ગુજરાતી મિજાજ

આપણો મિજાજ, ગુજરાતી મિજાજ

Story

વૈશ્વિક સ્પર્ધા કૃપ ટેલેન્ટ હન્ટનું ગાંધીધામ ખાતે થયું શુભારંભ

ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિકના સંયુક્ત ઉપક્રમે વિશ્વભરના ભારતીયો માટે થનારી ગાયન, વાદન, નૃત્ય, અભિનય, મોડેલિંગ અને વક્તવ્ય માટેની સ્પર્ધાઓના કચ્છ ક્ષેત્રના ઓડિશનનું દયાનંદ આર્ય વૈદિક (ડીએવી) પબ્લિક સ્કૂલ ગાંધીધામ ખાતે પ્રારંભ થયું. જેમાં શાળાના સીઇઓ શ્રીમતી હેતલબેન પરમાર, આચાર્ય શ્રી દિગંતભાઈ ધોળકિયા, ગીતકાર, સંગીતકાર અને ફિલ્મ મેકર ડૉ. કૃપેશ ઠક્કર, કૃપ મ્યુઝિકના ચેર પર્સન ડૉ. પૂજા ઠક્કર તથા ડૉ. રાધાબેન ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.

સૂર ગુજરાત કે, નચ લે, ઓસમ અદાકાર, ધ મેજિકલ મ્યુઝિશિયન, ધ ગ્લોબલ ગુજરાત શૉ, કૃપ ઓપન માઇક તથા સૂર હિન્દુસ્તાન કે ને આવરી લેતી આ સ્પર્ધાઓમાં વિશ્વભરથી લોકો ઓનલાઈન તેમજ પ્રત્યક્ષ રીતે જોડાય છે. ત્યારે ગાંધીધામ ખાતે યોજાયેલ ઓડિશનમાં જુનિયર તેમજ સિનિયર વિભાગમાં કચ્છના વિવિધ શહેરોના સ્પર્ધકો જોડાયા. કાર્યક્રમના પ્રારંભમાં પર્વ ફ્યૂઝન બેન્ડના બાળ કલાકારો પર્વ ઠક્કર અને વાચા ઠક્કર એ પ્રાર્થના રજૂ કરી. આ પ્રસંગે શ્રીમતી હેતલબેન એ સ્પર્ધકોને કહ્યું કે “આપ સૌને કલા અને કૌશલ્યો દેખાડવાની શ્રેષ્ઠ તક અને યાદગાર અનુભવ મળે એ ઉદેશ્ય સાથે શાળાના પ્રાંગણમાં વૈશ્વિક કક્ષાની આ સ્પર્ધાઓના ગાંધીધામ ઓડિશનના સહભાગી બનવાનું અમને આનંદ છે.” તો સ્પર્ધાઓ વિષે વાત કરતાં મેન્ટર અને જજ ડૉ. કૃપેશ એ જણાવ્યું કે “ગિવ વાચા નવોદિત કલાકારોને મંચ આપવા છેલ્લા સાત વર્ષોથી આ સ્પર્ધાઓ કરે છે ત્યારે આ વર્ષે વિવિધ શાળાઓ અને કોલેજો સાથે સંલગ્ન થઈ અમે ગામડાઓ અને શહેરના ખૂણે ખૂણેથી પ્રતિભાશાળી કલાકારો શોધવાનું પ્રયત્ન કરીશું જે માટે ટૂંક સમયમાં જ અન્ય સંસ્થાઓ સાથે પણ ઓડિશનનું આયોજન કરવામાં આવશે.”

સ્પર્ધકોને પ્રોત્સાહન આપતા ડૉ. પૂજાએ ઉમેર્યું કે “અગાઉ પણ આ સ્પર્ધાના વિજેતાઓને કૃપ મ્યુઝિક દ્વારા ફિલ્મો અને મ્યુઝિક વિડિયોમાં ઝળહળવાની તક મળી હતી. આ વખતે પણ વિજેતાઓને સુવર્ણ અવસર આપવામાં આવશે.” કૃપ અકાદમી દ્વારા સ્પર્ધકોને કલા ક્ષેત્રમાં કારકિર્દી માર્ગદર્શન માટે નિ:શુલ્ક તાલીમ આપવામાં આવી.

કાર્યક્રમનું સંચાલન અંજલી સેવક દ્વારા કરવામાં આવ્યું તથા શાળાના શિક્ષકોએ વ્યવસ્થાપનમાં યોગદાન આપ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધાઓમાં અમેરીકા અને કેનેડાના ગુજરાતી સ્પર્ધકો પણ વિજેતા રહી ચૂક્યા છે.