ગુજરાતી મિજાજ

આપણો મિજાજ, ગુજરાતી મિજાજ

Story

મા પર્વમાં દેવી સ્વરૂપ વૃદ્ધાશ્રમની માતાઓનું થયું પૂજન

અંજારની સંસ્થા ગિવ વાચા ફાઉન્ડેશન, કૃપ મ્યુઝીક તથા ઇઝી આઈ.ડી. ના સંયુક્ત ઉપક્રમે ‘મા પર્વ’ નિમિતે માધાપરના શ્રીહરિ શાંતિનિકેતન વયસ્ક વિશ્રામ સ્થાન ખાતે દેવી પૂજાનું આયોજન થયું. જેમાં પર્વ ફ્યુઝન બેન્ડના કલાકારો ડૉ. કૃપેશ નયના શશીકાંત, ડૉ. પૂજા ઠક્કર, પર્વ ઠક્કર અને વાચા ઠક્કર એ ‘યા દેવી સર્વભુતે’ ના ભાવથી દેવી સ્વરૂપ વૃદ્ધ માતાઓનું પૂજન કર્યું અને આશીર્વાદ મેળવ્યા તથા ગૂંજે ગીતા પ્રસ્તુત કરી જેમાં ગીતા પઠન માટે પચાસ થી પણ વધુ વડિલો જોડાયા.

આ કાર્યક્રમમાં લેખક ડૉ. કૃપેશના  પુસ્તક ‘અર્જુન ઉવાચ : મા પર્વ’ ના મુખ પૃષ્ઠનું લોકાર્પણ વૃદ્ધ માતાઓના વરદ હસ્તે થયું. આ પ્રસંગે વરિષ્ઠ સાહિત્યકાર ડૉ. રમેશ ભટ્ટ, આશાપુરા ફાઉન્ડેશન વતી રાગીણીબેન વ્યાસ અને હસ્મીતાબેન ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. દેવી પુજાના હૃદયસ્પર્શી આયોજનમાં માતાઓએ પોતાના અનુભવને વ્યક્ત કરતા કહ્યું કે “આજના સમયમાં સંયુક્ત કુટુંબનું આદર્શ પૂરું પાડતું આ પરિવાર જયારે અમારું પૂજન કરી આ સંસ્કારોને જીવંત રાખતું હોય ત્યારે સૌ કોઈએ પ્રેરણા લેવી જોઈએ. એક માતા પિતાની ફરજ બને છે કે બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય જેથી ભવિષ્યમાં અમારી જેમ કોઈને નિસહાય ના રહેવું પડે. ખાસ કરીને આ બંને બાળકો કે જે માતૃ પૂજા કરી રહ્યા છે તેમના થી આજની પેઢીને શીખ લેવી જોઈએ.” તો આ પ્રસંગે વક્તવ્ય આપતાં ડૉ. કૃપેશ એ કહ્યું કે “મા પર્વ માં અમે સૌ મારા આગામી પુસ્તક ‘અર્જુન ઉવાચ:મા પર્વ’ માં સૂચિત સનાતન ધર્મ અનુસાર માતાના અગિયાર સ્વરૂપો પ્રત્યે કૃતજ્ઞતા અર્પિત કરવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છીએ ત્યારે દેવી સ્વરૂપ માતાઓના આશીર્વાદ લઇ અને કચ્છમાં નવ જેટલા ગુંજે ગીતા કેન્દ્રો શરુ કરવાની અભિલાષા છે. કે જેથી આવનરી પેઢીમાં પોતાના માતા પિતા પ્રત્યેના કૃતજ્ઞતાના ભાવને જીવંત રાખી શકાય.” સંસ્થાનો આ સંકલ્પ પૂર્ણ થાય એટલે વડીલોએ આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવી.