ગુજરાતી મિજાજ

આપણો મિજાજ, ગુજરાતી મિજાજ

Story

ગુજરાતનું ગૌરવ: કચ્છનો માત્ર 4 વર્ષનો પર્વ વૈશ્વિક ક્લબફૂટ અવેરનેસ પર્વ પ્રોજેક્ટનો ભારતનો પ્રતિનિધિ બન્યો

વિશ્વ કક્ષાએ 15 ગીતોનો ખાસ આલ્બમ રજૂ : હંગામા મ્યુઝિકે રાઇસિંગ સ્ટાર ઓફ ઇન્ડિયાનું બિરૂદ આપ્યું

3જી જૂન વર્લ્ડ ક્લબફૂટ ડે તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. આ વિશેષ દિવસે, અંજારની સંસ્થા દ્વારા વૈશ્વિક ક્લબફૂટ અવેરનેસ પર્વની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં એશિયાનો યંગેસ્ટ સિંગર અને એક્ટર અંજારનો માત્ર 4 વર્ષનો પર્વ નામનો બાળક આ પ્રોજેક્ટનો ભારતનો પ્રતિનિધિ બન્યો છે.

15 ગીતોમાં પોતાની કળા બતાવી

ગિવ વાચા ફાઉન્ડેશન “વૈશ્વિક ક્લબફૂટ અવેરનેસ પર્વ” પ્રોજેક્ટ દ્વારા ક્લબફૂટ તકલીફ સાથે જન્મેલા બાળકોને સચોટ અને સમયસર માર્ગદર્શન પૂરું પાડશે, જેમાં વૈશ્વિક કક્ષાના ડોક્ટરો પણ પોતાનું યોગદાન આપવા આગળ આવી રહ્યા છે. ત્યારે આ પ્રોજેક્ટના ભારતના પ્રતિનિધિ તરીકે અંજારનો માત્ર 4 વર્ષનો બાળક પર્વ કૃપેશ ઠક્કરની નિમણૂક કરવામાં આવી છે. આ બાળક ક્લબફૂટની તકલીફ સાથે જન્મેલો હતો. તેની સમયસર સારવાર થવાથી તે સંપૂર્ણ ઠીક થયો હતો. આ ઉપરાંત તેણે સંસ્થાના વિવિધ પ્રોજેક્ટ માટેના 15 જેટલા ગીતોમાં પોતાની કળાનું દાન આપ્યું છે. જેથી હંગામા મ્યુઝિકએ તેને “રાઈસિંગ સ્ટાર ઓફ ઈન્ડિયા”નું બિરુદ આપી તેના 15 ગીતોનો ખાસ આલ્બમ આ પ્રસંગે વિશ્વ કક્ષાએ રજૂ કર્યો હતો.

દર વર્ષે 5 બાળકોની સારવારનો ખર્ચ લેવાની તૈયારી

આ અંગે સંસ્થાના ટ્રસ્ટી ડૉ. શશિકાંત ઠક્કરએ માહિતી આપી હતી કે, આ પ્રોજેક્ટમાં ક્લબફૂટની સારવારના નિષ્ણાંત અમદાવાદના ડૉ. કમલેશ દેવમુરારી, ડૉ. પૂજા ઠક્કર, ડૉ. કૃપેશ ઠક્કર તેમજ નયનાબેન ઠક્કર અને ડૉ. પ્રકૃતિ દેવમુરારી પોતાની સેવા આપશે. આ સાથે જ ગુજરાતની જણાતી મ્યુઝિક કંપની કૃપ મ્યુઝિક તેમજ ઈઝી આઈ ડી કંપનીએ દર વર્ષે 5 બાળકોના સારવારનો ખર્ચ લેવાની તૈયારી દર્શાવી છે.

નવજાત બાળકોમાં જોવા મળતી શુ છે ક્લબફૂટ બીમારી?

ક્લબફૂટએ નવજાત શિશુમાં થતી પગની ખામી છે. આ બીમારી સાથે બાળક જન્મે ત્યારે તેના પગ અંદરની તરફ વળેલા હોય છે. જો સમયસર આવા બાળકની સારવાર ના કરવામાં આવે તો ખોડખાંપણ કાયમી થઈ જાય છે અને બાળક આખી જિંદગી સરખી રીતે ચાલી નથી શકતું. પરંતુ જો યોગ્ય અને સમયસર સારવાર મળે તો બાળક સંપૂર્ણપણે સ્વસ્થ થઈ શકે છે. ભારતમાં દર 1000 બાળકોએ 3 થી 4 બાળકો આ ખામી સાથે જન્મે છે. ત્યારે સમાજમાં આ રોગ વિષેની સમજણના અભાવે મોટા ભાગના માતા પિતા સારવાર મોડી શરૂ કરે છે જેથી બાળકને સંપૂર્ણ ઠીક થવામાં વધુ સમય લાગે છે અથવા તો થોડી ખોટ સાથે જીવન જીવવું પડે છે.