ગુજરાતી મિજાજ

આપણો મિજાજ, ગુજરાતી મિજાજ

LiteratureMusicStory

વિશ્વના સૌથી મોટા કચ્છી લિટરેચર એન્ડ મ્યુઝિક ફેસ્ટિવલ ‘કચ્છી મિજાજ’ની થઈ જાહેરાત

‘પાંજો મિજાજ, કચ્છી મિજાજ’ ના ભાવ સાથે કચ્છના વરિષ્ઠ સાહિત્યકારો જોડાયા.

ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝીક દ્વારા સંચાલિત ગ્લોબલ લીટરેચર એન્ડ કલ્ચરલ ક્લબએ કચ્છના સૌથી મોટા કચ્છી લીટરેચર એન્ડ મ્યુઝિક ફેસ્ટીવલ ‘કચ્છી મિજાજ: કચ્છી સાહિત્ય પર્વ’ ના આયોજન કરવાની જાહેરાત કરી. જેમાં કચ્છના જાણીતા સાહિત્યકારો, કલાકારો અને યુવા સર્જકો તેમજ વિવિધ સંસ્થાઓ જોડાઈ કચ્છની ધરા અને કચ્છી મિજાજને સાહિત્ય અને કલા થકી વૈશ્વીક સ્તરે ઉજાગર કરશે.

હાલમાં જ્યારે આ સંસ્થાઓએ કચ્છી સાહિત્યને વિશ્વફલક પર રોશન કરવાનો સંકલ્પ લીધો છે ત્યારે આ ભવ્ય કાર્યક્રમના આયોજન માટેની પ્રથમ બેઠકનું ભુજ ખાતે આયોજન થયું જેમાં કચ્છના વરિષ્ઠ સાહિત્યકારો હાજર રહ્યા અને ફેસ્ટીવલ ડાયરેક્ટર ડૉ. કૃપેશ ઠક્કર એ આ પર્વ માટે આપેલા ‘પાંજો મિજાજ, કચ્છી મિજાજ’ સૂત્રને હ્રદયસ્થ કરી સાહિત્ય, સંગીત, કલા અને શિક્ષણ થકી પોતાનું યોગદાન આપવા ઉત્સાહ દાખવ્યો. ડો. કૃપેશ અને ડૉ. પૂજા ઠક્કરના આ અભિયાનને કચ્છ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ ડો. કાંતિ ગોર, વરિષ્ઠ સાહિત્યકાર શ્રી મદનકુમાર અંજારિયા, જાણીતા સાહિત્યકાર શ્રી કૃષ્ણકાંત ભાટિયા અને ડૉ. રમેશ ભટ્ટ તથા સાહિત્યક્ષેત્રે સક્રિય કચ્છના નારીરત્નો એવા શ્રીમતી રમિલાબેન મહેતા, પુષ્પાબેન વૈદ્ય અને અરુણાબેન ઠક્કર એ ઉષ્માભેર આવકાર્યું.

આ પ્રસંગે ડૉ. કૃપેશ એ કહ્યું કે “આ લીટરેચરએન્ડ મ્યુઝિક ફેસ્ટીવલમાં સાહિત્યકારો અને કલાકારોને પોતાના સાહિત્યને અધ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી વૈશ્વિક સ્તરે ઉજાગર કરવાની દિશા મળી રહે એવો પ્રયાસ રહેશે. આ ભગીરથ કાર્યમાં જોડાવા સૌ કચ્છી સાહિત્યકારો, કલાકારો, યુવા સર્જકો, શાળા-કોલેજો અને સંસ્થાઓને આમંત્રણ આપું છું. આ સાથે જ વિશ્વના વિવિધ દેશોમાં વસતાં કચ્છી લોકોને પણ આ કાર્યમાં સાંકળી લેવામાં આવ્યા છે જે ‘પાંજો મિજાજ, કચ્છી મિજાજ’ ના સૂત્રને સાર્થક કરશે.”

આ સંદર્ભે વાત કરતાં ડો. કાંતિ ગોર એ કહ્યું કે “આજના ડિજિટલ યુગમાં કચ્છી સાહિત્ય અને કચ્છી સહિત્યકારો બંને ડિજિટલી અપગ્રેડ થઈ વૈશ્વિક સ્તરે પ્રદર્શન કરવા જઇ રહ્યા છે તે સરાહનીય છે.” તો ડૉ. પૂજા એ ઉમેર્યું કે“આ ફેસ્ટીવલ અંતર્ગત કચ્છીયતને આવરી લેતા ઘણાં પુસ્તકો સંકલિત કરીને કૃપ પબ્લિશિંગ દ્વારા વૈશ્વિક સ્તરે પ્રકાશિત કરવામાં આવશે.” શ્રી મદનકુમાર એ ઉમેર્યું કે ‘આ સાહિત્ય સંગીત પર્વ એ સર્વ માટે છે જેમાં સૌ કોઈ જોડાઈ પોતાનું કચ્છી મિજાજ સાર્થક કરે એ જ ભાવના છે.” સંસ્થાના ટ્રસ્ટીશ્રી ડૉ. શશીકાંત ઠક્કર કહ્યું કે ‘કૃપ લીટરેચર ફેસ્ટીવલ’ તેમજ ‘કૃપ મ્યુઝિક ફેસ્ટીવલ’ અંતર્ગત થનારું આ પ્રથમ ચરણ છે. એવા જ અન્ય ભાષાઓના સાહિત્ય પર્વોનું આયોજન પણ આગામી સમયમાં કરવામાં આવશે.” આ પર્વના દ્રષ્ટા શ્રીમતી નયનાબેન ઠક્કર એ જણાવ્યું કે “કચ્છી સાહિત્ય અને સંગીત પર્વમાં માતૃભાષા અને માતૃભૂમિ માટે કાર્ય કરતાં સૌ પોતાના માતા-પિતાના નામ સાથે જોડાઈ આ પહેલને વધુ મૂલ્યવાન બનાવશે.”