ગુજરાતી મિજાજ

આપણો મિજાજ, ગુજરાતી મિજાજ

LiteratureMusicStory

કચ્છના આંગણે યોજાયું ‘ગુજરાત ચિલ્ડ્રન્સ લિટરેચર ફેસ્ટિવલ’

વૈશ્વિક સાહિત્ય પર્વ રૂપે જ્યારે કૃપ લીટરેચર ફેસ્ટિવલ કચ્છના શહેરોમાં ઉજવાઇ રહ્યું છે, ત્યારે હાલમાં ગિવ વાચા સેન્ટર અંજાર ખાતે આ પર્વ અંતર્ગત ‘ગુજરાત ચિલ્ડ્રન્સ લીટરેચર ફેસ્ટિવલ’નું ભવ્ય આયોજન થયું. જેમાં વિવિધ શાળાઓના આચાર્યો અને સંસ્થાઓના અગ્રણીઓ હાજર રહ્યા. આ ઉત્સવમાં બસો થી પણ વધુ બાળકો વાલીઓ સહિત જોડાયા અને ‘શબ્દવંદના’ સાથે સાત ભાષાઓની ગાયન, વાદન અને નૃત્યના મધ્યમથી વંદના કરી.

કાર્યક્રમની શરૂઆતમાં ગૂંજે ગીતા કેન્દ્ર, શાળા નંબર ૧૪ તથા ૧૭, અને શ્રી સહયોગ સરસ્વતી વિદ્યામંદિરના બાળકો તેમજ અહલ્યા કન્યા છાત્રાલય અને શાખાની બાળાઓ એ ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત ભાષાની પ્રાર્થના, દેશભક્તિ ગીત અને ગૂંજે ગીતા ની રજૂઆત કરી તો નાટ્યાલય સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સ ગાંધીધામ અને અંજારની કન્યાઓએ સાંસ્કૃતિક નૃત્ય રજૂ કર્યા. આ કાર્યક્રમમાં સાહિત્ય ક્ષેત્રે પદાર્પણ કરતાં બાળ લેખકો ૬ વર્ષીય પર્વ ઠક્કર ના ‘સનાતન એક્ટિવિટી બુક પાર્ટ ૧’ પુસ્તક તો ૧૧ વર્ષીય વાચા ઠક્કરના ‘ગીતા વર્ડ સર્ચ – ઇંડિયન કલ્ચર ફોર કિડ્સ’ પુસ્તકનું આમંત્રિત મહાનુભાવોને હસ્તે લોકાર્પણ થયું. ત્યાર બાદ સૌ બાળકો માટે બાળ લેખિકા વાચા ઠક્કર ના ‘સનાતન વર્ડ સર્ચ’ પુસ્તક આધારિત કોયડાઓની પરીક્ષા યોજાઇ હતી.

આ પ્રસંગે જાણીતા સાહિત્યકાર મદનકુમાર અંજારિયા એ કહ્યું કે “આ ગુજરાત બાળ સાહિત્ય પર્વ જ્યારે કચ્છના આંગણે ઉજવાઇ રહ્યું છે તે સમગ્ર કચ્છ માટે ગર્વની વાત છે, અને આ બંને બાળ સાહિત્યકારો એ લખેલા પુસ્તકો અન્ય બાળકોને બાળ સાહિત્ય તરફ વાળવામાં મહત્વનો યોગદાન આપશે. આ પુસ્તકો પર વિવિધ શાળાઓમાં પરીક્ષાઓ યોજવી જોઈએ.” આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી ડૉ. કૃપેશ નયના શશીકાંત એ કહ્યું કે “કચ્છમાં સૌ પ્રથમ વખત બાળ સાહિત્ય પર્વનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે વિવિધ શાળાઓ અને સંસ્થાઓએ ઉત્સાહભેર જોડાઈને બાળકોને ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના જતન માટે પ્રેરિત કરવાનું જે કર્તવ્ય પૂરું પાળ્યું છે તે સરાહનીય છે.”

તો ફેસ્ટિવલ ડાયરેકટર ડૉ. પૂજા ઠક્કર એ ઉમેર્યું કે “આ ઉત્સવ કચ્છથી શરૂ થઈ હવે ગુજરાતના અન્ય શહેરોમાં પણ ૭ ભાષાઓની મહેક ફેલાવશે અને સાહિત્ય થકી બાળકોના સર્વાંગી વિકાસ માટે સૌ સાથે મળીને આગેકૂચ કરીશું.” અત્રે ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં આયોજક સંસ્થાઓ ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિકના અગ્રણીઓએ કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકો અને સમ્મિલિત શાળાઓ અને સંસ્થાઓને પ્રમાણપત્ર આપી સન્માન કર્યું હતું. આ પ્રસંગે ગોવિંદભાઈ દનીચા, વિરાજબેન દેસાઇ, તરલિકાબેન દેસાઇ, એન કે ધોરિયા, જિગ્નેશભાઈ અબોટી, સુમા મોહન, સંગીતાબેન ચાવડા, બાગેશ્રી ચંદે, તથા અમૃતભાઈ સ્પંદન એ ઉપસ્થિત રહી સૌ બાળકોને પ્રોત્સાહિત કર્યા. કાર્યક્રમની વ્યવસ્થા મેહુલભાઈ, કલરવભાઈ, વૈશાલીબેન, અંજલીબેન, કૈલાશબેન તથા રશ્મિબેનએ સંભાળી હતી.