ગુજરાતી મિજાજ

આપણો મિજાજ, ગુજરાતી મિજાજ

LiteratureStory

‘વર્લ્ડ પોએટ્રી ડે પર્વ’ નિમિતે ડૉ. કૃપેશના ‘અર્જુન ઉવાચ-ધ સ્પિરિચ્યુઅલ યાત્રા’ પુસ્તકનું થયું લોકાર્પણ

હાલમાં ગિવ વાચા ફાઉન્ડેશન, અને કૃપ મ્યુઝિક જયારે ગ્લોબલ લીટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ (જી.એલ.સી.સી.) અંતર્ગત કચ્છ ખાતે વિવિધ કાર્યક્રમો કરી રહ્યું છે ત્યારે ૨૧ માર્ચ ના રોજ ‘વર્લ્ડ પોટ્રી ડે પર્વ’ નિમિતે ભુજના ટેન-ઈલેવન લોન્જ ખાતે ડૉ. કૃપેશ ઠક્કરના ‘અર્જુન ઉવાચ-ધ સ્પિરિચ્યુઅલ યાત્રા’ પુસ્તકનું કાર્યક્રમ અધ્યક્ષ શ્રી શંકરભાઈ સચદે, કચ્છ યુનિવર્સીટીના પ્રથમ કુલપતિ ડૉ. કાન્તીભાઈ ગોર, પ્રખ્યાત સાહિત્યકારો શ્રી પબુભાઈ ગઢવી, શ્રી મદનકુમાર અંજારિયા, શ્રી જયંતીભાઈ જોશી, ડૉ. રમેશ ભટ્ટ તથા ગીવ વાચાના ટ્રસ્ટી શ્રીમતી નયનાબેન ઠક્કર, કૃપ મ્યુઝીકના ચેર પર્સન ડૉ. પુજાબેન ઠક્કર અને શ્રીમતી નિશાબેન ઠક્કરના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.

આ પુસ્તક વિષે વાત કરતા લેખકે જણાવ્યું કે ‘અર્જુન ઉવાચ’ એ ફક્ત પુસ્તક નહીં પણ મારી અનુભવેલી આધ્યાત્મિક યાત્રા છે. એક સંવાદ છે પિતા અને પુત્રીનું, ‘ક્યાં છે કાનો? પ્રશ્નથી ‘અહં બ્રહ્મસ્મિ’ ના ઉત્તર સુધીનો. આ એવી યાત્રા છે જે મારી સમજ અનુસાર ગીતાનું પથદર્શન છે તથા કૃષ્ણનું અવલંબન છે. આ કથા છે સાત ગીતોની અને તેના સર્જન માટે પ્રેરણા સ્ત્રોત સમી એ સાત ઘટનાઓની. જીવનની ઘટમાળને ગીતાના દ્રષ્ટિબિંદુનો ઉપયોગ કરી કઈ રીતે સુસાધ્ય બનાવી શકાય તેનો આ પ્રયોગ છે; આ પુસ્તક એટલે પિતાએ પુત્રીને આપેલી સનાતન ધર્મના સંદેશની ભેંટ.

આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ શ્રી શંકરભાઈ એ ડૉ. કૃપેશ અને તેમના સમગ્ર પરિવારનું સન્માન કર્યું હતું. તેમણે ડોક્ટરને ‘કચ્છના યુવાઓ માટે આદર્શ વ્યક્તિ’ કહીને સરાહના આપી અને કહ્યું “આજે જયારે સરકારે ભગવદગીતાનો શિક્ષણમાં સમાવેશ કર્યું છે ત્યારે ગીતાના સારને બાળકોને સમજાય એવી સરળ શૈલીમાં આ પુસ્તક રૂપે રજુ કરી આપે સમયની માંગ પૂરી કરી છે.” ડૉ. કાન્તીભાઈ એ ડોક્ટર અને તેમના પરિવારને “માત્ર સંસ્કૃતિ અને સંસ્કારો માટે જીવતા પરિવાર” તરીકે સંબોધી શુભકામનાઓ આપી તો અર્જુન ઉવાચ પુસ્તક વિષે વાત કરતા શ્રી મદનકુમારે કહ્યું કે “આમ તો ભગવાન ઉવાચ એવું હતું પણ અહી અર્જુન ઉવાચ કહીને કૃપેશ ભાઈએ ક્રાંતિ કરી છે.” આ ઉપરાંત એમણે જી.એલ.સી.સી.ના કાર્યોને બિરદાવતા સતત ગતિશીલ રહેવા પ્રોત્સાહન આપ્યું. શ્રી જયંતીભાઈ એ લેખક વિશે વાત કરતા ઉમેર્યું કે “માતૃભાષાનું ઋણ તેમને વિદેશથી અહી ખેંચી લાવ્યું છે.”

જી.એલ.સી.સી. ના  વૈશ્વિક પ્રોજેક્ટ વિષે વાત કરતા સંસ્થાના ટ્રસ્ટી નયનાબેને જણાવ્યું કે ‘સાહિત્ય, સંગીત અને કલા ક્ષેત્રની પ્રવૃતિઓ થકી સંસ્કૃતિ સંવર્ધન કરવા અને નવોદિત કલાકારોને મંચ આપવા માટે જી.એલ.સી.સી. ની કચ્છની શાખાનું ગઠન કરી કચ્છને વૈશ્વિક સ્તરે આગળ વધારવાનો હવે સમય આવી ગયો છે.’ તેમણે તેમના સ્વર્ગસ્થ માતૃશ્રી દિવાળીબેન જે. ઠક્કરના સ્મરણાર્થે દર વર્ષે ‘વર્લ્ડ પોએટ્રી ડે પર્વ’ ઉજવવાની જોગવાઈ પણ કરી છે.

કાર્યક્રમમાં પર્વ ફ્યુઝન બેન્ડના કલાકારો યંગેસ્ટ સીંગર અને એક્ટર પર્વ ઠક્કર, ધ નોટેશન ગર્લ વાચા ઠક્કર, તથા ડૉ. કૃપેશ દ્વારા ભક્તિ સંગીત રજુ કરવામાં આવ્યું, જે ઉપસ્થિત લોકો એ વધાવી લીધું.આ ઉપરાંત ‘કૃપ ટોક્સ’ શો માં નાના બાળકોએ કાવ્ય પઠન કર્યું તથા ‘ફ્યુચર ઓફ પોએટ્રી’માં કવિતાના ભવિષ્યમાં ઓડિયો અને વિઝ્યુઅલ સ્વરૂપના મહત્વ પર માર્ગદર્શન આપવામાં આપ્યું. આ સાથે જ “છાંવ જૈસે પાપા” પોએટ્રી ઓડીઓનું પણ આમંત્રિત મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું. આ પ્રસંગે ગીવ વાચા પબ્લિકેશન તરફથી હવે કચ્છમાં રહીને જ પોએટ્રી આલ્બમ તથા ઓડીઓ બુક બનાવવાની સગવડ પ્રાપ્ત થશે એવી જાહેરાત કરવામાં આવી. આ કાર્યક્રમના આયોજનમાં ઇશાન ઠક્કર, બોની ઠક્કર, વિરલ ઠક્કર, હિતેશ ઠક્કર, અંજલી સેવક તથા કલરવ રાઠોડએ જહેમત ઉઠાવી.