કૃપ મ્યુઝિકની સ્થાપના ૨૦૧૫ માં પ્રખ્યાત ગાયક-ગીતકાર ડૉ. કૃપેશ ઠક્કર દ્વારા કરવામાં આવી હતી, જે એક પ્રતિષ્ઠિત ભારતીય મ્યુઝિક રેકોર્ડ લેબલ કંપની છે. કૃપ મ્યુઝિક મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં ઉભરતી પ્રતિભાઓને શોધવા અને પોષવા માટે સમર્પિત છે. કલાકારોને જરૂરી સાધનો અને સમર્થન પ્રદાન કરીને, તેમને તેમની સંગીત કારકિર્દીને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવા માટે કાર્ય કરે છે.
હાલમાં ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝીકના સંયુક્ત ઉપક્રમે માતૃ પૂજા સાથે અંજારના ગિવ વાચા સેન્ટર ખાતે મા પર્વ ૨૦૨૩ ની શરુઆત થઇ.
આ સંસ્થા ભારતીય સંસ્કાર સાથે વિશ્વભરમાં મધર્સ ડે ને મા પર્વ રૂપે ત્રીસ દિવસીય તહેવાર તરીકે ઉજવી રહી છે. આ વર્ષે આ કાર્યક્રમનું શુભારંભ માતૃ પૂજા સાથે કરવામાં આવ્યું જેમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત માતાઓ તથા અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ, અંજાર તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. રાજીવભાઈ અંજારીયા, શ્રી એન. કે. ધોરિયા, પ્રિન્સિપલ શ્રીમતિ જલ્પાબેન તેમજ શ્રીમતિ સ્મિતાબેન ઝવેરી સાથે ટ્રસ્ટી શ્રીમતી નયનાબેન ઠક્કરે હાજરી આપી હતી.
આ કાર્યક્રમની શરૂઆત સંસ્થાના ગ્લોબલ ગિફ્ટ ઓફ ટાઈમ એમ્બેસેડરના નિમણુકથી કરવામાં આવી જેમાં પર્વ ફ્યુઝન બેન્ડના કલાકારો પર્વ, વાચા, ડૉ. પૂજા અને ડૉ. કૃપેશને તેમના માતા પિતાના નામ સહીત આમંત્રિત મહાનુભાવોના હસ્તે એમ્બેસેડર ઘોષિત કરવામાં આવ્યા. આ પ્રસંગે ડૉ. કૃપેશે જાહેરાત કરી કે “માતૃદેવો ભવ: અને પિતૃ દેવો ભવઃ ના સનાતન સંસ્કારને વૈશ્વિક કક્ષાએ ઉજાગર કરવા હવેથી તેઓ ટ્રસ્ટના સર્વે કાર્યોમાં ડૉ. કૃપેશ નયના શશીકાંત તરીકે ઓળખાશે. આ મહિના દમિયાન તેમના પુસ્તક ‘અર્જુન ઉવાચ: મા પર્વ’ થી પ્રેરિત સનાતન સંસ્કૃતિ પ્રમાણે માતાના વિવિધ રૂપોની સેવા ગૂંજે ગીતા, ગૌ પૂજા, હેલ્થ કેમ્પ, સ્વછતા પર્વ તથા શબ્દવંદના કાર્યક્રમ થકી કરશે.” આ સાથે જ તેમણે પોતાના નામને માતા પિતાના નામ સાથે જોડવાની પ્રથાની સમગ્ર વિશ્વમાં પહેલ કરી તથા સંસ્થા સાથે જોડાયેલા અન્ય લોકોને પણ આ પ્રથામાં જોડાઈ માતા પિતાના નામ સાથે સામાજિક કર્યો કરવા આમંત્રણ આપ્યું. ગિફ્ટ ઓફ ટાઇમના કેન્દ્રીય વિચાર વિશે વાત કરતા તેમણે ઉમેર્યું કે “ગીવ વાચા સંસ્થા ‘સમયદાન’ આપવામાં માને છે. સ્વયંસેવકો પોતાનો કિમતી સમય સંસ્થાને દાન કરી કલા અને કૌશલ્યો થકી માતાના નામ સાથે જોડાઈ સેવા કરે છે, માટે તેઓ અમારા ગિફ્ટ ઓફ ટાઇમ એમ્બેસેડર બને છે.”
માતૃ પૂજાનું પ્રારંભ આમંત્રિત માતાઓના પૂજન અને તુલસી દ્વારા સત્કાર સાથે કરવામાં આવી. અત્રે નોંધનીય છે કે અહલ્યા કન્યા છાત્રાલયની વીસથી પણ વધુ બાળાઓએ તેમની પાલક માતા સેજલબેન મનવરની પૂજા કરી સર્વેને પ્રેરણા આપી હતી. ૧૫ એપ્રિલ થી ૧૪ મે સુધી ચાલનારા આ પર્વમાં દર રવિવારે માતૃ પૂજાનું આયોજન કરવામાં આવશે. કૃપ મ્યુઝીક દ્વારા આ પર્વના ગીતો લવ યુ મા, નારી હૈ નારાયણી, ભક્તિ યોગ, ધન્ય ધરા ગુજરાતની, ઐ વતન, વંદે માતરમ અને મિસ યુ મા ને વિશ્વભરમાં વિનામૂલ્યે લોન્ચ કરવામાં આવ્યા છે. આ સમગ્ર મહિના માટે કૃપ ફિલ્મ પ્રોડક્શનએ પોતાની યુટ્યુબ ચેનલ પણ નિશુલ્ક આપવાની જાહેરાત કરી.
આ કાર્યક્રમનું આયોજન ડો. પૂજા પ્રવિણા જગદીશભાઈના નેતૃત્વ હેઠળ થયું જેમાં અંજલીબેન સેવક, કલરવભાઈ રાઠોડ અને યશભાઈ ટાંક જહેમત ઉઠાવી હતી.
હાલમાં હનુમાન જન્મોત્સવના પાવન પ્રસંગે અંજારમાં ગીવ વાચા સેન્ટરનું શુભારંભ શાળા નંબર 14 ખાતે કરવામાં આવ્યું. આ ઉજવણીમાં વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત લોકોએ અને અંજારના બાળ કલાકારોએ હાજરી આપી હતી. સનાતન સંસ્કારોથી બાળકો અને યુવાનોના ચરિત્ર ઘડતર માટે કાર્યરત આ સેન્ટરનું ઉદ્ઘાટન બાળકોને હસ્તે જ કરવામાં આવ્યું. જેમાં વિશ્વના યંગેસ્ટ સીંગર અને એક્ટર પર્વ ઠક્કર, યંગેસ્ટ ચેન્જમેકર વાચા ઠક્કર તથા અન્ય બાળકો સાથે ગીવ વાચાના ટ્રસ્ટીઓ ડૉ. કૃપેશ તથા શ્રીમતી નયનાબેન, કૃપ મ્યુઝીકના ચેર પર્સન ડૉ. પૂજા અને આમંત્રિત અતિથીઓને હસ્તે સંસ્થાના કેન્દ્રસ્થાને રહેલા પંચેશ્વરની છવીનું અનાવરણ કરાયું. કાર્યક્રમની શરૂઆત હનુમાન ચાલીસા પઠન દ્વારા કરવામાં આવી; જેમાં આમંત્રિત સૌ લોકો જોડાયા હતા. ત્યાર બાદ બાળ કલાકારોએ ગૂંજે ગીતા રજુ કરી.
