારોને પોતાના સાહિત્યને અધ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી વૈશ્વિક સ્તરે ઉજાગર કરવાની દિશા મળી રહે એવો પ્રયાસ રહેશે. આ ભગીરથ કાર્યમાં જોડાવા સૌ કચ્છી સાહિત્યકારો, કલાકારો, યુવા સર્જકો, શાળા-કોલેજો અને સંસ્થાઓને આમંત્રણ આપું છું. આ સાથે જ વિશ્વના વિવિધ દેશોમાં વસતાં કચ્છી લોકોને પણ આ કાર્યમાં સાંકળી લેવામાં આવ્યા છે જે ‘પાંજો મિજાજ, કચ્છી મિજાજ’ ના સૂત્રને સાર્થક કરશે.”

    આ સંદર્ભે વાત કરતાં ડો. કાંતિ ગોર એ કહ્યું કે “આજના ડિજિટલ યુગમાં કચ્છી સાહિત્ય અને કચ્છી સહિત્યકારો બંને ડિજિટલી અપગ્રેડ થઈ વૈશ્વિક સ્તરે પ્રદર્શન કરવા જઇ રહ્યા છે તે સરાહનીય છે.” તો ડૉ. પૂજા એ ઉમેર્યું કે“આ ફેસ્ટીવલ અંતર્ગત કચ્છીયતને આવરી લેતા ઘણાં પુસ્તકો સંકલિત કરીને કૃપ પબ્લિશિંગ દ્વારા વૈશ્વિક સ્તરે પ્રકાશિત કરવામાં આવશે.” શ્રી મદનકુમાર એ ઉમેર્યું કે ‘આ સાહિત્ય સંગીત પર્વ એ સર્વ માટે છે જેમાં સૌ કોઈ જોડાઈ પોતાનું કચ્છી મિજાજ સાર્થક કરે એ જ ભાવના છે.” સંસ્થાના ટ્રસ્ટીશ્રી ડૉ. શશીકાંત ઠક્કર કહ્યું કે ‘કૃપ લીટરેચર ફેસ્ટીવલ’ તેમજ ‘કૃપ મ્યુઝિક ફેસ્ટીવલ’ અંતર્ગત થનારું આ પ્રથમ ચરણ છે. એવા જ અન્ય ભાષાઓના સાહિત્ય પર્વોનું આયોજન પણ આગામી સમયમાં કરવામાં આવશે.” આ પર્વના દ્રષ્ટા શ્રીમતી નયનાબેન ઠક્કર એ જણાવ્યું કે “કચ્છી સાહિત્ય અને સંગીત પર્વમાં માતૃભાષા અને માતૃભૂમિ માટે કાર્ય કરતાં સૌ પોતાના માતા-પિતાના નામ સાથે જોડાઈ આ પહેલને વધુ મૂલ્યવાન બનાવશે.”

  • નવરાત્રી પર્વ નિમિતે કચ્છી કલાકારો દ્વારા અંબે માં આરતીની ભવ્ય રજૂઆત

    નવરાત્રી પર્વ નિમિતે કચ્છી કલાકારો દ્વારા અંબે માં આરતીની ભવ્ય રજૂઆત

    પર્વ ફ્યૂઝન બેન્ડનો આ ગીત વિશ્વભરમાં બસ્સો થી પણ વધુ પ્લેટફોર્મ પર થયું લોન્ચ

    ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિક દ્વારા નવરાત્રી ઉત્સવ નિમિતે પર્વ ફ્યુઝન બેન્ડના કલાકારો પર્વ ઠક્કર, વાચા ઠક્કર અને ડૉ. કૃપેશના ‘જય આદ્યાશક્તિ’ અંબે માં આરતીનું અંજારના ગિવ વાચા સેન્ટર ખાતે આમંત્રિત કુમારીકાઓને હસ્તે લોકાર્પણ થયું.

    આ આરતીને કૃપ મ્યુઝિક દ્રારા વિશ્વભરમાં બસ્સો થી પણ વધુ પ્લેટફોર્મ પર લોંચ કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે ઘણાં કલાકારો દ્વારા આ આરતી ગાવામાં આવી છે પણ છ વર્ષીય અને અગિયાર વર્ષીય બાળ કલાકારોએ કંઠ આપ્યું હોય એવું પ્રથમવાર બન્યું, જે અન્ય કલાકારો માટે પ્રેરણારૂપ છે. આ કાર્યક્રમમાં બેન્ડના કલાકારો એ અન્ય બાળકો અને માતાઓ સાથે મળીને માતાની આરાધના કરતાં આરતીની રજૂઆત કરી અને ત્યાર બાદ ગરબે રમ્યા.

