ગુજરાતી મિજાજ

આપણો મિજાજ, ગુજરાતી મિજાજ

SpotlightStoryગુજરાતી મિજાજ વિશેષ

વિશ્વસ્તરે માતૃભૂમિનું પ્રતિનિધિત્વ કરતા ડો. પૂજા ઠક્કર

ખાસ વ્યક્તિઓ…ખાસ દિવસ! એક વ્યક્તિ, એક સાથે કેટલા પાત્ર નિભાવતી હોય છે! એમાં પણ સ્ત્રી, અદ્ભૂત શક્તિઓની સ્વામિની છે. આજે આપણે આયુર્વેદ વિશેષજ્ઞ ડો. પૂજા કૃપેશ ઠક્કરની વિવિધ ક્ષેત્રે કામગીરી અને સફળતાની વાત કરીશું. અભ્યાસમાં તેજસ્વી બુદ્ધિમત્તા સાથે હંમેશા ઉચ્ચ પરિણામ મેળવ્યું છે. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીથી બી. એ. એમ. એસ.ની ડીગ્રી મેળવી, પંદર વર્ષથી આયુર્વેદીક ડોક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. મહિલાલક્ષી રોગોમાં ઉપચાર માટે આયુર્વેદના એમના પ્રયોગો સફળ રહ્યા છે.

એક મહિલા તબીબ, શ્રેષ્ઠ માતા અને શ્રેષ્ઠ બાળક માટે પ્રયત્ન કરે, એ દિશામાં સ્તુત્ય કામગીરી કરે, સમાજ માટે એથી રૂડું શું? ઘર અને પરિવારની કુનેહપૂર્વક સંભાળ લેવાની સાથે, ભારતીય સંસ્કૃતિ, તત્વજ્ઞાન અને આયુર્વેદનાં સમન્વય સાથેના ગર્ભસંસ્કાર કેન્દ્ર, જેમાં માતા પિતાને ગર્ભ સંસ્કાર નું મહત્વ, તેના તબક્કાઓ, અને સંસ્કાર શિક્ષણ તેમજ વ્યક્તિત્વ ઘડતર માટેની તાલીમ આપે છે વિવિધ કાર્યક્રમો અને સેમિનાર થકી તેઓ ગર્ભ સંસ્કારની જાગૃતિ અને ‘ગૂંજે ગીતા’ જનમાનસ સુધી પહોંચાડે છે.

‘આપ મક્કમતાથી આગળ વધી રહ્યા છો, શ્રેય કોઈને આપશો?’ ‘શ્વસૂર, પિયર તો ખરા જ, સ્નેહી સ્વજન પણ ખરા, પરંતુ, ડો.કૃપેશ, મારા પતિને આપીશ. કારણ કે એમનો સાથ, હિંમત, સહકાર, ઈશ્વર તરફની અતૂટ શ્રદ્ધા, અને દરેક રીતે સહયોગી વૃત્તિ, આ બહુ ભાગ્યથી મળતું હોય છે, માટે હું જે કંઈ છું, અથવા જે કંઈ કરી રહી છું, એના સહભાગી મારા પતિ છે.’ લગ્ન પછી બે વખત રિજેક્ટ થયા બાદ, ત્રીજી વખત વિઝા મળ્યા. ત્યારે પૂજાબેન લેવા પટેલ હોસ્પિટલમાં સર્જરી વિભાગમાં ફરજ બજાવતા  હતા. અઠવાડિયા પહેલાં રૂટિન ચેક અપ માટે ગયા તો એમના પેટમાં ૨૦×૨૨ની ગાંઠ!એ તબક્કે તબીબ પતિએ અમેરિકાની મળેલી નોકરીને ભાગ્ય પર છોડી, પત્ની સાથે રહેવાનો નિર્ણય લીધો. આવા ત્યાગ અને કાળજી દામ્પત્યને ઉજળું બનાવે છે.

આવા દંપતિ પોતાના બાળકો માટે કોઈ રીતે કચાશ રાખે ખરા? ગર્ભ સંસ્કાર સાથે ચીવટ પૂર્વક સંસ્કૃતિ અને સંસ્કારો સિંચાયા હોય,એ બાળકોનું કૌશલ્ય ઝળહળી ઉઠે છે. બસ, એવું જ કંઈક એમના પુત્ર પર્વ, કે જે વિશ્વનું યંગેસ્ટ સિંગર અને એક્ટર તરીકે ભવ્ય કારકિર્દી પામ્યો છે. તો દીકરી વાચા,  સફળ ગાયિકા હોવાની સાથે સૌથી નાની વયની લેખિકા બની છે. આમાં પૂજાબેન આપણા બધાના સલામના હકદાર બને જ છે. અમેરિકામાં સ્થાયી થવાનો વખત આવ્યો ત્યારે એ લોકોએ દેશમાં આવવાનો નિર્ણય લીધો! અહીં ખુમારી, વતનપ્રેમ…. જે હોય તે  પરદેશની ઝાકઝમાળની માયા ત્યાગવી, એ નિર્ણય જ વંદનીય છે.