પંચેશ્વર વિષે વાત કરતા ટ્રસ્ટી ડૉ. કૃપેશ ઠક્કરએ કહ્યું કે ‘વર્ષોથી ભગવાનના કલા સ્વરૂપને કેન્દ્રમાં રાખી વિવિધ કલાઓના સમન્વયથી થતી પ્રવૃતિઓને આવરી લેતી આ છબીમાં શ્રી કૃષ્ણના મુરલીધર સ્વરૂપને, નૃત્યના દેવ નટરાજને, વિદ્યાના દેવી માતા સરસ્વતીને, મહાલેખક ભગવાન શ્રી ગણેશને અને સ્વાસ્થ્યના ભગવાન ધન્વન્તરીનો સમાવેશ કરવામાં આવ્યો છે” વધુમાં તેમણે ઉમેર્યું કે આ સેન્ટરમાં દર રવિવારે જન સામાન્ય માટે ‘ગૂંજે ગીતા કેન્દ્ર’ ના માધ્યમથી ગીતાના અધ્યાયોને સંગીતમય રીતે ગાવાની તાલીમ નિ:શુલ્ક આપવામાં આવશે. ‘પર્વ કી પાઠશાલા’ અંતર્ગત ભારતીય તહેવારો વિષેની વિસ્તૃત સમજ સહજ રીતે આપી મુલ્યલક્ષી શિક્ષણ અને સંસ્કૃતિ સંવર્ધનને લગતી પ્રવૃતિઓ કરવામાં આવશે તથા વ્યક્તિત્વ વિકાસ માટે વિવિધ વર્કશોપનું આયોજન પણ કરવામાં આવશે. આ કેન્દ્રમાં જી.એલ.સી.સી. કચ્છના સ્વયંસેવકો વૈશાલીબેન ભટ્ટ, અંજલીબેન સેવક, ડૉ. કૃપાલી પલણ, ડૉ. પૂજા ઠક્કર અને ડૉ. કૃપેશ સેવા આપવા જોડાયા છે.
આ સાથે જ હનુમાન જન્મોત્સવના ભાગ રૂપે ઉપસ્થિત મહેમાનોના હસ્તે પર્વ ફ્યુઝન બેન્ડના ‘હનુમાન મંત્ર’ આલ્બમનું વિમોચન કરવામાં આવ્યું. આ આલ્બમ કૃપ મ્યુઝિક દ્વારા વિશ્વભરમાં વિવિધ પ્લેટફોર્મ પર નિ:શુલ્ક રિલીસ કરવામાં આવ્યું. આ કાર્યક્રમના સફળ સંચાલનમાં જી.એલ.સી.સી. અંજારના સ્વયંસેવકો શ્રી અમૃતભાઈ સ્પંદન, કલરવભાઈ રાઠોડ અને શંકર ગોસ્વામીએ નોંધપાત્ર યોગદાન આપ્યું.
થઇ જશે, ઓક્સિજન, લવની ભવાઈ, કમિન્ટમેન્ટ જેવી ફિલ્મોનું મ્યુઝિક લોન્ચ કર્યુ
એકેડેમી દ્વારા ઉભરતા ગાયક કલકારોને આગળ લાવવા માર્ગદર્શન અને મદદ કરાય છે
ડો. કૃપેશ ઠક્કર પોતે ગાયક, ગીતકાર અને સંગીતકાર છે, તેમના 100 ગીત લોન્ચ થયા છે
આજે 1લી જુલાઇના રોજ વિશ્વ ડોક્ટર ડેની ઉજવણી સમગ્ર દુનિયામાં વિવિધ રીતે કરવામાં આવી રહી છે. ત્યારે વાત કરીએ એક એવા ડોક્ટરની કે જેમણે કચ્છમાં રહી સંગીતને વિશ્વ ફલક પર પહોંચાડવાનું કાર્ય કર્યું છે. અંજારના ડો. કૃપેશ ઠક્કરની કૃપ મ્યુઝિક કંપની દ્વારા છેલ્લા સાત વર્ષ દરમિયાન 17 ગુજરાતી અને એક હિન્દી ફિલ્મનો મ્યુઝિક આલ્બમ તૈયાર કરવામાં આવ્યો છે. એટલું જ નહિ ડોક્ટર ઠક્કરે સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે પણ સહયોગ સ્થાપી ભાવિ ગાયક અને વાદકને આગળ લાવવા પ્રયાસો કર્યા છે. સાથે-સાથે તેઓ સામાજિક સેવાકાર્યો પણ કરી રહ્યા છે. તો જાણીતો સૂર ગુજરાત કે જેવો મ્યુઝિક શો પણ ચલાવી રહ્યા છે.
અંજારમાં ક્લિનિક ચલાવે છે સંગીતકાર ડોક્ટર
અંજાર શહેરના બસ સ્ટેશન પાસે આવેલા વર્ધમાન નગર ખાતે ડો. કૃપેશ ઠક્કરના નામે ક્લિનિક ધરાવતા તબીબ દ્વારા સંગીત ક્ષેતે કરવામાં આવતી વિવિધ પ્રવૃતિઓ વિશે પૂછતાં ઉત્સાહથી ભરપૂર ડોકટર ઠક્કરે કહ્યું કે મારી સમજ શક્તિની સાથે જ સંગીત પ્રેમ મને આ ક્ષેત્રમાં સફળતા તરફ દોરી રહ્યો છે.
કેવી રીતે ડોક્ટરની સાથે સંગીતજ્ઞ બન્યા?
વિગતે જણાવતા તેમણે કહ્યું હતું કે જામનગરથી MBBS પાસ કર્યા બાદ બે વર્ષ અમેરિકા ગયો, જ્યાં હોસ્પિટલ મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી હાંસલ કરી અને ખાનગી કંપનીમાં જોબ શરૂ કરી હતી. આ દરમિયાન વર્ષ 2013માં ગ્રીન કાર્ડ મળી રહ્યું હતું. પરંતુ સંગીત પ્રત્યેનો પ્રેમ અને પરિવાર માટે દેશ પરત ફરી આવ્યો. અહીં આવ્યા બાદ ક્લિનિક શરૂ કરવાની સાથે મારું મ્યુઝિક આલ્બમ લોન્ચ કરવા હું મુંબઈ ગયો, જ્યાં દેશની નામાંકિત ટી-સિરિઝ જેવી કંપનીમાં ગયો, જ્યાં મારા મ્યુઝિક આલ્બમનું લોન્ચિંગ થયું. પરંતુ આ માટે સારી એવી રકમ ચૂકવવી પડી હતી.
મ્યુઝિક કંપનીની સ્થાપના કેવી રીતે થઈ?
દરમિયાન તબીબી પ્રેક્ટિસ સાથે સંગીત ક્ષેત્રે પણ કંઈક પ્રગતિ કરવાના ઇરાદે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી સંપર્કમાં રહ્યો. ત્યારબાદ મારા કૃષ્ણ ભક્તિ પર આધારિત મ્યુઝિક આલ્બમના લોન્ચ માટે ગુજરાતમાં મ્યુઝિક કંપની વિશે શોધ કરી. પરંતુ આવી કોઈ જ કંપની અહીં અસ્તિત્વમાં નહોતી, તેથી મેં મારું આલ્બમ રિલીઝ કરવા નવી મ્યુઝિક કંપની બનાવી અને વર્ષ 2015ની 14 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ ખાતે જાહેર ઇવેન્ટ મારફતે પ્રથમ આલ્બમ રિલીઝ કર્યું. તેનો ફાયદો એ રહ્યો કે હવે મારે ગુજરાત બહાર જવાની જરૂર નહોતી અને જે નવા ગાયક કલાકારો હતા. તેમજ પોતાના ગીતને મ્યુઝિક સ્ટ્રીમિંગ પર લોન્ચ નહોતા કરી શકતા એવા કલાકરોના ગીત પણ કંપની દ્વારા લૉન્ચ કરવાની શરૂઆત કરી.