    આ પ્રસંગે ગીતકાર અને સંગીતકાર ડો. કૃપેશ એ કહ્યું કે “નવરાત્રી પર્વના પાવન તહેવારમાં સાક્ષાત દેવી સ્વરૂપ કુમારીકાઓના આશીર્વાદથી આરતી લોન્ચ થઈ એ અમારું સૌભાગ્ય છે. અમને એ જાહેર કરતાં આનંદ થાય છે કે સનાતન ધર્મ અને સંસ્કારો માટે કલા ક્ષેત્રે સતત કાર્યરત રહેતું અમારું આ બેન્ડ કૃપ મ્યુઝિક સાથે પોતાના ૫૦ ગીતો સુધીનું સફર કરી ચૂક્યું છે. જેમાં આ બંને બાળકો એ ભક્તિ ગીતો, પારિવારિક ગીતો અને દેશભક્તિ ગીતોને સથવારે સંસ્કૃતિ અને સંસ્કારોની સેવા કરી છે અને આગળ પણ કરતાં રહેશે.” અત્રે ઉલ્લેખનીય છે કે આ કલાકારો ફક્ત સંગીત જ નહીં પરંતુ સાહિત્ય અને સમાજ સેવા ક્ષેત્રે પણ સક્રિય રહી સનાતન ધર્મ આધારિત પુસ્તકો પ્રકાશિત કરી તેમજ ગૂંજે ગીતા, પર્વ કી પાઠશાલા જેવા કાર્યક્રમો દ્વારા ધર્મના પ્રચાર-પ્રસાર માટે કાર્યરત છે.

  • પર્વ ફ્યુઝન બેન્ડના કલાકારો ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જ્હા ને મળ્યા

    પર્વ ફ્યુઝન બેન્ડના કલાકારો ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જ્હા ને મળ્યા

    ગીતાને કેન્દ્રમાં રાખી સત્કર્મ માટે ગુજરાતની યાત્રાએ નીકળેલા ફ્યુઝન બેન્ડના કલાકારો

    ગિવ વાચા ફાઉન્ડેશન, કૃપ મ્યુઝિક અને ઈઝીઆઈડીએ ત્રીસ દિવસીય ક્લબફૂટ અવેરનેસ મંથ પ્રોજેક્ટ થકી ગુજરાતનાં વિવિધ શહેરોમાં લોકજાગૃતિ માટેની પહેલ કરી છે. ત્યારે વર્લ્ડ ક્લબફૂટ ડે નિમિત્તે પ્રતિનિધિ તરીકે પર્વ ફ્યુઝન બેન્ડના કલાકારો ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જ્હા ને મળ્યા હતા.

    આ પ્રોજેક્ટનો વૈશ્વિક એમ્બેડર પર્વ ઠક્કર ક્લબફૂટ નામની બીમારી સાથે જન્મ્યો. સમયસર સારવા૨થી સ્વસ્થ થઇ ક્લબફૂટ વોરિયર બન્યો છે. એટલું જ નહિ છ વર્ષની વયે તેના ૩૦થી વધુ ગીતો વિશ્વભરમાં લોન્ચ થયા છે. વાચા ઠક્કર સાથે પર્વ ગીતાનાં શ્લોકો સંગીતબદ્ધ રીતે ગાય છે અને લોકો પસંદ કરી રહ્યા છે. તેનો પરિવાર પોતાના બેન્ડ સાથે ગુંજ ગીતા શો કરે છે. પ્રોજેક્ટ હેડ ડૉ. કૃપેશ ઠક્કર અને ડૉ. પૂજા ઠક્કર અસરગસ્ત બાળકોના વાલીઓને માર્ગદર્શન આપી આ બીમારી અંગેની ગેરમાન્યતાઓને દૂર કરવામાં યોગદાન આપે છે. ગીતાને કેન્દ્રમાં રાખી સત્કર્મ કરવા આ બેન્ડના કલાકારો ગુજરાત યાત્રા માટે નીકળ્યા છે. ડૉ કૃપેશ એ કહ્યું કે, કલબફૂટની પાંચ વર્ષ સુધી ચાલતી સારવારમાં બાળકને પીડામાંથી રાહત આપવા મ્યુઝિક થેરાપી રામબાણ ઈલાજ સાબિત થઈ શકે છે. જે બાળકના સર્વાંગી વિકાસમાં પણ મદદ કરે છે, જેનું પર્વ જીવંત ઉદાહરણ છે.

