ગુજરાતી મિજાજ

આપણો મિજાજ, ગુજરાતી મિજાજ

BlogLiterature

વર્લ્ડ ક્લબફૂટ ડે નિમિત્તે અસરગ્રસ્ત બાળકોના શુભ સ્વાસ્થ્ય માટે થયું ભગવદ્ ગીતા પઠન

“અર્જુન ઉવાચ: નાનકડા પગલાં ભરે હરણફાળ” પુસ્તકના મુખપૃષ્ઠનું લોકાર્પણ

સમગ્ર વિશ્વમાં 3 જૂન વિશ્વ ક્લબફૂટ દિવસ તરીકે ઉજવાય છે, ત્યારે ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ હેલ્થ એ અંજારના ગૂંજે ગીતા કેન્દ્ર ખાતે ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ નામના વૈશ્વિક જાગૃતી અભિયાનની સાતમી વર્ષગાંઠની અનેરી ઉજવણી કરી. એ સાથે જ ક્લબફૂટ વોરિયર તરીકે જાણીતા બનેલા વિશ્વના યંગેસ્ટ સિંગર અને એક્ટર ૭ વર્ષીય પર્વ ઠક્કર ની સંઘર્ષથી સફળતા સુધીની યાત્રાને આવરી લેતા ડૉ. કૃપેશ ઠક્કર ના આગામી પુસ્તક “અર્જુન ઉવાચ: નાનકડા પગલાં ભરે હરણફાળ” ના મુખપૃષ્ઠનું ડૉ. શશીકાંત ઠક્કર, શ્રીમતી નયનાબેન ઠક્કર તેમજ પર્વ ફ્યુઝન બેન્ડના કલાકારોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.

ARJUN UVACHA: NANAKDA PAGLA BHARE HARANFAD BOOK COVER

આ કાર્યક્રમની શરૂઆતમાં કૃપ એકેડેમીના બાળ કલાકારોએ ‘મંગલમય સબ કર દેના’ પ્રાર્થના રજૂ કરી. ત્યારબાદ સૌ લોકોએ એકત્ર થઈને આ બીમારીથી અસરગ્રસ્ત બાળકોના શુભ સ્વાસ્થ્ય માટે ગૂંજે ગીતાનું પઠન કરી ઉત્સવ ઉજવ્યું. આ પ્રસંગે ઉપસ્થિત બાળકો અને માતાઓનું કાઉન્સેલિંગ કરતાં ડૉ. પૂજા ઠક્કર એ જણાવ્યું કે “છેલ્લા સાત વર્ષથી ચાલી રહેલા આ વૈશ્વિક કાર્યમાં વાચા ઠક્કર અમેરિકાની ક્લબફૂટ અવેરનેસ ગુડવિલ એમ્બેસેડર તરીકે કાર્યરત છે ત્યારે આ વર્ષથી અમેરિકાની ટ્રાએન્ગલ ક્રિકેટ લીગની પાંચ ટીમના ખેલાડીઓ પણ તેની સાથે જોડાયા છે. તેઓ માર્ચ મહિનાથી શરુ થયેલ આ લીગની રમત દરમિયાન ગ્લોબલ કલબફૂટ અવેરનેસ પર્વ ના લોગો વાળા ટીશર્ટ સાથે મેચ રમી લોક જાગૃતિમાં યોગદાન આપે છે. તેઓ આવનારા આઠ મહિના સુધી આ અભિયાનમાં કાર્યરત રહેશે.”

તો સારવારના ભાગ રૂપે થતી મ્યુઝિક થેરાપી વિશે વાત કરતા મ્યુઝિક થેરાપિસ્ટ ડૉ. કૃપેશ એ કહ્યું કે “સંગીત સાથે સારવાર અને ગીતા સાથે લોક જાગૃતિના આ અભિયાનના ગ્લોબલ એમ્બેસેડર તરીકે કાર્યરત બાળ પર્વ ને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તથા સ્વાસ્થ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ એ પ્રશસ્તિપત્ર આપી સરાહના આપી છે. જે કચ્છ માટે ગૌરવની વાત છે.” પુસ્તક વિષે વાત કરતા ટ્રસ્ટી ડૉ. શશીકાંત ઠક્કર એ ઉમેર્યું કે, “કોઈ બાળકના જીવન ચરિત્ર પર પુસ્તક લખાયું હોય એવી આ પ્રથમ ઘટના છે. આ પુસ્તક અન્ય બાળકો તેમજ યુવાનો માટે પ્રેરણારૂપ બની રહેશે તેમજ પર્વની આ પ્રેરણાત્મક યાત્રા ક્લબફૂટ વિશેની જાગૃતિ ફેલાવવામાં મોટું યોગદાન આપશે.”

CLUBFOOT AWARENESS CAMPAIGN APPRECIATED BY DR. MOHAN PATEL

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ક્લબફૂટ જાગૃતિ માટે આ ફેમિલી બેન્ડના ગીતો અને આલ્બમ વૈશ્વિક સ્તરે લોન્ચ થયા છે. તો હાલમાં જ ક્લબફૂટ અવેરનેસ મંથ અંતર્ગત કચ્છ યુનિવર્સિટીના કુલપતિની મુલાકાતે ગયેલ ડૉ. કૃપેશ ના આ કાર્યને ડૉ. મોહનભાઈ પટેલ એ વધાવી લીધું. આ કાર્યક્રમના આયોજનમાં જી.એલ.સી.સી. અંજારના કાર્યકરોએ જહેમત ઉઠાવી.