કંપની દ્વારા પ્રથમ ગુજરાતી ફિલ્મનું મ્યુઝિક લોન્ચ કર્યા બાદ હિટ નીવડ્યું
કંપની શરૂ થયાના એક જ વર્ષમાં 2016માં મને ગુજરાતી ફિલ્મ “થઈ જશે”ના મ્યુઝિક લોન્ચ કરવાનો મોકો મળ્યો અને તેને માર્કેટમાં મૂક્યું હતું. તેમાં એ ફિલ્મના બે ગીત સુપરહિટ નીવડ્યા. તેના બાદ અત્યાર સુધી 17 ગુજરાતી ફિલ્મના મ્યુઝિક મારી કંપનીએ લોન્ચ કર્યા છે. જેમાં મુખત્વે ઓક્સિજન, લવની ભવાઈ, કમિન્ટમેન્ટ સહિતની ફિલ્મનો સમાવેશ થાય છે.
મ્યુઝિક લોન્ચ ક્યાં અને કેવી રીતે થાય છે?
પ્રત્યુત્તર ડોકટર ઠક્કરે કહ્યું કે એના માટે મ્યુઝિક સ્ટ્રીમિંગ ઇન્ડસ્ટ્રીઝ ઉપલબ્ધ છે. જેમકે હંગામા મ્યુઝિક, જિયો સાવન, ગાના ડોટ કોમ અને વિદેશી કંપની પણ ખરી જેમાં હવે અનેક દેશમાં પણ પ્રવેશી ચુકી છે. તેમાં એમેઝોન, એપલ અને સ્પોટીફાઈ જેવા મ્યુઝિક પ્લેટફોર્મ પર આલ્બમ કે સોંગ રિલીઝ કરવામાં આવે છે. આ સાથે સોશિયલ મીડિયા પર પણ તેને મુકવામાં આવે છે. તેમાં મારી યુ-ટ્યુબ ચેનલ પર 1.90 લાખ સબસ્ક્રાઇબર છે, ત્યાં સોંગ મુકવાનો હું કોઈજ ચાર્જ લેતો નથી. આ માટે કલાકારને સોશિયલ મીડિયા પર ક્યાં અને કેટલા રૂપિયા ખર્ચ કરવા તેની સલાહ પણ મારી કંપની આપે છે.
સંગીત અને ડોક્ટરી જ નહીં અન્ય સેવાઓમાં પણ પ્રવૃત્ત
કૃપ મ્યુઝિક કંપનીના સંચાલન સાથે ગિવ વાચા ફાઉન્ડેશનનું પણ સહયોગી મિત્રો સાથે સંચાલન કરવામાં આવે છે. નોન ડોનેશન સંસ્થા અંતર્ગત મ્યુઝિક એકેડેમી ચાલે છે. જેમાં વિશ્વમાં વસતા ગુજરાતી સંગીતપ્રેમીઓને ગાયન અને વાદનની તાલીમ આપવામાં આવે છે. સાથે સ્ટેજ પરફોર્મન્સનું શિક્ષણ પણ આપવામાં આવે છે. આ માટે તબીબ જાતે જ પ્રશિક્ષણ આપે છે અને સાથી સંગીત શિક્ષક પણ સહયોગ આપે છે.
સૂર ગુજરાત કે નામનો શો પણ ચલાવે છે
આ સિવાય તેઓ સૂર ગુજરાત કે નામનો શો પણ ચલાવે છે. તેમાં બે વિભાગમાં વિજેતા જાહેર કરવામાં આવે છે. 3 સગીર વયના અને 3 વયસ્ક કુલ 6 વિજેતા ઉમેદવારને પ્રમાણ પત્ર સાથે કૃપ મ્યુઝિક સાથે મ્યુઝિક આલ્બમમાં મોકો અપાય છે. 2015ની વિજેતા મુન્દ્રાની આર્ચી મિસ્ત્રીને કમિન્ટમેન્ટ ગુજરાતી ફિલ્મમાં ગાવાનો મોકો આપ્યો હતો. ત્યારબાદ 2016માં અમદાવાદ ખાતે આયોજિત નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપમાં આર્ચીએ ઇનોગ્રેશન વખતે રાષ્ટ્રગીત રજૂ કર્યું હતું. આ વેળાએ દેશના અભિષેક બચ્ચન સહિતના દિગગજો હાજર રહ્યા હતા. હવે ગુજરાતી ચેનલ સાથે રહીને ટૂંક સમયમાં સૂર ગુજરાત કે શો શરૂ કરવામાં આવશે. તેની સાથે હેલ્થ કેમ્પ જેવી સોશિયલ એક્ટિવિટી સાથે પણ ડોક્ટર જોડાયેલા છે.
હાલમાં ગિવ વાચા ફાઉન્ડેશન, અને કૃપ મ્યુઝિક જયારે ગ્લોબલ લીટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ (જી.એલ.સી.સી.) અંતર્ગત કચ્છ ખાતે વિવિધ કાર્યક્રમો કરી રહ્યું છે ત્યારે ૨૧ માર્ચ ના રોજ ‘વર્લ્ડ પોટ્રી ડે પર્વ’ નિમિતે ભુજના ટેન-ઈલેવન લોન્જ ખાતે ડૉ. કૃપેશ ઠક્કરના ‘અર્જુન ઉવાચ-ધ સ્પિરિચ્યુઅલ યાત્રા’ પુસ્તકનું કાર્યક્રમ અધ્યક્ષ શ્રી શંકરભાઈ સચદે, કચ્છ યુનિવર્સીટીના પ્રથમ કુલપતિ ડૉ. કાન્તીભાઈ ગોર, પ્રખ્યાત સાહિત્યકારો શ્રી પબુભાઈ ગઢવી, શ્રી મદનકુમાર અંજારિયા, શ્રી જયંતીભાઈ જોશી, ડૉ. રમેશ ભટ્ટ તથા ગીવ વાચાના ટ્રસ્ટી શ્રીમતી નયનાબેન ઠક્કર, કૃપ મ્યુઝીકના ચેર પર્સન ડૉ. પુજાબેન ઠક્કર અને શ્રીમતી નિશાબેન ઠક્કરના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.
આ પુસ્તક વિષે વાત કરતા લેખકે જણાવ્યું કે ‘અર્જુન ઉવાચ’ એ ફક્ત પુસ્તક નહીં પણ મારી અનુભવેલી આધ્યાત્મિક યાત્રા છે. એક સંવાદ છે પિતા અને પુત્રીનું, ‘ક્યાં છે કાનો? પ્રશ્નથી ‘અહં બ્રહ્મસ્મિ’ ના ઉત્તર સુધીનો. આ એવી યાત્રા છે જે મારી સમજ અનુસાર ગીતાનું પથદર્શન છે તથા કૃષ્ણનું અવલંબન છે. આ કથા છે સાત ગીતોની અને તેના સર્જન માટે પ્રેરણા સ્ત્રોત સમી એ સાત ઘટનાઓની. જીવનની ઘટમાળને ગીતાના દ્રષ્ટિબિંદુનો ઉપયોગ કરી કઈ રીતે સુસાધ્ય બનાવી શકાય તેનો આ પ્રયોગ છે; આ પુસ્તક એટલે પિતાએ પુત્રીને આપેલી સનાતન ધર્મના સંદેશની ભેંટ.
આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ શ્રી શંકરભાઈ એ ડૉ. કૃપેશ અને તેમના સમગ્ર પરિવારનું સન્માન કર્યું હતું. તેમણે ડોક્ટરને ‘કચ્છના યુવાઓ માટે આદર્શ વ્યક્તિ’ કહીને સરાહના આપી અને કહ્યું “આજે જયારે સરકારે ભગવદગીતાનો શિક્ષણમાં સમાવેશ કર્યું છે ત્યારે ગીતાના સારને બાળકોને સમજાય એવી સરળ શૈલીમાં આ પુસ્તક રૂપે રજુ કરી આપે સમયની માંગ પૂરી કરી છે.” ડૉ. કાન્તીભાઈ એ ડોક્ટર અને તેમના પરિવારને “માત્ર સંસ્કૃતિ અને સંસ્કારો માટે જીવતા પરિવાર” તરીકે સંબોધી શુભકામનાઓ આપી તો અર્જુન ઉવાચ પુસ્તક વિષે વાત કરતા શ્રી મદનકુમારે કહ્યું કે “આમ તો ભગવાન ઉવાચ એવું હતું પણ અહી અર્જુન ઉવાચ કહીને કૃપેશ ભાઈએ ક્રાંતિ કરી છે.” આ ઉપરાંત એમણે જી.એલ.સી.સી.ના કાર્યોને બિરદાવતા સતત ગતિશીલ રહેવા પ્રોત્સાહન આપ્યું. શ્રી જયંતીભાઈ એ લેખક વિશે વાત કરતા ઉમેર્યું કે “માતૃભાષાનું ઋણ તેમને વિદેશથી અહી ખેંચી લાવ્યું છે.”
જી.એલ.સી.સી. ના વૈશ્વિક પ્રોજેક્ટ વિષે વાત કરતા સંસ્થાના ટ્રસ્ટી નયનાબેને જણાવ્યું કે ‘સાહિત્ય, સંગીત અને કલા ક્ષેત્રની પ્રવૃતિઓ થકી સંસ્કૃતિ સંવર્ધન કરવા અને નવોદિત કલાકારોને મંચ આપવા માટે જી.એલ.સી.સી. ની કચ્છની શાખાનું ગઠન કરી કચ્છને વૈશ્વિક સ્તરે આગળ વધારવાનો હવે સમય આવી ગયો છે.’ તેમણે તેમના સ્વર્ગસ્થ માતૃશ્રી દિવાળીબેન જે. ઠક્કરના સ્મરણાર્થે દર વર્ષે ‘વર્લ્ડ પોએટ્રી ડે પર્વ’ ઉજવવાની જોગવાઈ પણ કરી છે.
કાર્યક્રમમાં પર્વ ફ્યુઝન બેન્ડના કલાકારો યંગેસ્ટ સીંગર અને એક્ટર પર્વ ઠક્કર, ધ નોટેશન ગર્લ વાચા ઠક્કર, તથા ડૉ. કૃપેશ દ્વારા ભક્તિ સંગીત રજુ કરવામાં આવ્યું, જે ઉપસ્થિત લોકો એ વધાવી લીધું.આ ઉપરાંત ‘કૃપ ટોક્સ’ શો માં નાના બાળકોએ કાવ્ય પઠન કર્યું તથા ‘ફ્યુચર ઓફ પોએટ્રી’માં કવિતાના ભવિષ્યમાં ઓડિયો અને વિઝ્યુઅલ સ્વરૂપના મહત્વ પર માર્ગદર્શન આપવામાં આપ્યું. આ સાથે જ “છાંવ જૈસે પાપા” પોએટ્રી ઓડીઓનું પણ આમંત્રિત મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું. આ પ્રસંગે ગીવ વાચા પબ્લિકેશન તરફથી હવે કચ્છમાં રહીને જ પોએટ્રી આલ્બમ તથા ઓડીઓ બુક બનાવવાની સગવડ પ્રાપ્ત થશે એવી જાહેરાત કરવામાં આવી. આ કાર્યક્રમના આયોજનમાં ઇશાન ઠક્કર, બોની ઠક્કર, વિરલ ઠક્કર, હિતેશ ઠક્કર, અંજલી સેવક તથા કલરવ રાઠોડએ જહેમત ઉઠાવી.
હાલમાં ગિવ વાચા ફાઉન્ડેશન, અને કૃપ મ્યુઝિક જયારે ૧ થી ૮ માર્ચ સુધી ‘વુમન્સ પર્વ 23’ નું આયોજન કરી રહ્યું છે ત્યારે આદિપુર ખાતે તોલાની આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના સહિયારા પ્રયાસથી ઇન્ટરનેશનલ વુમન્સ ડે નું સુંદર કાર્યક્રમ કરવામાં આવ્યું. જેમાં ‘નારી હૈ નારાયણી’ પુસ્તકનું વિમોચન, ‘કૃપ ટોક્સ’, ‘બાતે અનકહી’ તથા ‘યત્ર નાર્યસ્તુ પુજ્યન્તે’ ગીતના લોકાર્પણનું આયોજન કર્યું હતું. વુમન્સ પર્વ વિષે વાત કરતા ગિવ વાચાના ટ્રસ્ટી નયનાબેન ઠક્કરે જણાવ્યું કે ‘છેલ્લાં સાત વર્ષથી સંસ્થા દ્વારા ઉજવાતા આ ઉત્સવનો હેતુ ઇન્ટરનેશનલ વુમન્સ ડે ને ભારતીય સંસ્કૃતિના સંદેશ ‘યત્ર નાર્યસ્તુ પૂજયન્તે રમન્તે તત્ર દેવતા’ સાથે ઉજવી આવનારી પેઢીને સનાતન ધર્મના ભવ્ય વારસા સાથે જોડી રાખવાનું છે.
કાર્યક્રમની શરૂઆત ‘કૃપ ટોક્સ શો’ દ્વારા કરવામાં આવી. આ શો માં વિદ્યાર્થીઓ, શિક્ષકોએ અને કવિઓએ ‘નારી’ વિષય પર લખેલી કવિતાઓ પ્રસ્તુત કરી હતી. ઉભરતા રચનાકારોને મંચ આપવાના ઉદેશ્યથી ગિવ વાચા સંસ્થા અને કૃપ પબ્લિકેશન દ્વારા ‘નારી હૈ નારાયણી’ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું. જેમાં કચ્છ અને ગુજરાતની વિવિધ શાળા અને કોલેજના ૭૦ થી પણ વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકોએ ઉપરાંત જાણીતા સાહિત્યકારો પોતાની કવિતાઓ આપી છે.
‘બાતેં અનકહી’ માં જાણીતા ગીતકાર, સંગીતકાર અને ગાયક ડૉ. કૃપેશે ફિલ્મો અને આલ્બમમાં ગીત લખવાની બારીકીઓના સ્વાનુભવનો વિદ્યાર્થીઓ અને મેહમાનોને પરિચય કરાવ્યો તથા બેસ્ટ સેલર બુક ‘અર્જુન ઉવાચ’ ના લેખક તરીકે સાહિત્ય ક્ષેત્રે આગળ વધવા માર્ગદર્શન પણ આપ્યું હતું. આ સાથે જ ‘વુમન્સ પર્વ’ અને ‘નારી હૈ નારાયણી’ બુકના થીમ સોંગ ‘યત્ર નાર્યસ્તુ પૂજયન્તે’ પર્વ ફ્યુઝન બેન્ડના કલાકારો દ્વારા રજુ કરવામાં આવ્યું હતું. જે ઉપસ્થિત મહેમાનોએ વધાવી લીધું હતું.
અંતે ‘નારી હૈ નારાયણી’ પુસ્તક અને ‘યત્ર નાર્યસ્તુ પૂજયન્તે’ ગીતનું લોન્ચિંગ અતિથી વિશેષ સાહિત્યકાર ડૉ. રમેશ ભટ્ટ ‘રશ્મિ’, કૃપ મ્યુઝિકના ચેર પર્સન ડૉ. પૂજા ઠક્કર, તોલાની ઇન્સ્ટીટ્યુટના પ્રિન્સીપાલ ડૉ. સુશીલ ધર્માની, કવિયત્રી પદ્માબેન મોટવાની, ગાયિકા અને લેખિકા ધ નોટેશન ગર્લ વાચા ઠક્કર, યંગેસ્ટ સીંગર અને એક્ટર પર્વ ઠક્કર તથા ડૉ. કૃપેશ ઠક્કરના શુભહસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે કૃપ મ્યુઝિક કંપની દ્વારા વિદ્યાર્થીનીઓ માટે સ્વરોજગાર અને આત્મનિર્ભર બનવાની તક આપતાં ‘કૃપ પાર્ટનર પ્રોગ્રામ’ ની જાહેરાત પણ કરવામાં આવી.