  • વૈશ્વિક સ્પર્ધા કૃપ ટેલેન્ટ હન્ટનું ગાંધીધામ ખાતે થયું શુભારંભ

    વૈશ્વિક સ્પર્ધા કૃપ ટેલેન્ટ હન્ટનું ગાંધીધામ ખાતે થયું શુભારંભ

    ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિકના સંયુક્ત ઉપક્રમે વિશ્વભરના ભારતીયો માટે થનારી ગાયન, વાદન, નૃત્ય, અભિનય, મોડેલિંગ અને વક્તવ્ય માટેની સ્પર્ધાઓના કચ્છ ક્ષેત્રના ઓડિશનનું દયાનંદ આર્ય વૈદિક (ડીએવી) પબ્લિક સ્કૂલ ગાંધીધામ ખાતે પ્રારંભ થયું. જેમાં શાળાના સીઇઓ શ્રીમતી હેતલબેન પરમાર, આચાર્ય શ્રી દિગંતભાઈ ધોળકિયા, ગીતકાર, સંગીતકાર અને ફિલ્મ મેકર ડૉ. કૃપેશ ઠક્કર, કૃપ મ્યુઝિકના ચેર પર્સન ડૉ. પૂજા ઠક્કર તથા ડૉ. રાધાબેન ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.

    સૂર ગુજરાત કે, નચ લે, ઓસમ અદાકાર, ધ મેજિકલ મ્યુઝિશિયન, ધ ગ્લોબલ ગુજરાત શૉ, કૃપ ઓપન માઇક તથા સૂર હિન્દુસ્તાન કે ને આવરી લેતી આ સ્પર્ધાઓમાં વિશ્વભરથી લોકો ઓનલાઈન તેમજ પ્રત્યક્ષ રીતે જોડાય છે. ત્યારે ગાંધીધામ ખાતે યોજાયેલ ઓડિશનમાં જુનિયર તેમજ સિનિયર વિભાગમાં કચ્છના વિવિધ શહેરોના સ્પર્ધકો જોડાયા. કાર્યક્રમના પ્રારંભમાં પર્વ ફ્યૂઝન બેન્ડના બાળ કલાકારો પર્વ ઠક્કર અને વાચા ઠક્કર એ પ્રાર્થના રજૂ કરી. આ પ્રસંગે શ્રીમતી હેતલબેન એ સ્પર્ધકોને કહ્યું કે “આપ સૌને કલા અને કૌશલ્યો દેખાડવાની શ્રેષ્ઠ તક અને યાદગાર અનુભવ મળે એ ઉદેશ્ય સાથે શાળાના પ્રાંગણમાં વૈશ્વિક કક્ષાની આ સ્પર્ધાઓના ગાંધીધામ ઓડિશનના સહભાગી બનવાનું અમને આનંદ છે.” તો સ્પર્ધાઓ વિષે વાત કરતાં મેન્ટર અને જજ ડૉ. કૃપેશ એ જણાવ્યું કે “ગિવ વાચા નવોદિત કલાકારોને મંચ આપવા છેલ્લા સાત વર્ષોથી આ સ્પર્ધાઓ કરે છે ત્યારે આ વર્ષે વિવિધ શાળાઓ અને કોલેજો સાથે સંલગ્ન થઈ અમે ગામડાઓ અને શહેરના ખૂણે ખૂણેથી પ્રતિભાશાળી કલાકારો શોધવાનું પ્રયત્ન કરીશું જે માટે ટૂંક સમયમાં જ અન્ય સંસ્થાઓ સાથે પણ ઓડિશનનું આયોજન કરવામાં આવશે.”

    સ્પર્ધકોને પ્રોત્સાહન આપતા ડૉ. પૂજાએ ઉમેર્યું કે “અગાઉ પણ આ સ્પર્ધાના વિજેતાઓને કૃપ મ્યુઝિક દ્વારા ફિલ્મો અને મ્યુઝિક વિડિયોમાં ઝળહળવાની તક મળી હતી. આ વખતે પણ વિજેતાઓને સુવર્ણ અવસર આપવામાં આવશે.” કૃપ અકાદમી દ્વારા સ્પર્ધકોને કલા ક્ષેત્રમાં કારકિર્દી માર્ગદર્શન માટે નિ:શુલ્ક તાલીમ આપવામાં આવી.

    કાર્યક્રમનું સંચાલન અંજલી સેવક દ્વારા કરવામાં આવ્યું તથા શાળાના શિક્ષકોએ વ્યવસ્થાપનમાં યોગદાન આપ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધાઓમાં અમેરીકા અને કેનેડાના ગુજરાતી સ્પર્ધકો પણ વિજેતા રહી ચૂક્યા છે.