ગુજરાતી મિજાજ

આપણો મિજાજ, ગુજરાતી મિજાજ

MusicStory

છ વર્ષીય કચ્છી બાળકનાં દેશભક્તિનાં ગીતોનું લોકાર્પણ

૭૬મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગ રૂપે અંજારના છ વર્ષીય પર્વ ઠક્કરના દેશભક્તિ ગીતોના આલ્બમ લવ યુ ભારતનું ગાંધીનગર ખાતે ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને હસ્તે લોકાર્પણ થયું.

આઝાદીના આ ઉત્સવને સંગીત સાથે ઊજવતાં આ આલ્બમમાં બાળગાયક અને અભિનેતા પર્વ ઠક્કરના સાત ગીતોનો સમાવેશ થાય છે. જેમાં જન ગણ મન, ઐ વતન, વંદે માતરમ, હૈ નમન, શહીદો કો સલામ તેમજ જન ગણ મન નૉટેશનમાં તેની ઉત્તમ ગાયકી અને અદાકારી જોવા મળે છે. આ આલ્બમ ગીતકાર, સંગીતકાર અને ગાયક ડો. કૃપેશ ઠક્કરના નેતૃત્વ હેઠળ તૈયાર થયું છે જેમાં દસ વર્ષીય વાચા ઠક્કરએ પણ કંઠ આપ્યો છે. આ બંને કલાકારોએ રાષ્ટ્રગીતને સૂરોમાં લયબદ્ધ રીતે ગાઈ નૉટેશન સ્વરૂપે રજૂ કરી વિક્રમ સર્જ્યો છે. પર્વ ફ્યૂઝન બેન્ડના આ ગીતો વૈશ્વિક સ્તરે બસ્સોથી પણ વધુ પ્લેટફોર્મ પર કૃપ મ્યુઝિક દ્વારા વિનામૂલ્યે રજૂ કરવામાં આવ્યા હતા.

છેલ્લા ચાર વર્ષોથી સતત પ્રગતિ કરતો આ બાળકલાકાર જ્યારે મંત્રીની મુલાકાતે પહોંચ્યો ત્યારે તેની સફળ કારકિર્દી અને કલા થકી ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ અભિયાનમાં તેના યોગદાન માટે હર્ષભાઈએ ખૂબ સરાહના કરી અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપી હતી. ગીતના વિડીયો વિશે વાત કરતાં દિગ્દર્શક ડો. કૃપેશએ જણાવ્યું કે આ દેશભક્તિ ગીતોનું ફિલ્માંકન કચ્છના વિવિધ નયનરમ્ય સ્થળો એ કરવામાં આવ્યું છે, આ ગીતો થકી આવનારી પેઢીમાં દેશભક્તિના સંસ્કારોનું સિંચન થાય એ જ અમારો ઉદેશ્ય છે. અત્રે ઉલ્લેખનીય છે કે પર્વ ઠક્કર પોતાના બેન્ડ સાથે આ દેશભક્તિ ગીતો લઈને આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે વિવિધ શહેરોમાં ગિવ વાચા ફાઉન્ડેશન અંતર્ગત કાર્યક્રમોમાં નિઃશુલ્ક પર્ફૉર્મ કરે છે.