આ કાર્યક્રમના આયોજનમાં કોલેજના રીડર્સ એન્ડ રાઈટર્સ ક્લબના આગેવાનો સુશ્રી વિમ્મી સદારંગાની, શ્રી સંદીપભાઈ જાની તથા પ્રોફેસર ડૉ. પ્રતીક અંબસાના તેમજ અંજલી સેવક અને કલરવ રાઠોડે જહેમત ઉઠાવી. અત્રે નોંધનીય છે કે સાહિત્યક્ષેત્રે પ્રથમવાર શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને પોતાની કવિતા પ્રકાશિત કરવાની તક મળી છે.
કચ્છ અને ગુજરાતનું ગૌરવ એવી યંગ સિંગર દસ વર્ષીય વાચા ઠક્કર એ જીઓસાવન ના Bollywood Decade 2010s માં છેલ્લા દાયકાના ૨૦ સુપરહિટ સોંગ ની લીસ્ટ માં મેળવ્યું છે પ્રથમ સ્થાન.
હાલમાં જ JioSaavn દ્વારા 20 સુપરહિટ સોંગ ની લીસ્ટ જાહેર થઈ જેમાં છેલ્લા દસ વર્ષ દરમિયાન સૌથી વધુ લોકપ્રિય બની રહેલા હિન્દી ગીતો જાહેર કરવામાં આવ્યા. આ લીસ્ટમાં વાચા ઠક્કર ના ‘જન ગન મન’ ગીતએ ‘દેશ મેરા રંગીલા’, ‘પલ પલ દિલ કે પાસ’, ‘નમો નમો’, ‘કાલા ચશ્માં’ અને ‘કેસરી’ જેવા ગીતોને પાછળ મુકતા પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ ગીતને યુટ્યુબ પર બે કરોડ થી પણ વધારે વ્યુઝ મળ્યા અને JioSaavn પર દસ લાખથી પણ વધુ લોકોએ સાંભળ્યું છે.
આ શ્રેણીમાં બોલિવૂડના જાણીતા કલાકારો અરિજીત સિંઘ, અમિત ત્રિવેદી, બાદશાહ, પ્રીતમ, તુલસી કુમાર, નેહા કક્કર, વિશાલ શેખર અને સચિન જીગર જેવા નામી કલાકારો સાથે વાચા ઠક્કરને સ્થાન મળ્યું જે કચ્છ અને ગુજરાત માટે ગૌરવની વાત છે. આ ગીત ગુજરાતની જાણીતી રેકોર્ડ લેબલ કંપની કૃપ મ્યુઝીક દ્વારા લોન્ચ કરાયું અને વિશ્વભરમાં ૨૦૦ જેટલા મ્યુઝીક સ્ટ્રીમીંગ પ્લેટફોર્મ પર મુકવામાં આવ્યું છે.
અત્રે નોંધનીય છે કે વાચાનાં આ ગીતનું શુટિંગ અંજારના બગીચામાં થયેલું છે. વાચાએ માત્ર અઢી વર્ષની વયથી ગાવાનું શરૂ કર્યું અને આજ સુધી એણે 50 થી પણ વધુ ઓરીજીનલ સોંગ ગાયા છે. ગીત અને સંગીતની સાથે તે એક્ટિંગ પણ કરે છે. પોતાની પ્રથમ બુક પ્રકાશિત કરી સાહિત્ય ક્ષેત્રમાં પણ પદાર્પણ કર્યું. ફક્ત દસ વર્ષની ઉંમરે ધ નોટેશન ગર્લ તરીકે વાચા મ્યુઝીક કમ્પોઝ કરી ગીતકાર અને સંગીતકાર ડૉ. કૃપેશને સહયોગ આપી રહી છે.
પર્વ ફ્યુઝન બેન્ડમાં લીડીંગ સીંગર તરીકેની ભૂમિકા બજાવી વિવિધ કાર્યક્રમોમાં વાચા પરફોર્મ પણ કરે છે અને ખાસ કરીને ‘ગુંજે ગીતા’ કાર્યક્રમ થકી ગીતાના અધ્યાયોને લોકો સુધી પહોચાડવાનું કામ કરે છે. આ કાર્યક્રમને વર્લ્ડ ટુર થકી વિશ્વભરમાં લઇ જવામાં પણ વાચા ઠક્કર પોતાનો પૂર્ણ સહયોગ આપી રહી છે.
જીઓસાવન પર વાચાના ‘જન ગન મન’, ‘ગણેશ ગાયત્રી મંત્ર’, ‘લાડલી બેની’, ’હૈ નમન’, ‘મંગલભવન રામ ધૂન’, ‘મંગલમય સબ કર દેના’, ‘ગણેશ મંત્ર’, ‘ઓમ નમઃ શિવાય’ , ‘રામ ધૂન’, ‘તું છે ઓ મા’ અને ‘હનુમાન મંત્ર’ જેવા ગીતો પ્રચલિત હોતા હાલમાં જીઓસાવને તેને સ્પોટલાઈટ માં જાહેર કરી.
હાલમાં જ મહાશિવરાત્રી ના રોજ અંજાર સ્થિત ‘ગિવ વાચા ફાઉન્ડેશન’ દ્વારા મહાશિવરાત્રી પર્વ ની ઉજવણી કરવામાં આવી; જેમાં ભદ્રેશ્વર ચોખંડા મહાદેવ મંદિર ખાતે આમંત્રિત મહાનુભાવોના હસ્તે પર્વ ફ્યુઝન બેન્ડના ‘ઓમ નમઃ શિવાય- ડીજે મિક્ષ’ ભક્તિ ગીતનું લોકાર્પણ થયું.
આ શિવભક્તિનું મહિમા દર્શાવતા ગીતમાં વિશ્વના યંગેસ્ટ સીંગર અને એક્ટર પાંચ વર્ષીય પર્વ ઠક્કર, ધ યંગેસ્ટ ઓથર તથા ધ નોટેશન ગર્લ નામે પ્રખ્યાત દસ વર્ષીય વાચા ઠક્કર તથા ગુજરાતના જાણીતા ગીતકાર, સંગીતકાર અને ગાયક ડૉ. કૃપેશ ઠક્કરએ પોતાની કલાનું યોગદાન આપ્યું. મહાશિવરાત્રી નિમિતે ભદ્રેશ્વર મધ્યે નાળેશ્વર ચોખંડા મહાદેવ મંદિરે ઉજવાયેલ ભવ્ય કાર્યક્રમમાં આ કલાકારોના પર્વ ફ્યુઝન બેન્ડને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ચોખંડા મહાદેવ મંદિર ટ્રસ્ટના પ્રદ્યુમનસિંહ જાડેજા, રસિકભાઈ પરમાર, ભગવાનજી ઠક્કર, ભરતભાઈ ગુપ્તા, જગદીશભાઈ ગણાત્રા, જીતેન્દ્ર ઠક્કર, રમુભા જાડેજા, ભુપેન્દ્રસિંહ જાડેજા, હનુભા જાડેજા, ચતુરસિંહ જાડેજા, કૃપ મ્યુઝીકના ચેર પર્સન ડો. પૂજા ઠક્કર તથા પર્વ ફ્યુઝન બેન્ડના કલાકારોના વરદ હસ્તે આ ભક્તિ ગીતનું વિમોચન કરવામાં આવ્યું. લોકાર્પણ બાદ આ કલાકારો દ્વારા આ ભક્તિ ગીતની રજૂઆત પણ કરવામાં આવી જેને વિશાળ જન-મેદનીએ ઉત્સાહભેર આવકાર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના નામાંકીત મ્યુઝીક રેકોર્ડ લેબલ કૃપ મ્યુઝિક દ્વારા આ ગીતને નિશુલ્ક તેમની યુટ્યુબ ચેનલ તથા વિશ્વભરના ૨૦૦ જેટલા મ્યુઝીક સ્ટ્રીમીંગ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ ગીત વિષે વાત કરતા ડૉ. કૃપેશ ઠક્કરે ઉમેર્યું કે ગિવ વાચા ટ્રસ્ટ દ્વારા વિવિધ તહેવારોને સંગીતના સથવારે ઉજવવાની પરંપરાને આગળ વધારતા આ ભક્તિગીતમાં પણ સનાતન મંત્ર અને રાગબદ્ધ ભારતીય સંગીતને પાશ્ચાત્ય સંગીત સાથે ફ્યુઝન કરી લોકભોગ્ય બનાવવાનો પ્રયાસ કરેલ છે. આ સાથે જ તેમણે આ ગીતના વીડિઓમાં ચોખંડા મહાદેવ મંદિરના નયનરમ્ય દ્રશ્યોને કંડારવાની જાહેરાત પણ કરી હતી.
