ગુજરાતી મિજાજ

આપણો મિજાજ, ગુજરાતી મિજાજ

BlogLiterature

‘ચલો રામ બને’ ના ભાવથી બાળકોએ કરી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાની અનેરી ઉજવણી

વિશ્વભરમાં જ્યારે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની અનેકવિધ રીતે ઉજવણી થઈ ત્યારે હાલમાં અંજારના ગિવ વાચા ફાઉન્ડેશન દ્વારા ‘ચલો રામ બને’ કાર્યક્રમ ઉજવવામાં આવ્યું. જેમાં સંસ્થામાં તાલીમ લઈ રહેલા બાળકોએ પ્રાર્થના અને રામ ભજન પ્રસ્તુત કરી પ્રસંગની શરૂઆત કરી ત્યાર બાદ સૌ બાળ રામભક્તોને હસ્તે લેખક ડૉ. કૃપેશ ઠક્કરના પુસ્તક ‘અર્જુન ઉવાચઃ ચલો રામ બને’ ના મુખપૃષ્ઠનું લોકર્પણ થયું. વ્યક્તિત્વ અને ચારિત્ર્ય ઘડતર થકી ‘રામ’ બનવાની આ પુસ્તકની વિચારધારાને પ્રદર્શિત કરતાં બાળકોએ  રામાયણના વિવિધ પાત્રોની વેશભૂષા ધારણ કરી પ્રભુ રામના પ્રસંગોને જીવંત કર્યા. બાળકોમાં રામના ગુણો અને સમર્પણને સૌ આમંત્રિત મહેમાનોએ ભાવવિભોર થઈ આવકાર્યા હતાં.

આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટીશ્રી ડૉ. શશીકાંત ઠક્કરએ કહ્યું કે “સમગ્ર ભારતવર્ષ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું ઉત્સવ ઉજવી રહ્યું છે ત્યારે આજની પેઢી રામ બનીને સૌને પ્રેરણા આપતી હોય તે ગૌરવ લેવા જેવી વાત છે. આ બાળકોએ રામ બનીને કળિયુગમાં પણ સતયુગના દર્શન કરાવ્યા છે.” તો પુસ્તક વિશે વાત કરતાં લેખક ડૉ. કૃપેશએ જણાવ્યું કે “અર્જુન ઉવાચઃ ચલો રામ બને” પુસ્તકમાં ત્રેતાયુગ અને કળિયુગના સમન્વય સાથે રામ બનવાના જે આદર્શો રજૂ થયા છે એનું પ્રતિબિંબ આ કાર્યક્રમમાં જોવા મળ્યું. આ પુસ્તકમાં ભગવાન રામનું વ્યક્તિત્વ અને જીવનદર્શનને સરળ શબ્દોમાં વ્યક્ત કરવામાં આવ્યું છે જે બાળકો, યુવાનો તેમજ દરેક વયના વાચકો માટે પ્રેરક બની રહેશે.”

અત્રે ઉલ્લેખનીય છે કે કાર્યક્રમના અંતે માતાઓએ રામચરિત માનસની ચોપાઈ સાથે સુંદર નૃત્ય રજૂ કરી કાર્યક્રમને પૂર્ણાહુતિ આપી હતી.