બધું જ કેટલું સરસ કેટલું અદભુત લાગી રહ્યું છે! પરંતુ શું, જિંદગીની ગાડી આટલી આસાનીથી ચાલે ખરી? કદી જ નહીં! કોઈની નહીં! જ્યારે એમને પાંચ મહિનાનો ગર્ભ હતો ત્યારે એમને ખબર પડે કે એમના પર્વને કૈંક તકલીફ છે, ત્યારે ભીતર હલચલ થવી સ્વાભાવિક છે. ‘એના જન્મ પછી અઠવાડિયું રહીને હોસ્પિટલ લઈ ગયા, ત્યારે ત્યાં ગીર્દી જોઈને હેબતાઈ ગયા’ ક્લબ ફૂટની બીમારી છે, એ સાંભળીને કોણ હતાશ ન થઈ જાય? પરંતુ, ‘એ જ ઈશ્વર પરની શ્રદ્ધા સતત ચમત્કાર બતાવી જ રહી છે.’ એ લોકો નિરાશામાં જવાને બદલે ઈશ્વર જે કરે એ સારું, એ સમજીને આગળ વધી ગયા.  ત્યારે હરખથી પૂજા બહેન કહે છે કે, ‘એ એક વર્ષ અને 11 મહિનાનો હતો ત્યારે તેનો પહેલો આલ્બમ આવ્યો’ છે ને હકારાત્મક વિચારસરણીનું અદ્ભૂત પરિણામ!

ડૉ. પૂજા ૨૦૧૪થી ‘કૃપ મ્યુઝિક થેરાપી ક્લિનિક એન્ડ રિસર્ચ સેન્ટર અંતર્ગત એમના પતિ ડો. કૃપેશ સાથે મ્યુઝિક થેરાપીસ્ટ તરીકે કાર્યરત છે. માનસિક સ્વસ્થતા અને સંતુલિતતા અત્યારના સમયની તાતી જરૂરિયાત છે. અને મોબાઈલની લત લાગે તો? કેમ છોડવી? આવી તો અનેક માનસિક તકલીફો,  ગુસ્સાથી માંડીને મેનોપોઝ સુધીના, બદલતા, બગડતા, મૂડ માટે, ક્લબ ફૂટની સફળ સારવાર માટે, પુત્ર પર્વના વ્યક્તિત્વ ઘડતરમાં એમની સફળ ભૂમિકા જોઈ શકાય છે.

આપણને જાણીને આશ્ચર્ય થાય, પરંતુ બહુવિધ પ્રતિભાના ધની  એવા ડોક્ટર પૂજા ગાયિકા છે, સાથે તેઓ અભિનય પણ કરે છે. ‘પર્વ ફ્યુઝન બેન્ડ’ ના કલાકારો, પર્વ, વાચા અને ડોક્ટર કૃપેશ સાથે મળીને સ્વર આપે છે. જે વૈશ્વિક સ્તરે સાવન, ગાના, હંગામા, જેવા પ્લેટફોર્મ પર લોન્ચ થયા છે. તો તેમના લવ યુ મા, તું છે ઓ મા, શ્રી રામ ભજનમાં અભિનય, આ ઉપરાંત પર્વ  ફ્યુઝન બેન્ડના વૈશ્વિક પ્રોજેક્ટ, ‘ગૂંજે ગીતા’માં ગાયિકા તરીકે પણ તેઓ પરફોર્મન્સ આપે છે. ‘જે પણ કહીશ તે સાચું જ કહીશ’ પ્રોડ્યુસર તરીકે એમણે બનાવેલી ફિલ્મને ઘણા એવોર્ડ મળ્યા છે. આ ક્ષેત્રની પ્રતિયોગિતામાં આયોજન અને સંચાલનની પાયાની ભૂમિકા ભજવે છે.

તેઓ એક અદભુત ચેન્જ મેકર છે. પાશ્ચાત્ય સંસ્કૃતિના ઉજવાતા વેલેન્ટાઇન્સ ડે, સંસ્કૃતિ સાથે જોડી, પર્વની મહત્તા, ગરિમા, સાચવી લે છે. જ્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિ આપણા સમસ્ત જનમાનસ પર આક્રમણ કરી જ ચૂકી છે ત્યારે, ‘ડે’ને આપણે અટકાવી નથી શકવાના, તો આ કેટલો સરસ ઉપાય છે. એમનું આખું ગ્રૂપ આ રસ્તે વિવિધતા ભરી, મધર્સ ડેને માતૃ દીવસ બનાવી, ધરોહરને સાચવવા આયામ કરે છે.  કેન્દ્રમાં ગીતાના અધ્યાયો સંગીતમય રીતે ગાવાની તાલિમ આપે છે. તો ‘પર્વ કી પાઠશાલા’  અંતર્ગત ભારતીય તહેવારો અને પૌરાણિક પરંપરાઓના  જ્ઞાનનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. તેઓ દરેક ભૂમિકા સુસંગત ભજવવાની પ્રેરણા આપે છે.

કલા, કૌશલ્ય અને અસીમ આત્મવિશ્વાસ…. કચ્છની આ દીકરી વિશ્વસ્તરે માતૃભૂમિનું પ્રતિનિધિત્વ કરી રહી  હોય એ  ગૌરવની વાત બને છે. ‘આયુર્વેદ કરતાં સંગીત તરફ વધારે ઢળી છું, એમાં પણ ઘર, પરિવાર પ્રથમ’, ‘ભગવાન જે કરે તે સારું’, ‘માત્ર પોતા પૂરતું નહીં, વહેંચીને જીવવાનું’, ‘જિંદગી જંગ છે, જીતીને આગળ વધીએ’, ‘પ્રશ્નો તો આવતા જ રહેશે, મક્કમ મનોબળ જ ઉકેલ’, ‘પરિસ્થિતિમાં હકારાત્મકતા જોઈને આગળ વધી જવું’, અને ‘ભગવાન પરિક્ષા તો લે છે, પણ ‘મા’ બનીને’, આ એમની સાથેની વાતચીતનો નીચોડ છે, બધું ભાથું બાંધવા જેવું લાગ્યું, ખરું ને?

Courtesy: Kalash Purti – Divya Bhaskar
Colum: નારીવૃંદ
Article By: માધવી