વિશ્વ ફલકને વેલેન્ટાઈન ડે જ્યારે પ્રેમના રંગો થી પરિપૂર્ણ કરે છે ત્યારે બધાજ યુગલો એનાં રંગોમાં તરબોળ બને છે. જ્યાં નજર કરો ત્યાં લાલ રંગની થીમ જોવા મળશે અને ‘ દિલો ‘ નો ડેકોરેશન; પછી એ ગિફ્ટ શોપ હોય, હોટેલ કે રેસ્ટોરન્ટ હોય, શૉપિંગ મોલ હોય; લોકોના કપડાઓ અને પહેરવેશ થી કરીને તેમના પ્રોફાઈલ પીચર અને સ્ટેટસ સુધી બધે જ આ થીમ પ્રવર્તમાન હોયછે. આ ફેસ્ટિવલમાં લોકોને ચોકલેટ, ટેડી બેર, બુકે જેવા ગિફ્ટ મટીરીયલની જરૂરિયાત હોય છે અને હોય છે રોજ શેરકરવા માટે પ્રેમસભર ગીતોની રજૂઆત…
વર્ષો થી ચાલી આવતા રોમેન્ટિક હિટ્સ ની સાથે સાથે લોકોને નવા ગીતોની પણ અપેક્ષા હોય છે. એવામાં કૃપ મ્યુઝીક અને ગિવ વાચા દ્વારા લોન્ચ થતું આ અપકમિંગ સોંગ “ના હુએ જુદા” લોકોના દિલો પર તેનાં લીરિક્સ અને સુથીંગ મ્યુઝીક નો જાદુ ચલાવશે.
ગિવ વાચા ફાઉન્ડેશન તથા ગુજરાતની જાણીતી રેકોર્ડ લેબલ કંપની કૃપ મ્યુઝીક દ્વારા લોંચ થનારું આ ગીત ખાસ વેલેન્ટાઇન ડે નિમિતે ૧૦ ફેબ્રુઆરી ના રોજ ગાના, સ્પોટિફાઈ, વિંક, જીયો સાવન જેવા બસ્સો જેટલા મ્યુઝીક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર લોન્ચ કરવામાં આવશે જેનું બ્રાન્ડીંગ ગુજરાતની જાણીતી PR સર્વિસ આપતી કંપની Esy ID સંભાળશે.
ગિવ વાચા વર્ષોથી વેલેન્ટાઈન ડે પર્વ ‘વસુધૈવ કુટુમ્બકમ’ ની થીમ સાથે ઉજવે છે જેમા વિવિધ સત્કાર્મો કરવાનુ અને ‘રાધાકૃષ્ણ’ ના પ્રેમને પ્રતિક રુપે ઉજવવાનું ધ્યેય હોય છે. નવ વર્ષ પહેલા પણ ગિવ વાચા અને કૃપ મ્યુઝિક દ્વારા વેલેન્ટાઈન ડે ના દિવસે “ક્યાં છે કાનો” આલ્બમ લોન્ચ કરવમાં આવ્યું હતું. આ નવીન કોન્સેપ્ટ લોકોમાં ખુબ પ્રચલિત થયુ છે.આ વર્ષે આ પ્રોજેક્ટ અંતર્ગત સંસ્થા “ના હુએ જુદા” ગીત રિલીઝ કરશે.
આ ગીતના લીરિસિસ્ટ, પ્રોડ્યુસર અને ડાયરેક્ટર ડૉ. કૃપેશ એ ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું છે કે “આપણા સનાતન ધર્મએ હમેશાં પ્રેમને ફક્ત સાંસારીક બાબત નહીં પણ એક દિવ્ય ભાવ સ્વરુપે પ્રગટ કર્યું છે જે ‘રાધા-કૃષ્ણ’ અને ‘સીતા-રામ’ ની ગાથામાં જોઇ શકાય. આજની યુવાપેઢીને પ્રેમના ભૌતિક અને સાંસારીક દ્રષ્ટિબિંદુ સાથે અધ્યાત્મિક દ્રષ્ટિકોણ સમજાવવા માટે તથા રાધા અને કૃષ્ણના પ્રેમને વાચા આપવા ‘ના હુએ જુદા’ સોન્ગ લખ્યું છે. કારણ કે દ્વારિકા ગમન પછી ભલે કૃષ્ણ અને રાધા સાથે ના રહી શક્યા પણ એમનું અતુટ અને દિવ્ય પ્રેમ થકી આજ પણ એ જુદા થયા નથી! એમનુ નામ આજે પણ સાથે જ લેવાય છે. આ એમનું સોન્ગ છે, એમના માટે બનાવેલું છે અને એમને જ સમર્પિત કરું છું.”
રાધા અને કૃષ્ણના પ્રેમ અને ભક્તિને આ ગીત દ્વારા ઍક નવા સ્વરુપમાં જોવા મળશે. આ ગીત ‘ધ કૃપ’ આલ્બમ ના સાત ગીતોમાંનુ એક છે. આ આલ્બમ ના લોંચિંગ દ્વારા નવોદિત પોપ મ્યુઝિક બેન્ડ ‘ધ કૃપ’ સંગીતક્ષેત્રે પદાર્પણ કરશે. વધુમાં એવું પણ જાણવા મળ્યું છે કે આ હિન્દી ગીતને ખાસ ગુજરાત અને કચ્છના લોકો માટે ગુજરાતી અને કચ્છી વર્ઝનમાં પણ બનાવવામાં આવશે.
અંજાર સ્થિત ‘ગિવ વાચા ફાઉન્ડેશન’ અને કૃપ મ્યુઝીકએ સાથે મળીને ‘વીર બાળ દિવસ પર્વ’ની ઉજવણી કરી હતી. ગિવ વાચાની ટીમે અંજારના અહલ્યા કન્યા છાત્રાલય’ ના બાળાઓ માટે ‘વીર બાળક સ્મારક’ના પ્રવાસનું આયોજન કર્યું હતું. જેમાં 30 થી પણ વધુ બાળાઓને સંપૂર્ણ સ્મારક, પરિસર, મ્યુઝીયમ, આર્ટ ગેલરી તથા વીર બાળકોનું સ્મૃતિ સ્થાન બતાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ પર્વ ફ્યુઝન બેન્ડ અને આ બાળાઓ એ વીર બાળકોને શ્રધાંજલી આપવા માટે ‘ગુંજે ગીતા’ પ્રસ્તુત કરી જેમાં 50 થી વધુ પ્રવાસીઓ પણ જોડાયા હતા.
