ગુજરાતી મિજાજ

આપણો મિજાજ, ગુજરાતી મિજાજ

Story

હનુમાન જન્મોત્સવના બાળ કલાકારો દ્વારા અંજાર ગીવ વાચા સેન્ટરનું ઉદ્ઘાટન

હાલમાં હનુમાન જન્મોત્સવના પાવન પ્રસંગે અંજારમાં ગીવ વાચા સેન્ટરનું શુભારંભ શાળા નંબર 14 ખાતે કરવામાં આવ્યું. આ ઉજવણીમાં વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત લોકોએ અને અંજારના બાળ કલાકારોએ હાજરી આપી હતી. સનાતન સંસ્કારોથી બાળકો અને યુવાનોના ચરિત્ર ઘડતર માટે કાર્યરત આ સેન્ટરનું ઉદ્ઘાટન બાળકોને હસ્તે જ કરવામાં આવ્યું. જેમાં વિશ્વના યંગેસ્ટ સીંગર અને એક્ટર પર્વ ઠક્કર, યંગેસ્ટ ચેન્જમેકર વાચા ઠક્કર તથા અન્ય બાળકો સાથે ગીવ વાચાના ટ્રસ્ટીઓ ડૉ. કૃપેશ તથા શ્રીમતી નયનાબેન, કૃપ મ્યુઝીકના ચેર પર્સન ડૉ. પૂજા અને આમંત્રિત અતિથીઓને હસ્તે સંસ્થાના કેન્દ્રસ્થાને રહેલા પંચેશ્વરની છવીનું અનાવરણ કરાયું. કાર્યક્રમની શરૂઆત હનુમાન ચાલીસા પઠન દ્વારા કરવામાં આવી; જેમાં આમંત્રિત સૌ લોકો જોડાયા હતા. ત્યાર બાદ બાળ કલાકારોએ ગૂંજે ગીતા રજુ કરી.

પંચેશ્વર વિષે વાત કરતા ટ્રસ્ટી ડૉ. કૃપેશ ઠક્કરએ કહ્યું કે ‘વર્ષોથી ભગવાનના કલા સ્વરૂપને કેન્દ્રમાં રાખી વિવિધ કલાઓના સમન્વયથી થતી પ્રવૃતિઓને આવરી લેતી આ છબીમાં શ્રી કૃષ્ણના મુરલીધર સ્વરૂપને, નૃત્યના દેવ નટરાજને, વિદ્યાના દેવી માતા સરસ્વતીને, મહાલેખક ભગવાન શ્રી ગણેશને અને સ્વાસ્થ્યના ભગવાન ધન્વન્તરીનો સમાવેશ કરવામાં આવ્યો છે” વધુમાં તેમણે ઉમેર્યું કે આ સેન્ટરમાં દર રવિવારે જન સામાન્ય માટે ‘ગૂંજે ગીતા કેન્દ્ર’ ના માધ્યમથી ગીતાના અધ્યાયોને સંગીતમય રીતે ગાવાની તાલીમ નિ:શુલ્ક આપવામાં આવશે. ‘પર્વ કી પાઠશાલા’ અંતર્ગત ભારતીય તહેવારો વિષેની વિસ્તૃત સમજ સહજ રીતે આપી મુલ્યલક્ષી શિક્ષણ અને સંસ્કૃતિ સંવર્ધનને લગતી પ્રવૃતિઓ કરવામાં આવશે તથા વ્યક્તિત્વ વિકાસ માટે વિવિધ વર્કશોપનું આયોજન પણ કરવામાં આવશે. આ કેન્દ્રમાં જી.એલ.સી.સી. કચ્છના સ્વયંસેવકો વૈશાલીબેન ભટ્ટ, અંજલીબેન સેવક, ડૉ. કૃપાલી પલણ, ડૉ. પૂજા ઠક્કર અને ડૉ. કૃપેશ સેવા આપવા જોડાયા છે.

આ સાથે જ હનુમાન જન્મોત્સવના ભાગ રૂપે ઉપસ્થિત મહેમાનોના હસ્તે પર્વ ફ્યુઝન બેન્ડના ‘હનુમાન મંત્ર’ આલ્બમનું વિમોચન કરવામાં આવ્યું. આ આલ્બમ કૃપ મ્યુઝિક દ્વારા વિશ્વભરમાં વિવિધ પ્લેટફોર્મ પર નિ:શુલ્ક રિલીસ કરવામાં આવ્યું. આ કાર્યક્રમના સફળ સંચાલનમાં જી.એલ.સી.સી. અંજારના સ્વયંસેવકો શ્રી અમૃતભાઈ સ્પંદન, કલરવભાઈ રાઠોડ અને શંકર ગોસ્વામીએ નોંધપાત્ર યોગદાન આપ્યું.