ગુજરાતી મિજાજ

આપણો મિજાજ, ગુજરાતી મિજાજ

Story

નારીઓની ઉન્નતિ માટે કાર્યરત કચ્છની મહિલાલક્ષી સંસ્થાઓને મળ્યા ‘વુમન્સ પર્વ પુરસ્કાર’

સમાજમાં નારીઓના સર્વાંગી વિકાસ અને ઉન્નતિ માટે સમર્પિત તથા શિક્ષણ, સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિના સંવર્ધન માટે મહિલાઓના નેતૃત્વ હેઠળ સતત કાર્યરત એવી કચ્છની નામાંકિત સંસ્થાઓ ‘ગૂંજે ગીતા કેન્દ્ર’, ‘કાવ્ય નિર્ઝરી’,’વાર્તા વિહાર’ અને ‘માતૃછાયા કન્યા વિદ્યા મંદિર’ ને ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિક તરફથી મહિલા દિન નિમિતે ‘ગિવ વાચા ઍવોર્ડ ૨૦૨૪’ અંતર્ગત ‘વુમન્સ પર્વ પુરસ્કાર’ એનાયત કરવામાં આવ્યું.

સંસ્થાના મેનેજિંગ ડાયરેક્ટર ડૉ. કૃપેશ નયના શશીકાંત એ પુરસ્કૃત સંસ્થાઓનું અભિવાદન કરતાં કહ્યું કે “સમાજમાં દીકરીઓ અને મહિલાઓના સર્વાંગી વિકાસ અને ઉન્નતિ માટે આપે જે કર્મયોગ કર્યો છે તે સૌ માટે પ્રેરણારૂપ બન્યું છે. વુમન્સ પર્વ નિમિતે આપના યોગદાનને સરાહવાનો અમને આનંદ અને ગૌરવ છે.”

આ પ્રસંગે ‘ગૂંજે ગીતા કેન્દ્ર’ વિષે પરિચય આપતાં ડૉ. પૂજા ઠક્કર એ કહ્યું કે “આ કેન્દ્ર સનાતન સંસ્કૃતિના સંવર્ધન માટે સમર્પિત છે. જેમાં મહિલાઓ બધાંને ભગવદ્ ગીતા શિખવવાની નિઃશુલ્ક તાલીમ આપે છે. તથા ઘર-ઘર સુધી ગીતાનું સંદેશ પહોંચાડે છે. આ પહેલ અંતર્ગત પાંચસોથી પણ વધુ બાળકો અને સોથી પણ વધુ પરિવારો ગૂંજે ગીતાનો લાભ લઈ ચૂક્યા છે.” સાહિત્ય ક્ષેત્રે સક્રિય સંસ્થા ‘કાવ્ય નિર્ઝરી’ અને ‘વાર્તા વિહાર’ વતી પ્રમુખ રમીલાબેન મહેતા અને પુષ્પાબેન વૈદ્યએ કહ્યું કે “છેલ્લા પંદર વર્ષથી અમારી સંસ્થાઓ લેખિકા અને કવિયત્રીઓને પ્રોત્સાહન આપી અનેકવિધ પ્રવૃતિઓ કરતી આવી છે. અમારી બહેનોના કુલ ૩૦ જેટલા પુસ્તકો તથા સંસ્થાના પાંચ સંગ્રહો પ્રકાશિત થયા છે.” તો માતૃછાયા કન્યા વિદ્યામંદિરના આચાર્યા શ્રીમતી સુહાસબેન તન્ના એ કહ્યું કે “શાળાની પચાસથી પણ વધુ દીકરીઓએ વિવિધ ક્ષેત્રમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ સફળતા મેળવી શાળાનું અને કચ્છનું નામ રોશન કર્યું છે. ત્યારે આ પુરસ્કાર સૌ વિદ્યાર્થીનીઓને પ્રેરણા આપશે.” આ ઉપરાંત ગિવ વાચાના ટ્રસ્ટી શ્રીમતી નયનાબેન શશીકાંત ઠક્કર એ સંસ્થા દ્વારા ઊજવતાં આગામી ઉત્સવો દરમિયાન કર્મયોગ કરતી વિભિન્ન સંસ્થાઓને તથા વ્યક્તિવિશેષને પુરસ્કારો પણ એનાયત કરવાની જાહેરાત કરી હતી.