આ સાથે જ સૌ લોકોએ મળીને પાંચ વર્ષીય પર્વ ઠક્કરનું યંગેસ્ટ સીંગર ઇન વર્લ્ડ આલ્બમ તથા દસ વર્ષીય વાચા ઠક્કરના ‘બેસ્ટ ઓફ વાચા’ આલ્બમનું વિમોચન ગિવ વાચાનાં ટ્રસ્ટી નયનાબેન ઠક્કરના ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. જેમાં કચ્છમાં જ ફિલ્માંકિત થયેલા હીટ ગીતો રઘુપતિ રાઘવ રાજા રામ, મંગલમય સબ કર દેના, પ્યારી બેહના, લવ યુ મા, ઐ વતન – વંદે માતરમ, જન ગન મન તેમજ હૈ નમન – શહીદો કો સલામ નો સમાવેશ થાય છે. આ પ્રસંગે ડૉ. પૂજા ઠક્કરે સર્વે વિદ્યાર્થીનીઓ અને ત્યાં ઉપસ્થિત પ્રવાસીઓ ને ‘ક્લબફૂટ’ વિશે માહિતી અને માર્ગદર્શન આપ્યું તથા ‘ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ’ પ્રોજેક્ટ થી પણ અવગત કરાવ્યા હતા. કાર્યક્રમ માટેની પૂર્વતૈયારીઓ રૂપે ‘પર્વ કી પાઠશાળા’ અંતર્ગત છેલ્લા એક સપ્તાહથી ગીતકાર અને સંગીતકાર ડૉ. કૃપેશ ઠક્કર, પર્વ ઠક્કર અને વાચા ઠક્કરએ અહલ્યા કન્યા છાત્રાલયની બાળાઓને ‘ગુંજે ગીતા’ કાર્યક્રમ માટેની તાલીમ આપી હતી.
જેમાં વ્યવસ્થાપક બહેનો સેજલબેન એન આશાબેને પુરતો સહયોગ આપ્યો હતો. વીર બાળ દિવસ પર્વની આ ઉજવણી માટે ગીવ વાચા ફાઉન્ડેશનના સ્વયં સેવકો વૈશાલી ભટ્ટ તથા અંજલી સેવક એ જહેમત ઉઠાવી હતી. શિવ પંડ્યાએ પોતાનો પુરો સહયોગ આપ્યો હતો.
‘વીર બાળ દિવસ’ નિમિતે જયારે ભારતભરમાં બાળકોના શહાદત અને બલિદાનોની વાતો થઇ રહી છે, વિવિધ બાળ કલાકારો પોતાના ક્ષેત્રમાં આ પ્રસંગે વિવિધ કર્યો કરી બાળ દિવસનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે ત્યારે ચાલો, આજે મળીયે કચ્છની એક એવી બાળ કલાકારને જેણે પોતાના સંગીતથી વિશ્વભરમાં કચ્છનું નામ રોશન કર્યું છે. આપણે વાત કરી રહ્યા છીએ કચ્છની દસ વર્ષની મિસ વાચા ઠક્કર વિશે. ચાલો જાણીએ કૃપ મ્યુઝીક તરફથી લેવાયેલા આ exclusive artist interview માં વાચા સાથેનો સંવાદ, તેના વિચારો અને વાત કરીશું તેની ઉપલબ્ધિઓ વિશે…
મિસ વાચા, સર્વ પ્રથમ અમને તમારા વિશે થોડું જણાવો.
મારું નામ વાચા ઠક્કર છે, હું દસ વર્ષની છું. ભણતર અને અભ્યાસ સાથે મને સિંગીંગ અને એક્ટિંગ કરવું પસંદ છે. મારા આજ સુધી ૫૦ જેટલા ગીતો ૨૦૦ જેટલા મ્યુઝીક સ્ટ્રીમીંગ પ્લેટફોર્મ પર લોન્ચ થયા છે અને ૧૫ જેટલા મ્યુઝીક વીડીઓમાં મેં એક્ટિંગ પણ કરેલી છે. હું ગિવ વાચા ફાઉનડેશનની બ્રાન્ડ અમ્બેસેડર તરીકે પણ કામ કરું છું.
એક સીંગર તરીકે તમારું કરિયર કઈ રીતે શરુ થયું?
હું નાની હતી ત્યારથી મેં મારા પપ્પાને ગીતો ગાતા જોયેલા છે. તેઓ ફિલ્મોમાં ગીત અને સંગીત આપતાં એટલે સંગીતમાં મને પણ પહેલાથી ગમતું હતું. જયારે મેં એમને સંગીતમાં રસ દાખવ્યો ત્યારે તેમને મને કૃપ એકેડમીમાં તેમણે એનરોલ કરાવ્યું અને મારી ટ્રેનીંગ શરુ થઇ. જેમ જેમ ગાવામાં કુશળતા આવી તેમ ધીરે ધીરે તેમણે મને તેમના સોન્ગ્સમાં નાના રોલ આપવાનું શરુ કર્યું. મને મારી લાઈફની સૌથી પહેલી અને મોટી ઓપરચ્યુનીટી એ મળી કે ‘સૂર ગુજરાત કે’ ના પાંચ ફાઈનલીસ્ટ સાથે મને ગાવાનો મોકો મળ્યો. જેમાં તેમની સાથે મેં ‘જન ગન મન’ સોંગમાં એક લાઈન ગાઈ હતી. જેને લોકોનો રિસ્પોન્સ બહુ સારો મળ્યો. થોડા જ સમયમાં એ સોંગ પર મિલિયન વ્યુઝ થયા હતા. પછીથી કૃપ મ્યુઝીક એ મને એક આર્ટીસ્ટ તરીકે પ્રમોટ કર્યું. પછી ધીમે ધીમે બીજા ગીતોમાં પણ થોડી થોડી પંક્તિઓ ગાવાનું શરુ કર્યું. આ રીતે કરિયરની શરૂઆત થઇ.
ટ્રેનીંગ પાપા પાસેથી લેવાની હતી, મારી માટે એ સરળ એટલે હતું કે પાપા મને ગમે ત્યારે શીખવી સકતા પણ એક ટ્રેનર તરીકે એમણે ક્યારેય સંબંધોને વચ્ચે આવવા નથી દીધા. મારી ટ્રેનીંગ હંમેશા સખ્ત જ રહી છે. જ્યાં સુધી ધાર્યા મુજબનું પરિણામ ના મળતું ત્યાં સુધી ટ્રેનીંગ આગળ વધતી નહીં. ગીત ગાવામાં પણ જ્યાં સુધી પરફેક્ટ શોટ ના મળતું ત્યાં સુધી પાપા રીટેક કરાવતા રહેતા.
આજે તમેં ‘ધ યંગેસ્ટ સીંગર(ફીમેલ)’ છો, તો આ મુકામ સુધી તમે કઈ રીતે પહોચ્યા?
ટ્રેનીંગના બે વર્ષો પછી જયારે સંગીતકાર તરીકે પાપાને મારા ટેલેન્ટ થી સંતોષ થયો પછી એમણે મને પુરા ગીતો આપવાનું શરુ કર્યું અને પછી તો કંપની એ ખાસ મારા માટે ગીતો બનાવવાનું શરુ કર્યું. એમ કરીને આગળ વધતા મારા ૫૦ થી પણ વધારે ઓરીજીનલ ગીતો ગુજરાતની એક માત્ર રેકોર્ડ લેબલ કંપની કૃપ મ્યુઝીક મારફતે રીલીઝ થયા. જેથી એ સાવન, હંગામા, સ્પોતટીફાઈ વગેરે જેવા ૨૦૦ જેટલા મ્યુઝીક સ્ટ્રીમીંગ પ્લેટફોર્મ પર રીલીઝ થયા, અને હીટ પણ થયા. અને હા, એના પર મારા સોંગ ટ્રેન્ડીંગ લીસ્ટમાં હોવાથી લોકો મને ‘યંગેસ્ટ સીંગર કહે છે. આ અચીવમેંટ મળ્યા બાદ મને કૃપ મ્યુઝીક દ્વરા ‘સૂર ગુજરાત કે’, ‘સૂર હિન્દુસ્તાન કે’ અને ‘કે. એમ. ટેલેન્ટ હન્ટ’ શો માટે પણ બ્રાન્ડ અમ્બેસેડર બનાવી.
