ગુજરાતી મિજાજ

આપણો મિજાજ, ગુજરાતી મિજાજ

MusicStory

ડોક્ટર ડે વિશેષ: કચ્છના તબીબ લોકસેવાની સાથે મ્યુઝિક કંપની ચલાવી જાણે છે

  • થઇ જશે, ઓક્સિજન, લવની ભવાઈ, કમિન્ટમેન્ટ જેવી ફિલ્મોનું મ્યુઝિક લોન્ચ કર્યુ
  • એકેડેમી દ્વારા ઉભરતા ગાયક કલકારોને આગળ લાવવા માર્ગદર્શન અને મદદ કરાય છે
  • ડો. કૃપેશ ઠક્કર પોતે ગાયક, ગીતકાર અને સંગીતકાર છે, તેમના 100 ગીત લોન્ચ થયા છે

આજે 1લી જુલાઇના રોજ વિશ્વ ડોક્ટર ડેની ઉજવણી સમગ્ર દુનિયામાં વિવિધ રીતે કરવામાં આવી રહી છે. ત્યારે વાત કરીએ એક એવા ડોક્ટરની કે જેમણે કચ્છમાં રહી સંગીતને વિશ્વ ફલક પર પહોંચાડવાનું કાર્ય કર્યું છે. અંજારના ડો. કૃપેશ ઠક્કરની કૃપ મ્યુઝિક કંપની દ્વારા છેલ્લા સાત વર્ષ દરમિયાન 17 ગુજરાતી અને એક હિન્દી ફિલ્મનો મ્યુઝિક આલ્બમ તૈયાર કરવામાં આવ્યો છે. એટલું જ નહિ ડોક્ટર ઠક્કરે સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે પણ સહયોગ સ્થાપી ભાવિ ગાયક અને વાદકને આગળ લાવવા પ્રયાસો કર્યા છે. સાથે-સાથે તેઓ સામાજિક સેવાકાર્યો પણ કરી રહ્યા છે. તો જાણીતો સૂર ગુજરાત કે જેવો મ્યુઝિક શો પણ ચલાવી રહ્યા છે.

અંજારમાં ક્લિનિક ચલાવે છે સંગીતકાર ડોક્ટર

અંજાર શહેરના બસ સ્ટેશન પાસે આવેલા વર્ધમાન નગર ખાતે ડો. કૃપેશ ઠક્કરના નામે ક્લિનિક ધરાવતા તબીબ દ્વારા સંગીત ક્ષેતે કરવામાં આવતી વિવિધ પ્રવૃતિઓ વિશે પૂછતાં ઉત્સાહથી ભરપૂર ડોકટર ઠક્કરે કહ્યું કે મારી સમજ શક્તિની સાથે જ સંગીત પ્રેમ મને આ ક્ષેત્રમાં સફળતા તરફ દોરી રહ્યો છે.

કેવી રીતે ડોક્ટરની સાથે સંગીતજ્ઞ બન્યા?

વિગતે જણાવતા તેમણે કહ્યું હતું કે જામનગરથી MBBS પાસ કર્યા બાદ બે વર્ષ અમેરિકા ગયો, જ્યાં હોસ્પિટલ મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી હાંસલ કરી અને ખાનગી કંપનીમાં જોબ શરૂ કરી હતી. આ દરમિયાન વર્ષ 2013માં ગ્રીન કાર્ડ મળી રહ્યું હતું. પરંતુ સંગીત પ્રત્યેનો પ્રેમ અને પરિવાર માટે દેશ પરત ફરી આવ્યો. અહીં આવ્યા બાદ ક્લિનિક શરૂ કરવાની સાથે મારું મ્યુઝિક આલ્બમ લોન્ચ કરવા હું મુંબઈ ગયો, જ્યાં દેશની નામાંકિત ટી-સિરિઝ જેવી કંપનીમાં ગયો, જ્યાં મારા મ્યુઝિક આલ્બમનું લોન્ચિંગ થયું. પરંતુ આ માટે સારી એવી રકમ ચૂકવવી પડી હતી.

મ્યુઝિક કંપનીની સ્થાપના કેવી રીતે થઈ?

દરમિયાન તબીબી પ્રેક્ટિસ સાથે સંગીત ક્ષેત્રે પણ કંઈક પ્રગતિ કરવાના ઇરાદે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી સંપર્કમાં રહ્યો. ત્યારબાદ મારા કૃષ્ણ ભક્તિ પર આધારિત મ્યુઝિક આલ્બમના લોન્ચ માટે ગુજરાતમાં મ્યુઝિક કંપની વિશે શોધ કરી. પરંતુ આવી કોઈ જ કંપની અહીં અસ્તિત્વમાં નહોતી, તેથી મેં મારું આલ્બમ રિલીઝ કરવા નવી મ્યુઝિક કંપની બનાવી અને વર્ષ 2015ની 14 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ ખાતે જાહેર ઇવેન્ટ મારફતે પ્રથમ આલ્બમ રિલીઝ કર્યું. તેનો ફાયદો એ રહ્યો કે હવે મારે ગુજરાત બહાર જવાની જરૂર નહોતી અને જે નવા ગાયક કલાકારો હતા. તેમજ પોતાના ગીતને મ્યુઝિક સ્ટ્રીમિંગ પર લોન્ચ નહોતા કરી શકતા એવા કલાકરોના ગીત પણ કંપની દ્વારા લૉન્ચ કરવાની શરૂઆત કરી.

