ગુજરાતી મિજાજ

આપણો મિજાજ, ગુજરાતી મિજાજ

LiteratureStory

છ વર્ષીય પર્વ ઠક્કરએ સનાતન એક્ટીવિટી પુસ્તક દ્વારા સાહિત્ય ક્ષેત્રે કર્યું પદાર્પણ

સાંસદ સભ્ય શ્રી વિનોદભાઇ ચાવડાને હસ્તે થયું વિમોચન

કચ્છ–અંજારના બાળ કલાકાર પર્વ ઠક્કર એ સાહિત્ય ક્ષેત્રે પદાર્પણ કરી ભારતીય સંસ્કૃતિને પ્રદર્શિત કરતું પોતાનું પ્રથમ પુસ્તક ‘પર્વ કી પાઠશાલા- સનાતન એક્ટિવિટી બુક પાર્ટ ૧’ પ્રકાશિત કર્યું. જેનું કચ્છના લોકલાડીલા સાંસદસભ્ય શ્રી વિનોદભાઇ ચાવડાને હસ્તે ભુજ ખાતે લોકાર્પણ થયું. ગાયક અને અદાકાર તરીકેની કારકિર્દી ઉપરાંત કલા ક્ષેત્રે વધુ એક સોપાન સર કરવા બદલ શ્રી વિનોદભાઇએ પર્વ ઠક્કરને પ્રશસ્તિ પત્ર આપી પ્રોત્સાહિત કર્યું તો અંજાર શહેર વતી ધારાસભ્ય શ્રી ત્રિકામભાઈ છાંગાએ પણ શુભકામનાઓ પાઠવી અને આશીર્વાદ આપ્યા.

બીજા ધોરણમાં અભ્યાસ કરતાં પર્વ દ્વારા રચિત બાળકો માટેનું આ પુસ્તક સનાતન સંસ્કૃતિના રોચક કોયડાઓથી ભરપૂર છે. આઝાદી અજ્ઞાનતા સે મુહિમ અંતર્ગત આ પુસ્તકને પર્વ એ જનસેવા અર્થે ગિવ વાચા ફાઉન્ડેશનને સમર્પિત કરી ગ્લોબલ કલબફૂટ અવેરનેસ પર્વ પ્રોજેક્ટને ટેકો આપવા સમાજસેવાની પ્રવૃતિમાં સાહિત્ય થકી યોગદાન આપ્યું છે. આ પ્રસંગે ગીતકાર, સંગીતકાર ડૉ. કૃપેશ એ કહ્યું કે “વય નહીં પરંતુ વ્યક્તિત્વ મોટું હોવું જોઈએ. સિંગર અને એક્ટર હોવાની સાથે હવે જ્યારે પર્વ યંગેસ્ટ ઓથર બન્યો છે તેમજ આટલી નાની ઉમરે પોતાની કલા થકી સમાજ સેવા અને સંસ્કૃતિનું જતન કરી તે સનાતની હોવાની ફરજ બજાવે છે ત્યારે પિતા તરીકે ગર્વ થાય છે.” આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી શ્રીમતી નયનાબેન એ કહ્યું કે “શબ્દવંદના અંતર્ગત લેખકો જ્યારે પોતાના પુસ્તકની આવક સંસ્થાને સમર્પિત કરી સેવાના સહભાગી બની શકે છે ત્યારે બાળ પર્વનું આ કર્મયોગ અન્ય લેખકો માટે પ્રેરણારૂપ બનશે.” અત્રે ઉલ્લેખનીય છે કે આ પુસ્તકના વિમોચન સાથે પર્વ ઠક્કર ભારતના સૌથી નાની ઉમરના લેખક તરીકે પ્રસ્થાપિત થયો.