ગુજરાતી મિજાજ

આપણો મિજાજ, ગુજરાતી મિજાજ

Story

શ્રી રામ ના ગુણોનું સિંચન કરતી ‘ચલો રામ બને’ ગુજરાત યાત્રાનો કચ્છથી થયો આરંભ

લેખક ડૉ. કૃપેશ ઠક્કરના પુસ્તક ’અર્જુન ઉવાચ: ચલો રામ બને’ ની પ્રેરણા થઈ સાકાર

હાલમાં ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ (જીએલસીસી) અને ગિવ વાચા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે અંજારના ગૂંજે ગીતા કેન્દ્ર ખાતે બાળકોમાં ભગવાન રામ જેવા ગુણોનું સિંચન કરતી ‘ચલો રામ બને’ કાર્યશાળાના પ્રથમ ચરણ સાથે પર્વ ફ્યુઝન બેન્ડ ની ગુજરાત યાત્રાનો થયો પ્રારંભ. જેમાં ૫૦ થી પણ વધુ બાળકોએ ભાગ લીધો.

શ્રી રામને ભજવાથી રામ બનવા સુધીની આ યાત્રા ગીતકાર, સંગીતકાર અને લેખક ડૉ. કૃપેશ ઠક્કરના પુસ્તક ‘અર્જુન ઉવાચ: ચલો રામ બને’ થી પ્રેરિત છે. આ કાર્યશાળામાં બાળકોએ ભગવાન શ્રી રામના ગુણ ‘ધૈર્ય’ નું જ્ઞાન મેળવ્યું. ત્યારબાદ આયુર્વેદ તબીબ અને જીએલસીસી અંજારના પ્રમુખ ડૉ. પૂજા ઠક્કર ના નેતૃત્વ હેઠળ બાળકોએ શ્લોક, રામ કથા, રમત-ગમ્મત અને સર્જનાત્મક પ્રવૃતિઓની મજા માણી. તો ડૉ. કૃપેશ એ શ્રી રામ ધૂન અને મંત્રો થકી બાળકોને મ્યુઝિક થેરાપી પણ આપી.

આ યાત્રા વિષે વાત કરતાં ડૉક્ટર દંપતી એ જણાવ્યું કે “આ પુસ્તકમાં વર્ણવેલા ભગવાન શ્રી રામના વિવિધ ગુણો પર આધારિત આવી દસ કાર્યશાળાઓ લઈ અમારું પર્વ ફ્યૂઝન બેન્ડ પ્રથમ ચરણમાં કચ્છ ભ્રમણ કરી અને ગુજરાત યાત્રા કરશે. આ ઉપરાંત તરુણો અને યુવાનો માટે પણ શાળા-કોલેજોમાં આવા સેમિનાર યોજાશે.” આ સંકલ્પ વિષે વાત કરતાં ગિવ વાચાના ટ્રસ્ટી શ્રીમતી નયનાબેન ઠક્કર એ કહ્યું કે “ભગવાન શ્રી રામને સમર્પિત વિવિધ કાર્યો ‘રામ નવમી પર્વ’ રૂપે છેલ્લા દસ વર્ષોથી ચાલે છે. જેમાં સામાજિક સાંસ્કૃતિક પ્રવૃતિઓ સાથે બાળ કલાકારો પર્વ ઠક્કર અને વાચા ઠક્કરના કંઠે રજૂ થયેલ શ્રી રામના વિવિધ ગીતો, મંત્રો અને ધૂન ખૂબ જ લોકપ્રિય બન્યા છે. તો હવે સમાજમાં અન્ય બાળકોને પણ સનાતન ધર્મના મૂલ્યો થી અવગત કરાવવા આવી કાર્યશાળાઓ ખૂબ ઉપયોગી બનશે.” તો આ યાત્રાના દ્રષ્ટા ડૉ. કૃપેશ એ ઉમેર્યું કે, “વિવિધ તહેવારોને મૂલ્યલક્ષી શિક્ષણ સાથે ઉજવતી પર્વ કી પાઠશાળા એ બાળકો અને યુવાનો ને ખુબ પ્રિય છે. ત્યારે હવે તેમાં શ્રી રામચરિતમાનસ નો અભ્યાસક્રમ આવી કાર્યશાળાઓ થકી ભણાવવામાં આવશે.”

આ કાર્યક્રમને અંતે બાળકોએ સાથે મળી તૈયાર કરેલ ‘ચલો રામ બને’ ની પ્રતિકૃતિ વાલીઓ સમક્ષ રજૂ કરી. જેનાથી તેઓ ખૂબ પ્રભાવિત થયા અને બાળકોને સનાતન મૂલ્યો શિખવતી આ પહેલને વધાવી લીધી. આ કાર્યક્રમના સફળ સંચાલન માટે અંજલી સેવક, કલરવ રાઠોડ, વૈશાલીબેન ભટ્ટ, નૈરુતીબેન શેઠિયા અને સંસ્થાના અન્ય સભ્યોએ જહેમત ઉઠાવી. તો ઇઝી આઈડી અને કૃપ મ્યુઝિક એ આર્થિક સહયોગ પૂરો પાડયો. અત્રે ઉલ્લેખનીય છે કે ‘પર્વ કી પાઠશાળા’ અંતર્ગત ઉત્સવોને સનાતન મૂલ્યો સાથે ઉજવતી આવી પ્રવૃતિઓનું આયોજન આ કેન્દ્રમાં અવારનવાર થતું રહે છે.