કંપની દ્વારા પ્રથમ ગુજરાતી ફિલ્મનું મ્યુઝિક લોન્ચ કર્યા બાદ હિટ નીવડ્યું

કંપની શરૂ થયાના એક જ વર્ષમાં 2016માં મને ગુજરાતી ફિલ્મ “થઈ જશે”ના મ્યુઝિક લોન્ચ કરવાનો મોકો મળ્યો અને તેને માર્કેટમાં મૂક્યું હતું. તેમાં એ ફિલ્મના બે ગીત સુપરહિટ નીવડ્યા. તેના બાદ અત્યાર સુધી 17 ગુજરાતી ફિલ્મના મ્યુઝિક મારી કંપનીએ લોન્ચ કર્યા છે. જેમાં મુખત્વે ઓક્સિજન, લવની ભવાઈ, કમિન્ટમેન્ટ સહિતની ફિલ્મનો સમાવેશ થાય છે.

મ્યુઝિક લોન્ચ ક્યાં અને કેવી રીતે થાય છે?

પ્રત્યુત્તર ડોકટર ઠક્કરે કહ્યું કે એના માટે મ્યુઝિક સ્ટ્રીમિંગ ઇન્ડસ્ટ્રીઝ ઉપલબ્ધ છે. જેમકે હંગામા મ્યુઝિક, જિયો સાવન, ગાના ડોટ કોમ અને વિદેશી કંપની પણ ખરી જેમાં હવે અનેક દેશમાં પણ પ્રવેશી ચુકી છે. તેમાં એમેઝોન, એપલ અને સ્પોટીફાઈ જેવા મ્યુઝિક પ્લેટફોર્મ પર આલ્બમ કે સોંગ રિલીઝ કરવામાં આવે છે. આ સાથે સોશિયલ મીડિયા પર પણ તેને મુકવામાં આવે છે. તેમાં મારી યુ-ટ્યુબ ચેનલ પર 1.90 લાખ સબસ્ક્રાઇબર છે, ત્યાં સોંગ મુકવાનો હું કોઈજ ચાર્જ લેતો નથી. આ માટે કલાકારને સોશિયલ મીડિયા પર ક્યાં અને કેટલા રૂપિયા ખર્ચ કરવા તેની સલાહ પણ મારી કંપની આપે છે.

સંગીત અને ડોક્ટરી જ નહીં અન્ય સેવાઓમાં પણ પ્રવૃત્ત

કૃપ મ્યુઝિક કંપનીના સંચાલન સાથે ગિવ વાચા ફાઉન્ડેશનનું પણ સહયોગી મિત્રો સાથે સંચાલન કરવામાં આવે છે. નોન ડોનેશન સંસ્થા અંતર્ગત મ્યુઝિક એકેડેમી ચાલે છે. જેમાં વિશ્વમાં વસતા ગુજરાતી સંગીતપ્રેમીઓને ગાયન અને વાદનની તાલીમ આપવામાં આવે છે. સાથે સ્ટેજ પરફોર્મન્સનું શિક્ષણ પણ આપવામાં આવે છે. આ માટે તબીબ જાતે જ પ્રશિક્ષણ આપે છે અને સાથી સંગીત શિક્ષક પણ સહયોગ આપે છે.

સૂર ગુજરાત કે નામનો શો પણ ચલાવે છે

આ સિવાય તેઓ સૂર ગુજરાત કે નામનો શો પણ ચલાવે છે. તેમાં બે વિભાગમાં વિજેતા જાહેર કરવામાં આવે છે. 3 સગીર વયના અને 3 વયસ્ક કુલ 6 વિજેતા ઉમેદવારને પ્રમાણ પત્ર સાથે કૃપ મ્યુઝિક સાથે મ્યુઝિક આલ્બમમાં મોકો અપાય છે. 2015ની વિજેતા મુન્દ્રાની આર્ચી મિસ્ત્રીને કમિન્ટમેન્ટ ગુજરાતી ફિલ્મમાં ગાવાનો મોકો આપ્યો હતો. ત્યારબાદ 2016માં અમદાવાદ ખાતે આયોજિત નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપમાં આર્ચીએ ઇનોગ્રેશન વખતે રાષ્ટ્રગીત રજૂ કર્યું હતું. આ વેળાએ દેશના અભિષેક બચ્ચન સહિતના દિગગજો હાજર રહ્યા હતા. હવે ગુજરાતી ચેનલ સાથે રહીને ટૂંક સમયમાં સૂર ગુજરાત કે શો શરૂ કરવામાં આવશે. તેની સાથે હેલ્થ કેમ્પ જેવી સોશિયલ એક્ટિવિટી સાથે પણ ડોક્ટર જોડાયેલા છે.