ગુજરાતી મિજાજ

આપણો મિજાજ, ગુજરાતી મિજાજ

MusicStory

ગુજરાતના યુવા ડોકટરના નવા ઓડિયો આલ્બમ ‘ક્યાં છે કાનો? અંતરયાત્રા’ ની ભવ્ય રજુઆત

ગુજરાતના યુવા કલાકાર-ડો. કૃપેશ ઠક્કર કે જેઓએ જામનગરથી ડોક્ટરની ડિગ્રી મેળવી હતી. અને પછી યુએસએ જઇને માસ્ટર ડિગ્રી મેળવીને રીસર્ચના ક્ષેત્રે પ્રેક્ટીસ કરી હતી, પરંતુ તેઓના મનમાં રહેલી સંગીત પ્રત્યેની લાગણી છુપી શકી નહીં, તેથી તેઓ ત્યાંથી રાજીનામું આપી ભારત પરત ફર્યા અને પોતાના મનમાં રહેલી સંગીતની લાગણીને એક ઓડિયો આલ્બમ “ક્યાં છે કાનો ? અંતરયાત્રા” થકી લોકો સમક્ષ રજુ કરી.

ક્યાં છે કાનો? અંતરયાત્રા આલ્બમની રજુઆત (લોકાર્પણ) ડો. કૃપેશ ઠક્કરના માતા પિતાના હસ્તે કરવામાં આવી. ડો. કૃપેશ ઠક્કરના પ્રથમ આલ્બમ ક્યાં છે કાનો? અંતરયાત્રા ની અમદાવાદના એએમએ (અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન) ખાતે ભવ્ય રજુઆત કરવામાં આવી. આ આલ્બમમાં કુલ ૭ ગીતો છે. જેમાં ૪ ભાષા – ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજીનો સમાવેશ છે. ડો. કૃપેશ ઠક્કરને આ આલ્બમ માટેની પ્રેરણા શ્રીમદ્ ભાગવત ગીતામાંના શ્રી કૃષ્ણ અને શ્રી અર્જુન વચ્ચેના સંવાદમાંથી મળી છે. આ સાથે ડો. કૃપેશ ઠક્કરે પોતાની મ્યુઝિક કંપની કૃપ મ્યુઝિકની પણ જાહેરાત કરી હતી. જેનું આ પ્રથમ આલ્બમ છે.

આ પ્રસંગે ડો. કૃપેશ ઠક્કરે જણાવ્યું હતું કે, “હું મારા પ્રથમ આલ્બમની રજુઆતથી ઘણો ખુશ છું, આ આલ્બમની પ્રેરણા મને શ્રીમદ્‌ ભાગવત ગીતાના શ્રી કૃષ્ણ અને શ્રી અર્જુનના સંવાદમાંથી મળી છે. આ આલ્બમના તમામ ગીતોમાં ભગવાનની શોધથી લઇને તેમને પામવા સુધીની અંતરયાત્રા અને ત્યારબાદ આવનારી પેઢીને થતાં પ્રશ્નોને સરળ શબ્દોમાં સમજાવવાનો પ્રયાસ કર્યો છે. આ આલ્બમમાં કુલ ૭ ગીતોમાં ૪ ભાષા ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજીને આવરી લેવામાં આવી છે. આ સાથે જ હું મારી પોતાની મ્યુઝિક કંપની લોન્ચ કરી રહ્યો છું અને આવનાર સમયમાં ગુજરાતમાં સિંગિગ કોમ્પિટિશન યોજી, તેમાંથી ૭ સિંગરને લઇને વધુ એક આલ્બમની રજુઆત કરવાનો અમારો વિચાર છે, સાથે સાથે ઉભરતા કવિની ગીત/ગઝલનો પણ સમાવેશ કરવામાં આવશે.”