ગુજરાતી મિજાજ

આપણો મિજાજ, ગુજરાતી મિજાજ

MusicStory

મહાશિવરાત્રી નિમિતે પર્વ ફ્યુઝન બેન્ડના ‘ઓમ નમઃ શિવાય’ ગીતનું થયું લોકાર્પણ

હાલમાં જ મહાશિવરાત્રી ના રોજ અંજાર સ્થિત ‘ગિવ વાચા ફાઉન્ડેશન’ દ્વારા મહાશિવરાત્રી પર્વ ની ઉજવણી કરવામાં આવી; જેમાં ભદ્રેશ્વર ચોખંડા મહાદેવ મંદિર ખાતે આમંત્રિત મહાનુભાવોના હસ્તે પર્વ ફ્યુઝન બેન્ડના ‘ઓમ નમઃ શિવાય- ડીજે મિક્ષ’ ભક્તિ ગીતનું લોકાર્પણ થયું.

આ શિવભક્તિનું મહિમા દર્શાવતા ગીતમાં વિશ્વના યંગેસ્ટ સીંગર અને એક્ટર પાંચ વર્ષીય પર્વ ઠક્કર, ધ યંગેસ્ટ ઓથર તથા ધ નોટેશન ગર્લ નામે પ્રખ્યાત દસ વર્ષીય વાચા ઠક્કર તથા ગુજરાતના જાણીતા ગીતકાર, સંગીતકાર અને ગાયક ડૉ. કૃપેશ ઠક્કરએ પોતાની કલાનું યોગદાન આપ્યું. મહાશિવરાત્રી નિમિતે ભદ્રેશ્વર મધ્યે નાળેશ્વર ચોખંડા મહાદેવ મંદિરે ઉજવાયેલ ભવ્ય કાર્યક્રમમાં આ કલાકારોના પર્વ ફ્યુઝન બેન્ડને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ચોખંડા મહાદેવ મંદિર ટ્રસ્ટના પ્રદ્યુમનસિંહ જાડેજા, રસિકભાઈ પરમાર, ભગવાનજી ઠક્કર, ભરતભાઈ ગુપ્તા, જગદીશભાઈ ગણાત્રા, જીતેન્દ્ર ઠક્કર, રમુભા જાડેજા, ભુપેન્દ્રસિંહ જાડેજા, હનુભા જાડેજા, ચતુરસિંહ જાડેજા, કૃપ મ્યુઝીકના ચેર પર્સન ડો. પૂજા ઠક્કર તથા પર્વ ફ્યુઝન બેન્ડના કલાકારોના વરદ હસ્તે આ ભક્તિ ગીતનું વિમોચન કરવામાં આવ્યું. લોકાર્પણ બાદ આ કલાકારો દ્વારા આ ભક્તિ ગીતની રજૂઆત પણ કરવામાં આવી જેને વિશાળ જન-મેદનીએ ઉત્સાહભેર આવકાર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના નામાંકીત મ્યુઝીક રેકોર્ડ લેબલ કૃપ મ્યુઝિક દ્વારા આ ગીતને નિશુલ્ક તેમની યુટ્યુબ ચેનલ તથા વિશ્વભરના ૨૦૦ જેટલા મ્યુઝીક સ્ટ્રીમીંગ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ ગીત વિષે વાત કરતા ડૉ. કૃપેશ ઠક્કરે ઉમેર્યું કે ગિવ વાચા ટ્રસ્ટ દ્વારા વિવિધ તહેવારોને સંગીતના સથવારે ઉજવવાની પરંપરાને આગળ વધારતા આ ભક્તિગીતમાં પણ સનાતન મંત્ર અને રાગબદ્ધ ભારતીય સંગીતને પાશ્ચાત્ય સંગીત સાથે ફ્યુઝન કરી લોકભોગ્ય બનાવવાનો પ્રયાસ કરેલ છે. આ સાથે જ તેમણે આ ગીતના વીડિઓમાં ચોખંડા મહાદેવ મંદિરના નયનરમ્ય દ્રશ્યોને કંડારવાની જાહેરાત પણ કરી હતી.