ગુજરાતી મિજાજ

આપણો મિજાજ, ગુજરાતી મિજાજ

Story

‘વસુધૈવ કુટુંબકમ’ ના ભાવથી ઉજવાતા ‘વેલેન્ટાઇન્સ પર્વ’ ની દસમી વર્ષગાંઠ કચ્છમાં ઉજવાઇ

હાલમાં, અંજારની સંસ્થા ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિકના અગ્રણીઓ, સ્વયંસેવકો, સાહિત્યકારો અને બાળકો માવતરો સાથે ‘વેલેન્ટાઇન્સ પર્વ’ની દસમી વર્ષગાંઠ ઉજવવા માધાપર ખાતે શ્રી હરિ શાંતિનિકેતન વૃદ્ધાશ્રમમાં પહોંચ્યા.

દસ વર્ષ પહેલાં અમેરિકાથી પરત થયેલા રિસર્ચ સાયન્ટિસ્ટ ડૉ. કૃપેશ ઠક્કર એ વર્ષ ૨૦૧૪માં સૌ પ્રથમ આ પાશ્ચાત્ય દિવસને ‘વસુધૈવ કુટુંબકમ’ ના ભાવ સાથે વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમમાં ૭ થી ૧૪ ફેબ્રુઆરી દરમિયાન ‘વેલેન્ટાઇન્સ પર્વ’ રૂપે ઉજવી યુવાવર્ગને સનાતન સંસ્કૃતિ તરફ વળવાની પહેલ કરી હતી. જેમાં તેમણે ‘ક્યાં છે કાનો’ આલ્બમ લોન્ચ કરી સીતા-રામ અને રાધા-શ્યામને પ્રેમના આદર્શ પ્રતિક ગણાવ્યા હતાં.

સમયાંતરે આ ઉત્સવ ગુજરાતનાં વિવિધ શહેરોમાં તથા અમેરિકા, કેનેડા સહિત વિશ્વના સાત દેશોમાં થઈને કચ્છ સુધી પહોંચ્યો. આ દસમી વર્ષગાંઠની ઉજવણી ‘કૃપ લીટરેચર ફેસ્ટિવલ’ અંતર્ગત ભાષા અને સાહિત્ય સાથે થઈ, જેમાં વૃદ્ધાશ્રમના વડીલોએ પ્રાર્થના, ગૂંજે ગીતા અને કવિ સંમેલનની મજા માણી. ત્યાર બાદ વડીલ માતા-પિતાના વરદ હસ્તે ડૉ. કૃપેશના ‘વેલેન્ટાઇન્સ પર્વ’ અને ‘અર્જુન ઉવાચ: અધ્યાત્મિક જાત્રા’ પુસ્તકોનું વિમોચન થયું. કોઈ લેખકે વૃદ્ધાશ્રમમાં માવતરો સાથે પુસ્તકોનું લોકાર્પણ કર્યું હોય એવું આ પ્રથમ ઉદાહરણ અન્ય સર્જકો માટે પણ પ્રેરણાત્મક બની રહેશે.

આ પ્રસંગે દસ વર્ષની યાત્રાને યાદ કરતાં ડૉ. કૃપેશ એ કહ્યું કે ‘સૌને પ્રેમ કરવાની ભાવના સાથે ૨૦૧૪માં ‘વેલેન્ટાઇન્સ પર્વ’ને ‘હેલ્પીંગ હેન્ડમાં કાનો’, ‘સેલ્ફલેસ એક્ટમાં કાનો’, ‘એટીટ્યુડમાં કાનો’ અને ‘ગ્રેટિટ્યૂડમાં કાનો’ એમ ચાર સૂત્ર સાથે શરૂ કર્યું. આ વર્ષો દરમિયાન કોલેજોના હજારો યુવાનો આ કાર્યમાં જોડાયા. જેમણે અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ, હોસ્પિટલોમાં સેવા કરીને તથા શાળા-કોલેજોમાં સનાતન સંસ્કૃતિની પ્રવૃતિઓ કરીને તો તબીબોએ નિઃશુલ્ક નિદાન કેમ્પ તેમજ રકતદાન શિબિર સાથે આ અનેરું પર્વ ઉજવ્યું. આમ કર્મયોગ સાથે એક શહેરથી શરૂ થયેલું આ વિચાર સાત દેશો સુધી પહોંચ્યું હતું અને ફિલ્મજગતના કલાકારો પણ તેના સહભાગી થયા હતાં.”

વધુમાં ડૉ. પૂજાએ કહ્યું કે “વ્હાલ વૃદ્ધત્વ અંતર્ગત હવે કચ્છના આ વૃદ્ધાશ્રમમાં પણ સેવા કાર્યો થશે.” ત્યાર બાદ વૃદ્ધ માવતરોના સ્વાસ્થ્ય માટે તબીબોએ મ્યુઝિક થેરાપીની નિઃશુલ્ક તાલીમ આપી. તો સ્વયંસેવકો અને બાળકોએ વાર્તાલાપ અને અલ્પાહાર સાથે વડીલોની સેવા કરી. અત્રે ઉલ્લેખનીય છે કે સૌ વડીલો આ નવતર પ્રયોગથી ભાવવિભોર થયા હતાં.