એક એક્ટ્રેસ તરીકે તમે ક્યારે અને કેવી રીતે શરૂઆત કરી?
અમે લોકો એ જોયુ કે આજ કાલ લોકો પોતાના મ્યુઝીક વિડીઓમા પોતે જ એક્ટ કરતા હોય છે એટલે શરૂઆતમાં મેં કૃપ એકેડમીમાં એક્ટિંગના સર્ટીફીકેટ કોર્સ કર્યા અને પછી થોડા થોડા શોટ્સ માટે કેમેરા સામે આવવાનું શરુ કર્યું. કોર્સના ભાગ રૂપે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટરીના કલાકારો સાથે મળવાનું થયું અને એ લોકો પાસેથી પણ મને ગાઇડન્સ મળ્યું. પછી જયારે મને કોન્ફીડન્સ આવ્યો પછીથી મ્યુઝીક વીડીઓમાં પૂરે પૂરી ઇન્વોલ્વ થઇ.
અત્યાર સુધીના સિંગીંગ કરિયરમાં તમારો સૌથી સારો અનુભવ કયો રહ્યો?
મને ખાસ મજા ત્યારે આવી જયારે અમે લોકો ‘પાપા મારા સુપરમેન’ ગીત પર કામ કરી રહ્યા હતા કારણકે મમ્મી, પાપા અને પર્વ જોડે લોકેશન પર જવું, સીન શૂટ કરવા, એ સોંગમાં અમે સાથે રમ્યા પણ છીએ એવા સીન પણ છે. એટલે શુટિંગમાં પણ એટલી જ મજા આવી અને રેકોર્ડીંગમાં પણ મજા આવી કારણકે ગીત ગાવામાં પણ હું પાપા અને પર્વ અમે જોડે હતા. એવી રીતે ‘અય વતન’ ગીત વખતે પણ મજા આવી હતી કારણકે એમાં અમે આપણા દેશ અને તિરંગા માટે અમારો પ્રેમ વ્યક્ત કર્યો છે. તો એ ગીતના મેકિંગ વખતે પણ એટલીજ મજા આવી હતી.
તમારા બધાં સોંગ માંથી કયો સોંગ તમને સૌથી વધારે ચેલેન્ગીંગ લાગ્યું?
મને બરોબર યાદ છે જયારે અમને ‘હૈ નમન’ ગીત નું શુટિંગ કર્યું હતું ત્યારે અમને લોકોને ખુબ મહેનત કરવી પડી હતી. એનું શુટિંગ અમે લોકો એ ભુજના ડુંગર ઉપર જે કિલ્લો છે ત્યાં કર્યું એટલે ડુંગર ચડવું, લોકેશન શોધવી, પર્ફેક્ટ સીન તૈયાર કરવું. તે સોંગ વખતે પાપા એ ખાસ કહ્યું હતું કે આવાજ માં ઇનોસન્સ અને મેચ્યોરીટી બંને આવવા જોઈએ, એક્ષ્પ્રેશનમાં પણ એ જ દેખાવું જોઈએ. એટલે સોંગ રેકોર્ડ કરવામાં પણ તકલીફ પડી હતી અને શુટિંગ કરવામાં પણ તકલીફ પડી હતી.
તમે તમારા ‘ગિવ વાચા’ એન.જી.ઓ. માં કાર્યો કરવાનું ક્યાર થી શરુ કર્યું?
‘ગિવ વાચા’ માં ‘વાચા’ એ મારું નામ નથી પણ એ તો એમની થીમ છે. ‘ગિવ વાચા’ એટલે કે ‘ઈમોશન્સ ને વાચા આપવી, વ્યક્ત કરવું એમ.’ મારું પરિવાર તો વર્ષોથી એમાં કામ કરતુ હતું પણ હું જયારે નાની હતી ત્યારે મમ્મી અને પાપા સાથે એના પ્રોજેક્ટ્સ માં જતી અને મને એમાં કામ કરવું બહુ જ ગમતું. પછી જેમ જેમ સિંગીંગ માં કરિયર આગળ વધ્યું તેમ ‘ગિવ વાચા’ માટે પણ મેં ગાવાનું શરુ કર્યું જેના મેં ક્યારેય પણ કોઈ જ ચાર્જીસ લીધા નથી. પછી એના પ્રોજેક્ટ માટે પણ ગીતો ગાયા છે અને થીમ સોંગ પણ ગાયા છે.
આ એન.જી.ઓ. માં તમારી પ્રગતિ કઈ રીતે થઇ? તમે ગિવ વાચના ‘બ્રાન્ડ અમ્બેસેડર’ કઈ રીતે બન્યા?
ગિવ વાચાનો એક મોટો પ્રોજેક્ટ છે ‘ગુંજે ગીતા’ જે પર્વ ફ્યુઝન બેન્ડ રજુ કરે છે. આ પ્રોજેકટમાં ગીતાના બારમાં અધ્યાય ‘ભક્તિયોગ’ ને સંગીતમય રીતે ગાવાનું હોય છે તો ગીતા તો પહેલાથી જ સીખી હતી. હું હમેશા મારા સંગીત વડે ગિવ વાચામાં મારું સમર્પણ આપતી રહી છું. મારા ડેડીકેશન પર ધ્યાન આપતાં તેમણે મને આ પ્રોજેક્ટ લીડ કરવા કહ્યું. આ પ્રોજેક્ટ વડે અમે લોકો ‘ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ’ માટે ફંડ રેઈઝ પણ કરીએ છીએ. આમ હું ગિવ વાચાની ‘ગીફ્ટ ઓફ ટાઇમ અમ્બેસેડર’ બની.
તમે તમારી સ્ટડીઝ અને કરિયર બંનેને કઈ રીતે મેનેજ કરો છો?
સ્કુલ ટાઇમમાં પૂરું ધ્યાન ભણવામાં આપું છું. પોતાનો હોમવર્ક અને વાંચવાનું સમયસર પૂરું કરું છું. પછી મારા કલાસીસ અને સિંગીંગ અને એક્ટિંગ પર ધ્યાન આપું છું. એ સિવાય વીકએન્ડ્સ પર અમે લોકો શુટિંગ કે રેકોર્ડીંગ કરી લઇયે છીએ. અમારા સંડેઝ ક્યારેય કોઈ હોટલ કે રેસ્ટરો માં નથી જતા પણ એના બદલે અમે ગિવ વાચના કોઈ સેવા પ્રોજેક્ટ કરી લઈયે છીએ. આ રીતે પ્લાનીંગ થી બધું મેનેજ થઇ જય છે.
તમે આટલી નાની ઉમરમાં આટલી મોટી સફળતાઓ મેળવી છે તો તમે તમારી ઉમરના બીજા બાળકોને શું સંદેશ આપશો?
હું એમ માનું છું કે જ્યાં સુધી અપણે નાના હોઈએ છીએ ત્યાં સુધી ફ્રી હોઈએ છીએ. આપણી સ્કુલ અને પ્રાથમિક જવાબદારીઓ અને શોખ તથા રમત ગમત સિવાય બીજું કોઈ કામ હોતું નથી. તો આપણી પાસે સમય હોય છે કે અપણે અપણા શોખ, આપણી ઇચ્છાઓ વગેરે પર ધ્યાન આપી શકીએ. તો મોટા થઈને શું બનવું છે એના વિશે નાના હોઈએ ત્યારથી જ ધ્યાન આપવું જોઈએ. એના માટે સ્કુલ ટાઇમ અને એક્ષટ્રા કલાસીસ પછી પણ સમય કાઢવો જોઈએ અને જે કલા કે હોબી છે એના પાર ધ્યાન આપવું જોઈએ.